Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

આજ તો મારી જ નાંખવો છે, તારા દિવસો ગણી લેજે...કહી ટોળુ તૂટી પડ્યું: જયંત પંડ્યાએ કહ્યું-હુમલો કરનારા ભૂદેવો હતાં

નવલનગરની શાળામાંથી ચંદ્ર ગ્રહણ અંગેનો કાર્યક્રમ પુરો કરી બહાર નીકળ્યા ત્યાં જ ઢીકા-પાટુ-લાતનો માર પડ્યો : હાથમાં ફ્રેકચરઃ માલવીયાનગર પોલીસે રાયોટનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી

હોસ્પિટલ ખાતે એન્ટ્રી નોંધતા કોન્સ. ધીરેનભાઇ ગઢવી અને સારવારમાં દાખલ જયંત પંડ્યા

રાજકોટ તા. ૧: જ્યોતિષના નામે તૂત કરનારા, તંત્રમંત્રના નામે લોકોને છેતરનારા કહેવાતા ભુવા-ભારાડીઓ અને તાંત્રિકોના પર્દાફાશનું કામ કરતાં ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત ભાનુશંકર પંડ્યા (ઉ.૬૦) પર સાંજે નવલનગરની અમૃત વિદ્યાલય બહાર ૧૫ થી ૨૦ શખસોના ટોળાએ હુમલો કરી માર મારતાં અને ગાળો  દઇ મારી નાંખવાની ધમકી આપી ચશ્મા અને મોબાઇલ ફોન તોડી નાંખતા ગુનો દાખલ થયો છે.

જયંત પંડ્યા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ માલવીયાનગરમાં જાણ કરતાં પી.એસ.આઇ. જે.એ. ખાચરે હોસ્પિટલે પહોંચી તેની ફરિયાદ નોંધી હતી. તેણે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું વકિલાત કરુ છું અને ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન તરીકે કામ કરુ છું. રાજ્યમાં ધર્મ-શ્રધ્ધા સાથે ચેડા કરનારે દોરા ધાગા સાથે ચેડા કરનારને અને અંધશ્રધ્ધા તથા યેનકેન પ્રકારે છેતરપીંડી કરનારાનો ગુનો અટકે તે હેતુથી આવા કામ કરતાં અટકાવું છું.

બુધવારે ચંદ્રગ્રહણ હોઇ તેની સદીઓ જુની ગેર માન્યતાના ખંડનનો કાર્યક્રમ અને ગ્રહણનો નજારો જોવા માટે નવલનગર-૩માં અમૃત વિદ્યાલય ખાતે સાંજે છ વાગ્યે કાર્યક્રમ હોઇ હું તથા કાર્યકરો ત્યાં ગયા હતાં. શાળામાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હતાં. તેમજ આસપાસના રહેવાસીઓ પણ આવ્યા હતાં. અહિ મેં ગ્રહણ વિશે સમજ આપી હતી અને ગ્રહણ જોયુ હતું. નાસ્તો કર્યા બાદ મારે કાલાવડ રોડ પર લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં બીજા કાર્યક્રમમાં જવાનું હોઇ સાડા સાતેક વાગ્યે હું સ્કૂલ બહાર મારુ એકટીવા હોઇ તે લેવા જતાં ત્યાં અગાઉથી જ ચાર-પાંચ લોકો ઉભા હતાં. તે મારી પાસે આવેલ અને કહેવા લાગેલ કે આ બાજુ આવો, આજ તો પતાવી જ દેવા છે. જેથી હું બચવા માટે ભાગતાં પડી ગયો હતો.

ત્યાં બીજા ૧૦-૧૫ જણા આવી ગયેલ અને મને ઢીકા-પાટુ-લાતનો માર મારવા માંડ્યા હતાં. આ બધાએ મારતાં મારતાં કહ્યું હતું કે 'હવે તારા દિવસો ગણી લે ગમે ત્યારે પતાવી દેવો છે'. ધમકી આપી મારા ચશ્મા અને બે મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યા હતાં. મેં બૂમાબૂમ કરતાં કાર્યકરો અને બીજા લોકો દોડી આવતાં આ તમામ ભાગી ગયા હતાં. હુમલો કરનારા ભૂદેવો હતાં એ મને ખબર છે, પણ તેના નામ આવડતાં નથી. જોયેથી ઓળખી શકું.  હુમલા બાદ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરતાં પીસીઆર આવી હતી અને મને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

જયંત પંડ્યાએ સવારે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે મારને લીધે ડાબા હાથમાં ફ્રેકચર થયું છે. મેં ૬ ડિસેમ્બરના રોજ જામનગર ખાતે જ્યોતિષી હિતેષ મહારાજનો પર્દાફાશ કરી પિડીતોને પૈસા પાછા અપાવ્યા હોઇ તે કારણે મારા વિરૃધ્ધ ભૂદેવોએ અગાઉ કલેકટરને આવેદન આપ્યું હતું. આ મનદુઃખને લીધે જ હુમલો થયો છે.

માલવીયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. જો કે દૂરના ફૂટેજ હોઇ અને અંધારુ હોઇ ચહેરા સ્પષ્ટ દેખાતા નથી.

(12:35 pm IST)