Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજકોટ જિલ્લામાં ૧૯૫૩૧૦ બાળકોને પોલીયો રસીકરણઃ જિ.પં.ટીમ દ્વારા સફળ અભિયાન

રાજકોટ તા.૧: દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનના ભાગ રૂપે રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે (IAS) જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા (IAS) તેમજ વિછીંયા તાલુકામાં પોલીયો બુથનું ઉદઘાટન ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર સરધારના પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઇ વિરાણી, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. મિતેષ એન.ભંડેરી, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પીપરડીના પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અવસરભાઇ કે. નાકિયા, લોધિકા તાલુકાના ખીરસરા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્‍ય ૭૦ના ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાના હસ્‍તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ.

તેમજ જસદણ તાલુકામાં મામલદારશ્રી દ્વારા પોલીયો બુથનું ઉદઘાટન કરવામાં આવેલ. વિવિધ પદાધીકારીશ્રીઓ અધિકારીશ્રીઓ દ્વારા પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવેલ.જિ.પં. રાજકોટના આરોગ્‍ય  સમિતિના ચેર પર્સન શ્રીમતિ કિરણબેન કિશોરભાઇ અંદિપરા અને લોક આગેવાન કિશોરભાઇ અંદિપરાના હસ્‍તે પોલીય બુથનું દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ. ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા અને જિ.પં. મેમ્‍બર સુભાષભાઇ માકડીયા હસ્‍તે પોલીય બુથનું દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ.રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૬૧૧૬૧ બાળકોને રસી આપવા માટે ૯૬૦ રસીકરણ બુથ બનાવવામાં આવેલ છે. ૯૬૦ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્‍યેક ટીમમાં આરોગ્‍ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્‍વંયસેવકો કામગીરી કરેલ. અસરકારક સુપરવીઝન માટે ૧૯૯ સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્‍તાર, વાડી વિસ્‍તારમાં કામગીરી કરવા માટે ૨૪૬ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્‍વે સ્‍ટેશન, બસસ્‍ટેશન તથા મોટી સંખ્‍યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્‍યાઓ માટે ૫૧ ટ્રાન્‍ઝીટ ટીમો બનાવવામાં આવેલ છે.

નેશનલ પલ્‍સ પોલીયો ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્‍યાન રાજકોટ જિલ્લામાં ૧૯૫૩૧૦ પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્‍ય ટીમ દ્વારા આપવામાં આવેલ.

(2:20 pm IST)