Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મેઇન્ટેનન્સ એશોશીએશનની આવક કરપાત્ર છે ? એશોશીએશનનાં વહીવટના પ્રશ્નો જટીલ હોય છે

ફલેટ, ટેનામેન્ટસ અથવા બંગલાઓ, રહેઠાણના આવાસો તેમજ ઓફિસ, દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષો માટે તેમાં સફાઇ કામ, પાણી, વિજળી, લીફટ, ગાર્ડન, ચોકીદારો વગેરેને રાખવા તેમજ તે ખર્ચાને પહોંચી વળવા સભ્યો ભેગા મળીને એક એશોસીએશનની રચના કરે છે. જે સભ્યો પાસેથી નિયમીત પૈસા ઉઘરાવીને અથવા એકીસાથે મેઇન્ટેનન્સ ડીપોઝીટ તરીકે ફલેટ, મકાન, દુકાન કે ઓફિસ ખરીદતી વખતે ઉઘરાવી તે રકમ બેંકોમાં ડિપોઝીટ કરી તેના વ્યાજમાંથી મેઇન્ટેનન્સ ખર્ચાઓ કરતા હોય છે. જેને 'કોમન મેઇન્ટેનન્સ તથા ફેસીલીટી' માટે એશોસીએશનનું બંધારણ બનાવી- તેને રજીસ્ટર કરાવી લેવામાં આવ્યા બાદ સભ્યો બનાવવામાં આવે છે - જેને એશોસીએશન કન્સર્ન અથવા મેઇન્ટેનન્સ એશોસીએશન કહેવામાં આવે છે.

આવા એશોસીએશનના વહિવટ, એકાઉન્ટસ, ઇન્કમટેક્ષ ઓડીટ તથા કારોબારી અંગે અવાર-નવાર પ્રશ્નો ઉભા થાય છે. તેનો ટુંકમાં સારાંશ નીચે મુજબ આપીએ છીએ.

(૧) એશોસીએશન સામાન્ય રીતે તમામ બિલ્ડર્સ / ડેવલોપર્સ બાંધકામની શરૂઆતમાં બનાવી તેનું રજીસ્ટ્રેશન કરાવે છે. શરૂઆતમાં બિલ્ડર્સ પોતે જ એશોસીએશનનો તમામ આર્થિક વ્યવહાર કરે છે. ત્યારબાદ જેમ જેમ ફલેટ, મકાન, દુકાન વેચાતા જાય તેમ - તેમ એશો.ની જવાબદારી તથા વહીવટ તેમને સોંપે છે અને બિલ્ડર્સ છુટા થાય છે.

(ર) એશો.ના બંધારણની કલમો - શરતો મુજબ તેનો વહીવટ કરવાનો હોય છે. જે તે ફલેટ, બંગલા, દુકાનો કે ઓફિસના માલીકો કમિટિ બનાવી કરે છે.

(૩) સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો અને તેના ખુલાસાઓ નીચે મુજબ છે.

.    એશો.એ તમામ સભ્યોને બંધારણ તથા રજીસ્ટ્રેશન નકલ આપવી જોઇએ. મેઇન્ટેનન્સ એશો.ના નામે બેંક એકાઉન્ટ, ફીકસ ડિપોઝીટ તથા અન્ય રોકાણો, કારોબારીમાંથી ચુંટાયેલ પ્રમુખ સેક્રેટરી તથા ખજાનચી - ત્રણેય અથવા ત્રણ પૈકી બેની સહીથી વહીવટ કરવો.

.    ઇલેકટ્રીક બીલો, મ્યુ. વેરા વગેરેમાં એશો.નાં નામે કરવા તેમજ ઇન્કમટેક્ષ પાન નંબર, TDS નંબર લાગુ પડતો હોય તેમજ GST નંબર લઇ નિયમિત ટેક્ષ ભરવો જરૂરી છે.

