Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

લક્ષ્મીનગરમાં ભરવાડ શખ્સોની મધરાતે ધમાલઃ ૧૦ વાહનોમાં તોડફોડ

બકાલાના ધંધાર્થી કેશાભાઇ દેવીપૂજકના પુત્ર અશોક સાથે લાલા ભરવાડ અને સાગર ભરવાડને દિવસે નજીવી વાતે બોલાચાલી થઇ તેનો ખાર રાત્રે ઉતારાયોઃ કેશાભાઇ, તેના સગા આશાબેન અને વચ્ચે પડેલા વૃધ્ધ જગપ્રસાદને ધોકા-પાઇપથી ફટકારાયા : શેરીમાં પાર્ક કરાયેલા નિર્દોષ લોકોના વાહનો પણ નિશાન બન્યા

દે ધનાધન....લક્ષ્મીનગર-૧ સામેની ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક છોકરા સાથે ભરવાડ શખ્સોને થયેલી બોલાચાલીને પગલે મોડી રાત્રે ભરવાડ શખ્સોએ ટોળકી રચી ધમાલ મચાવી હતી. જેમાં ત્રણ ઘાયલ થયા હતાં. હુમલાખોરોએ જતાં જતાં ૧૦વાહનોમાં પણ તોડફોડ કરી હતી જે તસ્વીરોમાં જોઇ શકાય છે. ઇન્સેટમાં હુમલામાં ઘાયલ કેશાભાઇ દેવીપૂજક અને વૃધ્ધ જગેન્દ્રપ્રસાદ શાહુ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: લક્ષ્મીનગર-૧ સામે ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક પરિવારના છોકરા સાથે ગઇકાલે ભરવાડ શખ્સોને બોલાચાલી થઇ હોઇ તે બાબતનો ખાર રાખી મોડી રાત્રે ભરવાડ શખ્સોએ ઝૂપડામાં સુતેલા દેવીપૂજક પરિવારના લોકો પર ધોકા-પાઇપથી હુમલો કરતાં બે ઘવાયા હતાં. જેમાં છોડાવવા વચ્ચે પડેલા ૭૦ વર્ષના વૃધ્ધને પણ ઘાયલ કરાયા હતાં. ટોળુ ભેગુ થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. પરંતુ જતાં-જતાં દેવીપૂજક પરિવારના વાહન તથા સામેની સાઇડમાં રહેતાં લોકોના વાહનોમાં પણ કારણવગર તોડફોડ કરતાં ગયા હતાં. દસ વાહનોમાં તોડફોડ થતાં દેકારો મચી ગયો હતો.

રાત્રીના દોઢેક વાગ્યે લક્ષ્મીનગર-૧માં રહેતાં બકાલાના ધંધાર્થી કેશાભાઇ જીણાભાઇ થારતીયા (દેવીપૂજક) (ઉ.૪૫) તથા તેના સાળાના પત્નિ આશાબેન ઇશ્વરભાઇ ચાંગાવાડીયા (ઉ.૩૫) અને પડોશી જગપ્રસાદ બુધઇભાઇ શાહુ (ઉ.૭૦) લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને ભરવાડ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ યુ. બી. જોગરાણાએ હોસ્પિટલે પહોંચી કેશાભાઇની ફરિયાદ પરથી લાલ ભરવાડ અને સાગર ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો.

કેશાભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના દિકરા અશોકને ગઇકાલે દિવસના સમયે લાલા અને સાગર ભરવાડ સાથે નજીવી બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી રાત્રીના દોઢેક વાગ્યે આ ભરવાડ શખ્સો બીજા પાંચેક જણાને સાથે લઇને આવ્યા હતાં અને 'અશોક કયાં ગ્યો?' એવી બૂમો પાડી હતી. પોતાને ખબર નથી તેમ કહેતાં આ લોકોએ ધોકા-છરી-પાઇપથી હુમલો કરતાં પોતાને હાથમાં ઇજા થઇ હતી. આશાબેન વચ્ચે પડતાં તેને પણ ઇજા કરવામાં આવી હતી. તો પડોશી વૃધ્ધ જગપ્રસાદ દોડી આવતાં તેને પણ ધોકા ફટકારાયા હતાં.

દેકારો અને રાડારાડી થતાં બીજા રહેવાસીઓ જાગી જતાં અને લોકો ભેગા થઇ જતાં આ બધા શખ્સો ભાગી ગયા હતાં. જતાં જતાં અમારા તથા બીજા લોકોના વાહનો શેરીમાં પાર્ક કરાયેલા હોઇ તેમાં પણ આ શખ્સો ધોકા-પાઇપ ફટકારી તોડફોડ કરતાં ગયા હતાં.

જે વાહનોમાં નુકસાન થયું છે તેમાં રોહિતભાઇ લક્ષમણભાઇ જાદવની ઇનોવા કાર જીજે૩સીએ-૯૯૯૯, રમેશભાઇ દાનાભાઇ ભોજાણીની રિક્ષા જીજે૩બીયુ-૨૧૩૧, રઘુભાઇ ભલાભાઇ સાગઠીયાની રિક્ષા જીજે૩બીયુ-૦૭૩૯, અજયભાઇ દવેની રિક્ષા જીજે૨૧ટીટી-૩૭૭૯, હિરેનભાઇ દવેની રિક્ષા જીજે૭ટીટી-૭૩૬૧, ઇશ્વર સવાભાઇ ચાંગવાડીયાની રિક્ષા જીજે૩એઝેડ-૭૨૦૧, કાંતિભાઇ અમજીભાઇ કોળીની રિક્ષા જીજે૧૬યુ-૨૨૪૭, અજયભાઇ માંગીલાલ રાફુચાની રિક્ષા જીજે૩ડબલ્યુ-૨૧૮૯ તથા મહમદભાઇ રસુલભાઇ રાઠોડનું છોટાહાથી જીજે૩એવી-૮૮૮૬નો સમાવેશ થાય છે. આ તમામ વાહનોના કાચ ફોડી નાંખવામાં આવ્યા હતાં. પોલીસે ભરવાડ શખ્સોની શોધખોળ આદરી છે. રૈયાધાર તરફ આ શખ્સો રહેતા હોવાની ચર્ચા છે.

(3:33 pm IST)