Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ટ્રકે છૂંદી નાખતા વૃધ્ધ આહિર દંપતિનું કમકમાટીભર્યુ મોત

મક્કમ ચોકમાં સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માતઃ ન્યુ ગોપાલ પાર્કના મુળુભાઇ ચાવડા (ઉ.૬૦) અને પત્નિ શાંતુબેન ચાવડા (ઉ.૫૫)નો ભોગ લેવાયો :યાર્ડ પાસે રહેતાં શાંતુબેનના બહેન રામકુબેને ઓપરેશન કરાવ્યું હોઇ તેની ખબર કાઢવા પતિ સાથે એકટીવા પર જતા'તા ને રસ્તામાં કાળ ભેટ્યોઃ ટ્રકનો ચાલક ઓવરટેઇક કરવા જતાં એકટીવાની ઠોકર લાગી ને ફંગોળાયેલા પતિ-પત્નિ પર તોતીંગ વ્હીલ ફરી વળ્યાઃ પરિવાર જનોમાં કલ્પાંત

ગોઝારા ટ્રકે બબ્બે જીવ લીધાઃ સવારના પ્હોરમાં ગોંડલ રોડ મક્કમ ચોકમાં તોતીંગ ટ્રકે એકટીવાને ઉલાળતાં રોડ પર ફેંકાઇ ગયેલા આહિર વૃધ્ધ અને તેમના પત્નિ પર આ ટ્રકના વ્હીલ ફરી વળતાં દેહનો છૂંદો બોલી ગયો હતો અને બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતાં. તસ્વીરમાં ટ્રકના જોટા પાસે વૃધ્ધ દંપતિના નિષ્પ્રાણ દેહ, કાર્યવાહી કરતી પોલીસ, અન્ય તસ્વીરમાં એકટીવા તથા લોકોનું ટોળુ, શોકમય સ્વજનો અને નીચેની તસ્વીરમાં ભોગ બનેલા મુળુભાઇ ચાવડા અને તેમના પત્નિ શાંતુબેન ચાવડાનો ફાઇલો ફોટો તથા મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી થઇ તે દ્રશ્ય જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧: ગોંડલ રોડ પર મક્કમ ચોકમાં સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. દસ વ્હીલવાળા ટ્રકના ચાલકે ઓવર ટેઇક કરતી વેળાએ ડબલ સવારીવાળા એકટીવાને ઉલાળતાં ચાલક ન્યુ ગોપાલ પાર્કના આહિર વૃધ્ધ અને પાછળ બેઠેલા તેમના પત્નિ ફંગોળાઇ જતાં અને બાદમાં બંનેના શરીર પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતાં શરીરનો છૂંદો બોલી જતાં બંને પતિ-પત્નિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સવારે દસ વ્હીલવાળા ટ્રક નં. જીજે૩એટી-૪૧૫૮ના ચાલકે એકટીવા નં. જીજે૩એચએફ-૩૪૮૪ને ઉલાળતાં તેના પર બેઠેલા વૃધ્ધ અને વૃધ્ધા રોડ પર ફેંકાઇ જતાં અને ટ્રકના ડાબી સાઇડના પાછલા જોટામાં આવી જતાં બંેનના શરીરના ભાગો છુંદાઇ જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ ડી. બી. ખેર, પરષોત્તમભાઇ અને કિરણભાઇ બાલાસરા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થયો હોઇ કન્ટ્રોલ રૂમમાંથી પણ મોબાઇલ દોડાવાઇ હતી.

પોલીસે મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડ અને ફોનને આધારે તપાસ કરતાં એકટીવા ચાલક વૃધ્ધ ગુરૂપ્રસાદ ચોક નજીક અંકુર રોડ પર ન્યુ ગોપાલ પાર્ક-૪માં રહેતાં મુળુભાઇ ઉગાભાઇ ચાવડા (આહિર) (ઉ.૬૦) તથા સાથેના મહિલા તેમના પત્નિ શાંતુબેન મુળુભાઇ ચાવડા (ઉ.૫૫) હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. 

