Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સુજલામ-સુફલામ યોજના માટે કલેકટરનો માસ્ટર પ્લાનઃ DRDA-પંચાયતને ૬ તાલુકા સોંપાયા

૮ તાલુકામાં કૃષિ ઇનપુટમાં ૧ લાખ ૧૧ હજાર અરજીઃ ૯૪ કરોડમાંથી ૩૬ કરોડની ગ્રાંટ આવી : મગફળી ખરીદીમાં ર૦ કરોડમાંથી ૧૬ કરોડ ચુકવાયાઃ ૩૧ જાન્યુઆરી સુધી મગફળી ખરીદાશે

રાજકોટ, તા., ૧: રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે આગામી સુજલામ-સુફલામ યોજના એટલે કે તળાવ-ચેકડેમ વિગેરે ઉંડા  ઉતારવા-વધુ પાણી સંચય કરવા સંદર્ભે અમે માસ્ટર પ્લાન તૈયાર કરી રહયા છીએ. આજે નવા વર્ષથી આ પહેલુ મહત્વનું કામ ઉપાડાયું છે. આ અંગે ગઇકાલે જ પ્રાથમીક બેઠક કરી કયા તાલુકાના કયા ગામમાં આ યોજનાની જરૂરીયાત છે તેની વીગતો મંગાવાઇ છે અને ૩૧ જાન્યુઆરી પહેલા માસ્ટર પ્લાન તૈયાર કરી લેવાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આમા ૩ તાલુકા ડીઆરડીએ અને ૩ તાલુકા પંચાયત-સિંચાઇને સોંપી દેવાયા છે. બાકીના તાલુકા કલેકટર હસ્તક રહેશે.

૮ તાલુકામાં અછતગ્રસ્ત કૃષિ ઇનપુટ માટે ૧ લાખ ૧૧ હજાર અરજી આવી

કલેકટરે ઉમેર્યુ હતું કે સરકારે રાજકોટ જીલ્લાના જાહેર કરેલા અછતગ્રસ્ત તાલુકામાં કૃષિ ઇનપુટની કામગીરી ચાલુ છે. ૮ તાલુકામાંથી કુલ ૧ લાખ ૧૧ હજારથી વધુ અરજીઓ આવી છે. આ તાલુકામાં જેતપુર-વીંછીયા-ગોંંડલ-પડધરી-ધોરાજી-ઉપલેટા-કોટડા સાંગાણી અને જસદણનો સમાવેશ થાય છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે જીલ્લામાં રાા લાખથી વધુ ખેડુતો છે. ૧પ મી જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકે છે. ચુકવવાની રકમ સંદર્ભે ૯૪ કરોડની ગ્રાંટ મંગાઇ છે. તેમાંથી ૩૬ કરોડ આવી ગયા છે.

મગફળી ખરીદીઃ ૧૬ હજાર ખેડુતોને ૧૬ કરોડથી વધુનું ચુકવણું કરાયું

કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ ઉમેર્યુ હતું કે ૮૦ ટકા ખેડુતોને મગફળીની ખરીદીના ચુકવણા થયા છે. કુલ ર૦ કરોડથી વધુ રકમ ચુકવવા પાત્ર છે. તેમાંથી ૧૬ હજારથી વધુ ખેડુતોને ૧૬ કરોડથી વધુનું ચુકવણું કરી દેવાયું છે.

તેમણે ઉમેર્યુ હતું કે કુલ ર૦ર૯૦ ખેડુતો પાસેથી ખરીદી કરાઇ હતી. જયારે રજીસ્ટ્રેશન ૩૯ હજારથી વધુનું હતું. આ ર૦હજારમાંથી ૧૬ હજાર ખેડુતોને ચુકવણું થઇ ગયું છે. હજુ ૩૧ મી જાન્યુઆરી સુધી ખરીદી ચાલુ રખાશે. આ અંગે આજે ખાસ રિવ્યું બેઠક રખાઇ છે. (૪.૭)

(3:48 pm IST)