Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કર્ફયુ અને કડક બંદોબસ્ત કામ કરી ગયાઃ ૩૧મીની ઉજવણી માટે કોઇ બહાર ન નીકળ્યું: છતાં 'ડમડમ' હાલતમાં ૮ અને દારૂ સાથે ૩ પકડાયા

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ જાતે પેટ્રોલીંગમાં નીકળ્યાઃ ઠેકઠેકાણે બંદોબસ્તઃ ગોંડલ જવા નીકળેલા પરિવારને પોલીસે પીસીઆર વેનમાં બેસાડી ગોંડલ ચોકડીએ પહોંચાડ્યું

રાજકોટઃ કોરોનાને કારણે આ વખતે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીની આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. ઉત્સવપ્રેમી રાજકોટવાસીઓ જે રાત્રીની હમેંશા રાહ જોતા હોય છે તે થર્ટી ફર્સ્ટ નાઇટમાં રસ્તાઓ ભેંકાર ભાસતા હતાં. કોરોનાને લઇને કોઇપણ પાર્ટીઓને મંજુરી આપવામાં આવી નહોતી.    આમ છતાં લોકો ઉજવણી માટે નીકળી પડશે તેવું લાગતું હોઇ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે અગાઉથી જ કડક બંદોબસ્ત ગોઠવવા સુચના આપી હોઇ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ૪૮ નાકા પોઇન્ટ ઉભા કરાવ્યા હતાં અને તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ તથા તેમની ટીમોને કડક પેટ્રોલીંગ બંદોબસ્ત જાળવવા સુચના આપી હતી. રાતે પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ પોતે પણ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ કે. એન. ભુકણ સાથે કેકેવી ચોક સહિતના માર્ગો પર ફર્યા હતાં અને સ્ટાફને સુચના આપી હતી. જો કે કર્ફયુ અને કડક બંદોબસ્તને લીધે રાતે નવ પછી કોઇપણ લોકો રોડ પર દેખાયા નહોતાં. ઉપરની તસ્વીરમાં અધિકારીઓ સાથે ચર્ચા કરતાં શ્રી અગ્રવાલ તથા બાજુમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહેલા ડીસીપી શ્રી જાડેજા, એસીપી ગેડમ, પીઆઇ ભુકણ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં મહિલા કોલેજ અન્ડરબ્રીજ, કાલાવડ રોડ પર થઇ રહેલુ ચેકીંગ અને સોૈથી છેલ્લે એક પરિવાર ચાલીને જતું હોઇ તેને ગોંડલ જવું હોઇ એ લોકોને પીસીઆર વેનમાં બેસાડી પોલીસે ગોંડલ ચોકડીએ પહોંચાડેલ તે જોઇ શકાય છે.

આ વખતે કડક બંદોબસ્ત અને કર્ફયુ હોવા છતાં અમુક સમજ્યા નહોતાં. અલગ-અલગ સ્થળોએથી નશો કરેલી હાલતમાં ૮ તથા દારૂ સાથે ૩ પકડાયા હતાં. એ-ડિવીઝન પોલીસે સોની બજાર મેઇન રોડ પરથીન્યુ સહકાર સોસાયટીના વિરેન્દ્ર દિનેશભાઇ સોલંકીને દારૂની એક બોટલ સાથે તથા મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસેથી નંદા હોલ સુભાષનગરના હરેશ તુલસીભાઇ કથીરીયા પકડી લેવાયા હતાં. જ્યારે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાત નાકા પાસેથી જંગલેશ્વરના ચેતન વિનોદભાઇ મકવાણાને દારૂની બે બોટલ સાથે પકડ્યો હતો. ભકિતનગર પોલીસે નિલકંઠ ટોકિઝ સામેથી વિવેકાનંદનગરના અજય ડાયાભાઇ વઘાસીયાને નશો કરેલી હાલતમાં બાઇક સાથે, આજીડેમ પોલીસે  ખોખડદળ ગામ પાસેથી બાબરીયા કોલોનીના નરેન્દ્ર મનુભાઇ રોકડને બાઇકમાં નશો કરી નીકળતાં, આજીડેમ ચોકડીએથી ભીમરાવનગરના નિકુંજ ઉર્ફ કાનો મોહનભાઇ પારઘીને નશો કરેલો, માલવીયાનગર પોલીસે કોટેચા ચોકમાંથી નાણાવટી ચોક આરએમસી કવાર્ટરના દિપક મુકેશભાઇ નિમાવતને બાઇકમાં નશો કરેલો પકડ્યો હતો. જ્યારે પ્ર.નગર પોલીસે રેલ્વે સ્ટેશન મેઇન રોડ પરથી કોઠી કમ્પાઉન્ડ બંગલા નંબર-૧૮ના રાજુ જયંતિભાઇ સરવૈયાને દારૂની બે બોટલ સાથે પકડ્યો હતો. આ સિવાય રાત ઉજવણી વગર પસાર થઇ ગઇ હતી. તસ્વીરમાં અધિકારીઓ ચર્ચા કરતાં, પેટ્રોલીંગ કરતાં અને કર્મચારીઓ વાહન ચેકીંગ કરતાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ જીલ્લામાં એકપણ દારૂ સાથે કે પીધેલી હાલતમાં ઝપટે ન ચડ્યાં

.થર્ટીફર્સ્ટ અનુસંધાને ગઈકાલે રાત્રે રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળ, પડધરી તથા લોધીકા પોલીસ મથક સહિત જીલ્લામાં ૧૨ ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. પણ કોઈ દારૂ સાથે કે દારૂ પીધેલ હાલતમાં વાહન હંકારતા મળી આવ્યા ન હતા. રાજકોટ શહેરમાં કર્ફયુને કારણે જીલ્લા પોલીસ મથકની હદમા ફાર્મ હાઉસો તથા ચેકપોસ્ટ ઉપર સઘન પોલીસ ચેકીંગ હોઇ દારૂ પી થર્ટીફર્સ્ટની ઉજવણી કરનારા કોઈ શખ્સો ફરકયા ન હતા. રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આર. ગોહિલ તથા એસઓજીના પીએસઆઈ એચ.એમ. રાણા તથા જીલ્લામા સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા થર્ટીફર્સ્ટ અનુસંધાને કડક પોલીસ ચેકીંગ હોય કોઈ દારૂ પીધેલા શખ્સો બહાર ફરકયા ન હતા.

(3:23 pm IST)