Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સરકારી મહેમાન

“કોઇને લાંચ આપવી નહીં” તેવું લખાણ હોય તે ઓફિસોમાં કર્મચારીઓ લાંચ લેતા હોય છે

પાંચ વર્ષમાં એસીબીએ 1500 છટકાં કર્યા છે પરંતુ 400 કર્મચારી છટકી ગયા છે : રાજ્યમાં લાંચ લઇને ભ્રષ્ટાચાર આચરતા કર્મચારી શૌચાલયને પણ છોડતા નથી : વિઝિલન્સ 10 સજાની ભલામણ કરે છે તેમાં બરતરફી અને રૂખસદ સૌથી મોટી છે

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ ભ્રષ્ટાચાર અટકાવવા માટેનું સરકારનું સોથી મોટું હથિયાર છે. છેલ્લા પાંચ વર્ષમાં એસીબીએ રાજ્યભરમાં 1500 જેટલા છટકાં કરીને લાંચિયા અધિકારી અને કર્મચારીઓને પકડ્યા છે પરંતુ કરમની કઠણાઇ એવી છે કે 400 કેસોમાં લાંચિયા અધિકારી અને કર્મચારીઓ છટકી ગયા છે. પાંચ વર્ષમાં 2014માં સૌથી વધુ 418 કેસ થયા છે જ્યારે 2018માં 338 કેસ સામે આવ્યા છે. લાંચ લેવી એ ગુનો છે તેવા સાઇન બોર્ડ સરકારી કચેરીઓમાં બધે જોવા મળે છે છતાં પણ અધિકારી કે કર્ચચારી લાંચ માગવાનું છોડતા નથી.

સરકાર વર્ગ-3ના કર્મચારી પર નજર રાખે...

સૌથી વધુ લાંચ લેવાના કેસો વર્ગ-3ના કર્મચારીઓના સામે આવ્યા છે. એક વર્ષમાં વર્ગ-3ના 337 કર્મચારીઓ એસીબીના છટકાંમાં ફસાયા છે. બીજાક્રમે વર્ગ-2ના 91 અધિકારીઓએ લાંચ લીધી હોવાનું એસીબીએ શોધી કાઢ્યું છે. વર્ગ-1ના 32 ઓફિસરો અને વર્ગ-4ના 13 કર્મચારી લાંચ લેતા પકડાયા છે. એટલે કે વર્ષ દરમ્યાન 729 સામે એસીબીએ કેસ દાખલ કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં એસીબીએ અદાલતમાં 750 કેસોમાં ચાર્જશીટ દાખલ કર્યું છે. આશ્ચર્યની બાબત એવી છે કે ફોજદારી કાર્યવાહી પડતર હોય તેવા કેસોની સંખ્યા 1461 છે. એસીબીના છટકાં સૌધી વધુ 260 છટકાં કૃષિ વિભાગમાં પડ્યાં છે. બીજાક્રમે 137 છટકાં ગૃહ વિભાગમાં અને ત્રીજાક્રમે 94 છટકાં પંચાયત વિભાગમાં પડ્યાં છે.

24 ઓફિસરોને સાત વર્ષ સુધીની જેલ થઇ શકે...

એસીબીએ આપેલી માહિતી પ્રમાણે રાજ્ય અને કેન્દ્રના વિભાગો પાસે કુલ 194 કેસોમાં પ્રોસીક્યુશનની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ સરકારે 133 કેસોમાં આવી મંજૂરી આપી છે. ભારતીય ફોજદારી ધારો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુના બદલ રાજ્યના વિઝિલન્સ કમિશને સચિવાલયના વિભાગોને પ્રોસીક્યુશનની મંજૂરી આપવા ભલામણ કરી છે જે પૈકી 24 અધિકારીઓ તો એવા છે કે જેમની સામે ગંભીર ગુના છે. ન્યાયની અદાલતમાં જો પુરવાર થાય તો તેમને ત્રણ થી સાત વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. એટલું જ નહીં આવા અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવા પડે તેમ છે.

ગુજરાતના શૌચાયલોમાં પણ ભ્રષ્ટાચાર થયો છે...

