Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

મેડીકલ કાઉન્સીલને બદલે નેશનલ મેડીકલ કમિશ્નર બનાવવાની હિલચાલથી તબીબોમાં ભારે રોષઃ કાલે બ્લેક ડે મનાવશે

ગરીબ વિરોધી, બિનપ્રતિનિધિ અને બિનલોકશાહી બીલ ગણાવતા ડોકટર્સ એસો.

રાજકોટ તા. ૧ : ભારત સરકાર દ્વારા દેશમાં મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને વિખેરી તેના સ્થાને નેશનલ મેડીકલ કમિશન બનાવવાની હિલચાલ સામે દેશભરમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો છે.

કેન્દ્ર સરકાર MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ને વિખેરી તેના સ્થાને NMC (નેશનલ મેડિકલ કમિશન) લાવવા ઝુંબેશ હાથ ધરી છે ત્યારે સમગ્ર દેશમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ બિલના વિરોધમાં બીજી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં બ્લેક ડે ઉજવવા નિર્ણય કર્યો છે.

આઈએમએના વિરોધમાં અમદાવાદ બ્રાન્ચે પણ ટેકો જાહેર કર્યો છે. આઈએમએના ડોકટર્સ આ બિલને ગરીબ વિરોધી, બીન પ્રતિનિધિ, બીન લોકશાહી અને એન્ટી-ફેડરલ ગણાવે છે. ચાલુ વર્ષેથી આ બિલનો અમલ સમગ્ર દેશમાં થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર પુરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિતના આઈએમએના મુખ્યમથકોના ડોકટર્સ મંગળવારે સમગ્ર દેશમાં સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી કામથી સંપૂર્ણ અળગા રહેશે.

આઈએમએના રાષ્ટ્રીય પ્રમુખ ડો. રવિ વાનખેડકર, જનરલ સેક્રેટરી ડો.  આર.એન.ટંડન અને એકશન કમિટીના ચેરમેન ડો. એ.મરથાંડા પિલ્લઈએ આ બિલ સામે લડતમાં દેશના તમામ ડોકટર્સ સંગઠનોને જોડાવવા અને બ્લેક ડેને સફળ બનાવવા આહ્વાન કર્યું છે.(૨૧.૧૫)

(2:27 pm IST)