.    એશોસીએશનના હીસાબો હોદ્દેદારો અથવા એકાઉન્ટન્ટ પાસે કોમ્પ્યુટરમાં જાળવવા - દર વર્ષે ઓડીટ કરાવી ઇન્કમટેક્ષ રીર્ટન ભરવું. જેમાં આવક - ખર્ચ ખાતુ તથા સરવૈયાની વિગત આપવાની રહે છે તેમજ અનુભવી સી.એ. તથા કન્સલ્ટની નિમણૂંક કરવી જોઇએ જેથી મુશ્કેલી ન પડે.

.    સોસાયટીના તમામ સભ્યોના પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર યાદીની નકલ તથા જે સભ્યોએ ફલેટ ખરીદતી વખતે કરેલ દસ્તાવેજની એક નકલ સોસાયટીના રેકર્ડમાં રાખવાનું ફરજીયાત છે. ઇન્કમટેક્ષ વિભાગ આ માહિતી ગમે તેટલા વર્ષ પછી પણ માંગે છે.

.    સોસાયટીના ફંડોનું રોકાણ બેંક, ફંડો કે સરકારી બેંકોમાં રોકાણ કરેલ હોય તેના ઓરીજનલ પહોંચો - સર્ટીફીકેટ તથા ઝેરોક્ષ રાખવી. વ્યાજમાંથી TDS કપાયેલ હોય તે રીર્ટન ભરતી વખતે માંગણી કરવી તેમજ TDS કાપેલ હોય તે દર વર્ષે માર્ચ - એપ્રિલમાં ભરાવી દેવો.

બેંક ફીકસ ડીપોઝીટો ઉપર વ્યાજદર ઘટતા અન્ય રોકાણો શોધવા પડશે

વર્ષમાં બેથી ત્રણ વખત કારોબારીની મીટીંગ તેમજ હીસાબો ઓડીટ થઇને આવ્યા બાદ તમામ સભ્યોની વાર્ષિક સામાન્ય સભા, મીટીંગ બોલાવવી. હિસાબો મંજુર કરાવવા તેમજ ભવિષ્યની પ્રવૃત્તિની જાણ તમામ સભ્યોને આ મીટીંગમાં કરવી. વાર્ષિક હિસાબોની નકલ તમામ સભ્યોને રૂબરૂ અથવા ટપાલથી મોકલવી. જેથી તેઓને સોસાયટીના હિસાબોની જાણકારી રહે.

આમ, મેઇન્ટેનન્સ એશોસીએશન તે સોસાયટીના સભ્યોના પરસ્પર લાભ તથા હીત માટે (For Mutul Benefits) માટેના સિધ્ધાંતો ઉપર બનેલ છે. ઇન્કમટેક્ષ વિભાગની નજર નફા - નુકસાન ખાતા ઉપરાંત સોસાયટીએ ઉભું કરેલ સ્થાયી ભંડોળ તથા તેની ઉપર મળતા વ્યાજ ઉપર ટેક્ષની ઉઘરાણી કરવા ઘણી આવી સોસાયટીઓને નોટીસ મારી ટેક્ષની માંગણી કરેલ છે. તેથી મેઇન્ટેનન્સ સોસાયટીના તમામ હિસાબી સાહિત્ય પુરાવા બેંક સ્ટેટમેન્ટ તથા રોકાણોની વિગત ઇન્કમટેક્ષ રીર્ટન વગેરે સાચવવા, સાવધાની રાખવી, કાયદાઓની જાણકારી વહીવટકર્તા કમિટિ મેમ્બરોએ સતત રાખવી જરૂરી છે. વધુ જાણકારી તથા સલાહ માટે રૂબરૂ મળો.

નિતીન કામદાર (CA)

મનાલી કામદાર (CA)

નિતિન કામદાર એન્ડ કાું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 

૬/૯ પંચનાથ પ્લોટ, પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ પાછળ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮ / ૯૪૨૮૨ ૬૯૫૮૩

ઓફિસ : (૦૨૮૧) ૨૨૨૭૬૮૮

info@nitinkamdar.com

(10:14 am IST)