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્વપૂર્ણ કેસમાં એક કેસ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનને લગતો છે. ઓખા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 6752 શૌચાલયોની તપાસ કરવામાં આવતા બ્યુરોને એવી માહિતી મળી કે ચીફ ઓફિસર, સીટી ઇજનેર અને એનજીઓએ ભેગામળીને કૌભાંડ કર્યું હતું. નક્કી કરેલા શૌચાયલો પૈકી માત્ર 3354 બનાવવામાં આવ્યા હતા. સરકારી ડિઝાઇનનું પણ તેમાં ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. ડમી લાભાર્થીની ખોટી સહી અને અંગૂઠા લગાવ્યા હતા. મૃતક વ્યક્તિને લાભાર્થી તરીકે દર્શાવ્યા હતા. એક જ શૌચાલયના ફોટા પર અલગ અલગ લાભાર્થીના ફોટા લગાવ્યા હતા. એન્જીનિયરો દ્વારા ખોટાં ચેકલિસ્ટ બન્યાં હતા. લાભાર્થીઓને ઓછો માલસામાન આપી સંપૂર્ણ ખર્ચ મેળવી લેવામાં આવ્યો હતો. ગુજરાતનો આ અદ્દભૂત કિસ્સો છે કે જેમાં કૌભાંડ થયું છે.

ખોટા ખેડૂત બનાવનાર તલાટી આઝાદ...

મહેસાણા કલેક્ટર કચેરીમાં હક્કપત્રમાં નોંધ પાડીને આડી લીટીવાળાને ખોટા ખેડૂત બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વિજાપુર તાલુકાના એક ગામમાં આવો કિસ્સો બન્યો હતો. આડી લીટીવાળાને ખોટો ખેડૂત બનાવવા હક્કપત્રકમાં પડેલી નોંઘ રદ કરવામાં આવી હોવા છતાં ફરી નોંધ પાડીને તેને પ્રામાણિક કરવામાં આવ્યો હતો. આ કેસમાં મહેસાણા જિલ્લા કલેક્ટરને વિઝિલન્સ કમિશને અહેવાલ આપવા કહ્યું હતું પરંતુ કલેક્ટરે ઘટનાના ચાર વર્ષ પછી અહેવાલ આપ્યો હતો જેમાં સર્કલ ઓફિસર અને તલાટી જવાબદાર હોવા છતાં શંકાસ્પદ કામગીરી કરીને તપાસ કર્યા વિના કેસ દફતરે કરી દેવામાં આવ્યો હતો. કલેક્ટરે પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લીધી ન હતી.

શાકભાજીમાં ખેડૂતોને કાગળ પર સહાય...

અમદાવાદ જિલ્લાના બાગાયતી વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કૃષિ વિભાગની એક ફાઇલમાં રજૂ થયેલા કેસ પ્રમાણે અમદાવાદના નાયબ કૃષિ નિયામકની કચેરી દ્વારા શાકભાજીના વાવેતરમાં ખેડૂતોને મળતી સહાય કાગળ પર બતાવીને એજન્ટોએ રજૂ કરેલી ખોટી સહીના આધારે ચૂકવણી કરવાનું કૌભાંડ થયું છે. ગામડાના એક અરજદારે ખેડૂતોની સહી લઇને આ કૌભાંડને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કૌભાંડકારોએ અરજદારની રજૂઆત ખોટી બતાવી તપાસ કરવાનું માંડી વાળ્યું હતું જેની વિઝિલન્સ કમિશને ગંભીર નોંધ લીધી છે.

નિવૃત્તિ પછી પણ તપાસ, છેવટે બંધ કરી...

મહેસૂલ વિભાગમાં કેવો ભ્રષ્ટાચાર થાય છે તેનો નમૂનો સામે આવ્યો છે. દાહોદ કસ્બાની એક સવાલવાળી જમીનમાં સત્તા પ્રકારની કમી કરવાનો ક્ષતિયુક્ત હુકમ કરી સરકારને નુકશાન કરનાર તત્કાલિન નાયબ કલેક્ટરને બચાવી લેવામાં આવ્યો છે. આ કેસની તપાસ કરવા માટે મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટી વિભાગે જણાવ્યું હોવા છતાં કેસમાં વિલંબ કરીને ભ્રષ્ટ ઓફિસરને બચાવી લેવામાં આવ્યો છે. છેવટે ઓફિસર નિવૃત્ત થઇ ગયો હોવાથી આક્ષેપિત અધિકારીની નિવૃત્તિ બાદ તેમની સામે કાર્યવાહી શક્ય નહીં બને તેમ કહીને વિઝિલન્સ કમિશનને અહેવાલ રજૂ કરી દેવામાં આવ્યો છે. શંકાસ્પદ બાબત એવી છે કે આક્ષેપિત નાયબ કલેક્ટરે જે તે સમયે ખુલાસો કરી દીધો હતો છતાં તપાસની ફાઇલ આગળ વધી ન હતી.

