Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મધ્‍યાહન ભોજન યોજનાના ૧ લાખ બાળકોને રાજકોટ જીલ્લામાં સમય પ્રમાણે ભોજન-નાસ્‍તો મળશેઃ વ્‍યવસ્‍થા કરાઇ

સંચાલકોમાં રાજકોટ તાલુકામાં અમુક કેન્‍દ્રો ચાલુઃ અમૂકમાં હડતાલઃ તીથી ભોજન પણ આજથી શરૂ... : તમામ સંચાલકો સામે કડક પગલા લેવા દરેક મામલતદારોને આદેશઃ ગ્રામ પંચાયત-પ્રા. શાળાના આચાર્યોની મદદ લેવાઇ... : રાજકોટ જીલ્લામાં હડતાલ શરૂ પણ હાલ નહીવત અસરઃ પ્રથમ દિવસ હોય સરકારે પણ રીપોર્ટ મંગાવ્‍યો

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત રાજયભરમાં મધ્‍યાહન ભોજન સંચાલકો દ્વારા લડત શરૂ કરાઇ છે, નવુ મેનું એટલે  નાસ્‍તો આપવાની નવી યોજના શરૂ કરતા સંચાલકો રોષે ભરાયા છે. અને આજથી હડતાલનું એલાન આપી રાજકોટ જીલ્લાના તમામ ૮૯૪ કેન્‍દ્રો બંધ કરી દેવાની ચીમકી ઉચ્‍ચારી હતી અને તે પ્રમાણે ગઇકાલે સાંજે આગેવાનોએ ડે. કલેકટર શ્રી પટેલને  જણાવી દીધું હતું.

આજથી હડતાલ શરૂ થઇ છે, પરંતુ તેની હાલ નહીવત અસર હોવાનું વહીવટી તંત્રે ઉમેર્યુ હતું. આજે પ્રથમ દિવસ હોય સરકારે પણ તાકીદે રીપોર્ટ મંગાવ્‍યો છે.

બીજી બાજૂ રાજકોટ તાલુકામાં કુલ ૧૦૦ જેટલા મધ્‍યાહન ભોજન કેન્‍દ્રો આવેલા છે, તેમાંથી અમુક ચાલુ છે, અને અમુક બંધ રહ્યાનું જાણવા મળે છે.

દરમિયાન મધ્‍યાહન ભોજન યોજનાના ડે. કલેકટર શ્રી પટેલે ‘અકિલા' ને ઉમેર્યુ હતું કે, તીથી ભોજન પણ આજથી જ શરૂ કરી દેવાયું છે, તેમાં તારીખો આગળ પાછળ કરી નખાઇ છે, જેના પરીણામે કોઇ મુશ્‍કેલી નહી પડે.

ડે. કલેકટર શ્રી પટેલે ઉમેર્યુ હતું કે, મધ્‍યાહન ભોજન કેન્‍દ્રો જીલ્લામાં ૯૦૦ આસપાસ છે, અંદાજે ૧ લાખ બાળકોને લાભ મળે છે, અને તે મળતો રહેશે. બાળકોને સમય પ્રમાણે જ ભોજન અને બપોર બાદ નાસ્‍તો મળશે, તે માટેની તમામ વ્‍યવસ્‍થા કરાઇ છે, ગ્રામ પંચાયત-સ્‍કુલના આચાર્યોની મદદ લેવાઇ છે.  તેમણે ઉમેર્યુ હતું કે હડતાલ પર જનારા તમામ સંચાલકો સામે કડક પગલા લેવા દરેક મામલતદારોને આદેશો કર્યા છે, અને તેનો રીપોર્ટ પણ મંગાવ્‍યો છે.

(11:05 am IST)