Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કર્મ નહીં ભાવના સમજો અને અનેકતામાં એકતાના દર્શન કરો : પૂ. વિદિતાત્માનંદજી

રાષ્ટ્રીય શાળામાં વેદાંત વિચાર વર્તુળ દ્વારા ચાલી રહેલ જ્ઞાનયજ્ઞમાં ઉદ્દબોધન

રાજકોટ તા. ૧ : કર્મ મહત્વનું નથી પણ તેની પાછળની ભાવના જ મહત્વની છે. કર્મ ભાવના બદલાય તો કર્મની અસર બદલી જાય છે. કર્મની ભાવનમાં પરિવર્તન કરવામાં આવે તો તે બંધનકારક કર્મ મુકિતકારક કર્મ બની જાય છે. તેમ પૂ. સ્વામી વિદિતાત્માનંદજીએ રાષ્ટ્રીયશાળા ખાતે વેદાંત વિચાર વર્તળ દ્વારા ચાલી રહેલ જ્ઞાનયજ્ઞમાં પ્રવચન આપતા જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે સાચી ભકિતભાવથી કરેલું નાનામાં નાનું કર્મ ઇશ્વરને પ્રસન્ન કરી શકે છે. ભાવના ચિત શુધ્ધ કરનાર છે. માત્ર સ્મરણ પુરતું નહીં પણ ભાનાથી થતું સ્મરણ મહત્વનું છે. ભાવનાથી કર્મ થાય તો ચિતશુધ્ધિ થાય છે અને જ્ઞાન થાય છે. જ્ઞાનથી મોક્ષ મળે છે. આમ કર્મ મોક્ષનું સાધન બની રહે છે.

સામાન્ય મનનો પ્રવાહ રાગપ્રેરીત હોય છે તેને ઇશ્વર પ્રેરીત કરવો જોઇએ. રાગદ્વેષ અધ્યાત્મના માર્ગમાં અવરોધક છે. આ રાગદ્વેષ એટલા પ્રબળ છે કે તે આપણા જીવનનું સંચાલન કરે છે. રાગદ્વેષથી મુકત થવુ હોય તો અનુકુળ પ્રતિકુળની છાપ ન મારવી. પણ સામે છે તે નારાયણ છે તેવો ભાવ કેળવવો.

જગતમાં ભાત ભાતના નામ આકાર દેખાય છે. તેને મહત્વ ન આપતા તે સૌમાં રહેલ સમાનતા પ્રત્યે ધ્યાન આપવું જોઇએ. એકતામાં એકત્વની દ્રષ્ટિઅને બુધ્ધીમાં સમજણ કેળવો. વિષમતામાં તેમના જ સાચા દર્શન થાય છે.

આમ ભાવનાનું મહત્વ, રાગદ્વેષ કેમ દુર કરવા, કર્મ કેવી ભાવનાથી કરવું, સમાન તત્વનું દર્શન કેમ કરવું વગેરે બાબતો પર પૂ. સ્વામી વિદિતાત્માનંદજીએ છણાવટ કરી હતી. દરરોજ વિશાળ સંખ્યામાં શ્રોતાજનો પ્રચચનનો લાભ લઇ રહ્યાનું વેદાંત વિચાર વર્તુળ (મો.૯૪૨૮૪ ૬૨૬૨૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:38 pm IST)