રૂપિયા સીધા બેન્ક ખાતામાં નથી આવતા...

લાભાર્થીઓના બેન્ક ખાતામાં અમે સીધા રૂપિયા જમા કરીએ છીએ તેવું ગુજરાત સરકાર દાવો કરે છે છતાં રાજ્યમાં એવા કિસ્સા બન્યા છે કે લાભાર્થીના બેન્ક ખાતામાં રૂપિયો પણ આવ્યો નથી અને રૂપિયા સરકારની તિજોરીમાંથી નિકળી ગયા છે. સામાજીક ન્યાય વિભાગ અને આદિજાતિ વિભાગમાં આવા અસંખ્ય કિસ્સા બન્યા છે. સરકારની જુદી જુદી યોજનાઓમાં તેમજ શિષ્યવૃત્તિના લાભ સરકારની સૂચના પ્રમાણે જે તે લાભાર્થીના બેન્ક ખાતામાં મળવા જોઇએ પરંતુ ભ્રષ્ટાચારનો નવો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. આ રૂપિયા કે લાભ લાભાર્થીના ખાતામાં જમા થવાને બદલે અન્યના ખાતામાં જમા થયા છે. વિઝિલન્સ કમિશને આવી ઘટનાઓ સામે સરકારને કહ્યું છે કે લાભાર્થીઓની પસંદગી કરતી વખતે અને તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ રૂપિયા જમા કરતા પહેલાં બે રીતે ક્રોસ ચેક કરવામાં આવે તો કૌભાંડ થવાની શક્યતા ઘટી જાય છે.

એક જ જમીન કેટલાય લોકોને વેચી દીધી...

ગાંધીનગર જિલ્લા કલેક્ટરમાં એક કેસ એવો સામે આવ્યો છે કે સબંધિત તલાટી દ્વારા સમયસર નોંધો નહીં પાડવાના કારણે જમીનોનું એક કરતાં વધુ વખત વેચાણ થઇ ગયું છે. સવાલવાળી જમીન અંગે તલાટીઓ દ્વારા સમયસર એન્ટ્રી થઇ ન હતી.  આવી જમીનમાં એક વ્યક્તિના નામની નોંધને પ્રમાણિત કરવામાં આવી છે પરંતુ આ વ્યક્તિએ આ જમીન પહેલાં વેચી દીધી છે. જો તલાટીએ નોંધો સમયસર કરી હોત તો માલિક બન્યા પહેલાં ફરી વેચાણ કરવામાં વ્યક્તિને રોકી શકાઇ હોત. ભવિષ્યમાં આવી ઘટના બને નહીં તે માટે ગાંધીનગર જિલ્લામાં જમીનના વેચાણ વ્યવહારોમાં એન્ટ્રી સમયસર પાડવા માટે ભલામણ કરવામાં આવી છે.

મહાનગરોના ઓફિસરો દૂધે ધોયેલા બન્યા છે...

ગુજરાત સરકારે મોટી ચૂક કહી હોવાનો એક કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામે આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગને પત્ર લખીને અમદાવાદ મ્યુનિસિપલે કહ્યું હતું કે મહાનગર પાલિકાઓ સ્વાયત્ત સંસ્થા હોવાથી તેના અધિકારી કે કર્મચારીઓ વિઝિલન્સ કમિશનના કાર્યક્ષેત્રમાં આવતા નથી. જો કે આ મુદ્દે વિઝિલન્સ કમિશને સરકારને જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ પ્રમાણે મહાનગરપાલિકાના અધિકાર કે કર્મચારી જાહેર સેવકો છે તેથી તેઓ કમિશનના કાર્યક્ષેત્રમાં આવે છે તેથી રાજ્ય સરકારે ઠરાવ કરીને સ્પષ્ટતા બહાર પાડવી જોઇએ.

શહેરી વિકાસ નહીં પણ ભ્રષ્ટાચારનો વિકાસ...