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મુળુભાઇ ચાવડા નિવૃત જીવન ગુજારતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે. બે પુત્રોના નામ સુભાષભાઇ અને અશોકભાઇ છે. જ્યારે પુત્રીઓના નામ પારૂલબેન તથા મિતલબેન છે. આ બંને બહેનો પરણેલી છે. મોટા પુત્ર સુભાષભાઇ પરિણીત છે અને તેને ત્રણ વર્ષની એક પુત્રી છે. તે અને નાનો ભાઇ અશોકભાઇ બંને આજી વસાહતમાં અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા જાય છે. અગાઉ આ પરિવાર આજી વસાહત ખોડિયારપરામાં રહેતો હતો. હાલ ન્યુ ગોપાલ પાર્કમાં રહે છે.

મુળભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. તેમના પત્નિ શાંતુબેનના બહેન રામકુબેનનું વિરનગર ખાતે ઓપરેશન કરાવ્યું હોઇ સવારે શાંતુબેન પતિને સાથે લઇ પોતાના આ બહેનની માર્કેટ યાર્ડ પાસેના ઘરે ખબર પુછવા જઇ રહ્યા હતાં. ત્યારે રસ્તામાં મક્કમ ચોકમાં બંનેને કાળ ભેટી ગયો હતો.

બનાવ સ્થળે પહોંચેલા પુત્રો, સ્વજનોએ મૃતદેહો જોતાં જ ભાંગી પડ્યા હતાં. તેમના આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક રેઢો મુકીને ભાગી ગયો હતો. પોલીસે તેની સામે મૃતકના પુત્ર અશોકભાઇની ફરિયાદ દાખલ કરી છે. 

ટ્રક ચાલક કોઇ વાહનને ઓવરટેઇક કરવા જતાં એકટીવા ઠોકરે આવી ગયું હતું અને જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૃતક મુળુભાઇ ધાર્મિક વૃતિના હતાં: દરરોજ આજીડેમ પાસે મંદિરે જતાં

. ધર્મપત્નિ સાથે કાળનો કોળીયો બની ગયેલા મુળુભાઇ ચાવડા ખુબ જ ધાર્મિક વૃતિના અને ધર્મપરાયણ હતાં. દરરોજ સવારે તેઓ આજીડેમ પાસેના મંદિરે દર્શન કરવા જતાં હતાં અને આ તેમનો નિત્યક્રમ હતો. મોભીના મોતથી ચાવડા પરિવારના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

ટ્રક સળગાવી નાંખો...ની બૂમો પડીઃ પોલીસે ટોળા વિખેર્યા

. અકસ્માત સ્થળે લોકોના ટોળા મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં અને ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. વૃધ્ધ દંપતિના છુંદાઇ ગયેલા મૃતદેહો જોઇ ભલભલાને કમકમાટી છુટી ગઇ હતી. આ વખતે ટોળામાંથી કોઇએ ટ્રક સળગાવી નાંખો...એવી બૂમો પાડી હતી. જો કે પોલીસ ઘટના સ્થળે જ હોઇ ટોળા વિખેરી નાંખ્યા હતાં. ભાગી ગયેલા ચાલકની શોધખોળ થઇ રહી છે.

ચાર ભાઇ-બહેને એક સાથે માતા-પિતા ગુમાવતા કલ્પાંત

. આહિર મુળુભાઇ ઉગાભાઇ ચાવડા (ઉ.૬૫)નું તેના ધર્મપત્નિ શાંતુબેન ચાવડા (ઉ.૫૦) સાથે મોત નિપજતાં બે ભાઇઓ અને બે બહેનો મળી ચાર ભાંડરડાએ એક સાથે માતા-પિતા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. બે બહેનો અને મોટા ભાઇ પરિણીત છે. નાના ભાઇના લગ્ન થયા નથી.

(2:54 pm IST)