Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

૩૧મીની રાત્રે પોલીસના 'સઘન ચેકીંગ' વચ્ચે 'પીધેલા' માત્ર ત્રણ જ મળ્યાઃ ત્રણ સવારીમાં દેકારો કરતાં નીકળનારાઓને ઉઠબેસ કરાવાઇ

કોઇએ પીધો જ નહિ કે પછી પોલીસના ડરથી બહાર ન નીકળ્યા!?

રાજકોટઃ શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્વક રીતે થાય અને કોઇ છમકલા ન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટની રાહબરી હેઠળ શહેરભરમાં સાંજના સાતથી મોડી રાત સુધી સઘન ચેકીંગ થયું હતું. ખાસ કરીને રેસકોર્ષ રીંગરોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ પર પોલીસનું ખાસ ચેકીંગ રખાયું હતું. ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયાની રાહબરી હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, પી.એસ.આઇ. એ.એસ. સોનરા, પી.એસ.આઇ. ઉનડકટ, પી.એસ.આઇ. ધાંધલીયા તથા ટીમોએ મુખ્ય માર્ગો પર ખાસ વોચ રાખી હતી તેમજ ડાન્સ-ડીજે પાર્ટીના સ્થળો પર ઓચીંતા ચેકીંગ કર્યુ હતું. કયાંય પણ કોઇપણ જાતના છમકલા વગર ઉત્સાહથી ઉજવણી થઇ હતી. બીજી તરફ ૩૧મીએ અમુક શોખીનો  ઉજવણી કરવા 'છાંટોપાણી' લીધા વગર રહી શકતાં નથી એ પણ હકિકત છે. જો કે ડમડમ થનારા પોલીસના ડરથી કાં તો મોજમાં આવી ગયા બાદ બહાર જ નહોતા નીકળ્યા કાં તો કોઇપણ રીતે પોલીસથી બચીને ઘરે પહોંચી ગયા હશે! પેટ્રોલીંગ દરમિયાન પોલીસને માત્ર ત્રણ જ નશાખોર હાથ લાગ્યા હતાં. જેમાં મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસેથી રાત્રે પોણા એકાદ વાગ્યે રૂખડીયાપરા-૩નો ફિરોઝ અયુબભાઇ જામ (ઉ.૨૨) દારૂ પી નંબર વગરનું બૂલેટ લઇને નીકળતાં એ-ડિવીઝનના સંજયસિંહે  પકડ્યો હતો. જ્યારે જંગલેશ્વર-૧૨નો યુસુફ અલીભાઇ બેલીમ (ઉ.૨૦) રાત્રે બે વાગ્યે દારૂ પીધેલી હાલતમાં દેવપરા શાક માર્કેટ પાસે મળતાં ભકિતનગરના જયુભાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ઉપરાંત દુધ સાગર રોડ પર ફારૂકી મસ્જીદ પાસે રહેતો મુસ્તુફા કાદરભાઇ કુરેશી (ઉ.૨૨) દારૂ પી રિક્ષા નં. જીજે૩એઝેડ-૩૮૨૪ હંકારી દુધ સાગર રોડ અમુલના ગેઇટ પાસેથી રાત્રે સવા વાગ્યે નીકળતાં કોન્સ. વિજયભાઇએ પકડી લીધો હતો.

શહેર પોલીસ મથકોના તમામ પી.આઇ. અને ટીમોએ તેમજ ક્રાઇમ બ્રાંચે ઠેર-ઠેર ચેકીંગ કર્યા હતાં. તસ્વીરોમાં વાહનોની ડેકી ખોલાવી ચેકીંગ કરવામાં આવ્યું તે દ્રશ્યો તથા કાલાવડ રોડ પરથી અમુક બાબુડીયાઓ દેકારો કરતાં ત્રણ-ત્રણ સવારીમાં બાઇક પર નીકળતાં તેને અટકાવી જાહેરમાં ઉઠક-બેઠક કરાવાઇ હતી. એક યુવાનના વાહનની ડીકીમાંથી પાણી અને થમ્સઅપની બોટલ નીકળી હતી, બીજું કંઇ નહોતું. પોલીસે મોઢા સુંઘીને પણ તપાસ કરી હતી કે કોઇએ ગળા ભીના કર્યા છે કે નહિ? (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૨)

(11:52 am IST)