ગુજરાતના ટોપ ફાઇવ ભ્રષ્ટ વિભાગો પૈકી શહેરી વિકાસ વિભાગ પહેલા નંબરે આવે છે. આ વિભાગમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન 1505 ફરિયાદો થઇ છે. રાજ્યના 26 વિભાગો પૈકી બીજાક્રમે 1272ના આંકડા સાથે પંચાયત વિભાગ રહ્યો છે. ત્રીજાક્રમે 1154 ફરિયાદો સાથે મહેસૂલ વિભાગ આવે છે. રાજ્યના ગૃહ વિભાગમાં 925 અને શિક્ષણ વિભાગમાં 514 ફરિયાદો મળી છે. રાજ્યના ત્રણ વિભાગસાયન્સ-ટેકનોલોજી, વૈધાનિક બાબતો અને ક્લાયમેટ ચેન્જ એવા છે કે જ્યાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળતી નથી. 26 વિભાગોમાં કુલ 8184 ફરિયાદો થઇ છે.

નિવૃત્તિ પછીના 10 વર્ષેય તપાસ પૂર્ણ નહીં...

ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદના આધારે વિભાગ કે એજન્સી દ્વારા તપાસ થાય છે પરંતુ જ્યારે એજન્સી અહેવાલ માગે છે ત્યારે સરકારના વિભાગો ખૂબ વિલંબ કરતા હોય છે. 12 મહિનામાં ઘણાં એવા કિસ્સા બન્યા છે કે જેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકવામાં આવેલા છે તેવા અધિકારીઓ નિવૃત્ત થઇ જાય છે. સરકારા 26 વિભાગોમાં 8184 પૈકી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદો થઇ છે તે પૈકી 84 અધિકારી અને કર્મચારીઓ વયનિવૃત્ત થઇ ચૂક્યા છે. એવી જ રીતે બોર્ડ-કોર્પોરેશનના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા બહાર આવેલા 572 કિસ્સા પૈકી 14 અધિકારી કે કર્મચારી વયનિવૃત્ત થઇ ચૂક્યાં છે. મહત્વની બાબત એવી છે કે નિવૃત્તિ બાદ મળેલા કેસોની તપાસમાં એક થી આઠ વર્ષ સુધીનો વિલંબ થયો છે.

વિઝિલન્સ કઇ કઇ સજાની જોગવાઇ કરે છે...

સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય છે કે વિઝિલન્સ કમિશનમાં ફરિયાદ થતા પછી સજાની જે જોગવાઇ કરવામાં આવે છે તેમાં કઇ કઇ સજાઓ કરવામાં આવતી હોય છે તે જાણવું પણ જરૂરી છે. વિઝિલન્સ કમિશને 2018ના વર્ષમાં સરકારને કરેલી ભલામણોમાં જેમને સજા થઇ છે તેમાં એક ઓફિસરને બરતરફ (ડિસમિસ્ડ) કરવામાં આવ્યા છે. કોઇને નોકરીમાંથી રૂખસદ (રિમૂવલ) આપવામાં આવી નથી. એવી જ રીતે સરકારે ફરજીયાત નિવૃત્તિ પણ કોઇને આપી નથી. નીચલા પગારધોરણમાં તબક્કા ઉતાર કર્યા છે તેવા કર્મચારીઓની સંખ્યા 11 છે પરંતુ પાયરી ઉતારમાં એક પણ કર્મચારી નથી. 86 કર્મચારીને પેન્શન કાપની સજા કરવામાં આવી છે પરંતુ બઢતી અટકાવવાનો એક પણ કેસ નથી. જો કે 53 લોકોના ઇજાફા અટકાવ્યા છે. અને 10 લોકો પાસેથી નુકશાનીની વસૂલાત કરવામાં આવી છે. 11 કર્મચારીઓને ઠપકો આપી છોડી દેવામાં આવ્યા છે. આમ કુલ 172 અધિકારી તેમજ કર્મચારીઓને સરકારે 10 પ્રકારની શિક્ષા આપી છે.

વિઝિલન્સ કમિશનમાં 23 જગ્યાઓ ખાલી છે...

ગુજરાત સરકારના નિવૃત્ત આઇએએસ અધિકારી એચકે દાસ ને ગુજરાત સરકારે માર્ચ 2016માં વિઝિલન્સ કમિશ્નર બનાવ્યા હતા. તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ કમિશનમાં કુલ 68 મંજૂર જગ્યાઓ પૈકી 45 જગ્યાઓ ભરાયેલી છે અને 23 જગ્યાઓ ખાલી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:56 am IST)