Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સરકારી મહેમાન

મારી ફાંસીની સજા કેન્સલ થવી જોઇએ નહીં; હું ફાંસી ચઢી દેશને વધારે કામ આવી શકીશ

બુરાઇ ઇસલિયે નહીં બઢતી કિ બુરે લોગ બઢ ગયે હૈ, બલ્કે બુરાઇ સહન કરને વાલે લોગ બઢ ગયે હૈ: અંગ્રેજો એટલા બઘાં ડરી ગયા હતા કે નિયત સમય કરતાં 11 કલાક વહેલાં ફાંસી આપી દીધી હતી : માત્ર 23 વર્ષની વયે દેશ માટે કુરબાન થયેલા ભગતસિંહની 113મી જન્મજ્યંતિએ ઇન્કલાબ જીંદાબાદ

અંગ્રેજી હકૂમતને પડકારનારા શહીદવીર ભગતસિંહને જ્યારે ફાંસીની સજા થઇ ત્યારે તેમની ચિંતા એ જ હતી કે, મારી ફાંસીની સજા કેન્સલ થવી ન જોઇએ. હું ફાંસી પામીને જ દેશને વધારે કામ આવી શકીશ. જો આમ થશે તો પ્રત્યેક મા પોતાના દિકરાને ભગતસિંહ જેવો બનાવશે...28મી સપ્ટેમ્બર 1907 એ ઇતિહાસના પાને એટલા માટે યાદ છે કે આ દિવસે હિન્દુસ્તાનના એવા ભડવીરનો જન્મ થયો હતો કે જેણે નાની ઉંમરમાં અંગ્રેજોનું જીવન હરામ બનાવી દીધું હતું. આજે ભગતસિંહની 113મી જન્મજ્યંતિ છે. તેમની માતા જ્યારે તેમને મળવા માટે જેલમાં આવી ત્યારે તેઓ જોર જોરથી હસતા હતા. અંગ્રેજી હકૂમતે તેમની સજા 7મી ઓક્ટોબર 1930માં જાહેર કરી હતી અને 24મી માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવાનું નિયત કર્યું હતું પરંતુ અંગ્રેજો એટલા બઘાં ગભરાઇ ગયા હતા કે ભગતસિંહને નિયત સમય કરતાં 11 કલાક પહેલાં ફાંસી આપી દીધી હતી. અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો નિશ્ચય મનમાં નક્કી કરી લીધો હતો અને તેના માટે કુરબાની આપવા પણ તેઓ તૈયાર હતા.

જલિયાંવાલા બાગની કત્લેઆમથી દુખી હતા...

ભગતસિંહનો જન્મ લાયલપુરના બંગામાં થયો હતો, જે સ્થળ હાલ પાકિસ્તાનના પંજાબમાં છે. તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ કિશનસિંહ હતું. આ સમયે ભગતસિંહના કાકા અજીતસિંહ અને શ્વાસસિંહ ભારતની આઝાદીમાં તેમનો સહયોગ આપી રહ્યાં હતા. આ બન્ને કરતારસિંહ સરભા દ્વારા સંચાલિત ગદર પાર્ટીના સભ્યો હતા એથી તેમનો ઉછેર બાળપણથી જ દેશભક્તિના વાતાવરણમાં થયો હતો. કરતારસિંહને તેઓ પોતાનો આદર્શ માનતા હતા જેમને 19 વર્ષની વયે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. તેમની ફાંસીની ભગતસિંહ પર એટલી અસર થઇ કે તેમને મનમાં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાડી જ જંપશે. 13મી એપ્રિલ 1919માં જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ હજારો નિર્દોષ લોકો પર ગોળીઓ વરસાવી ત્યારે ભગતસિંહનું મન હચમચી ગયું હતું. તે વખતે તેમણે ત્યાં પડેલા શહીદોના લોહીને અડીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમણે લોહીથી લથપથ માટી એક બોટલમાં ભરી દીધી હતી અને રોજ તેની પૂજા કરતા હતા. આ સાહસમાં તેમના ભાગીદાર સુખદેવ અને રાજગુરૂ હતા.

ગાંધીજી સાથે રહ્યાં અને તેમનાથી અલગ પણ થયાં...

સાયમન કમિશનના કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું તેથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂએ ભેગા મળીને સાયમન કમિશનની હત્યા કરી નાંખી હતી, ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલા યુનિયન ડિસપ્યુટ બિલ અને પબ્લિક સેફ્ટી બિલનો વિરોધ કર્યો હતો અને બ્રિટીશ સરકારની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો તેથી તેમની અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. લાહોરની નેશનલ કોલેજમાં અભ્યાસ છોડીને ભગતસિંહે 1920માં મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા અહિંસા આંદોલનમાં ભાગ લીધો હતો જેમાં ગાંધીજી વિદેશી સામાનનો બહિષ્કાર કરી રહ્યાં હતા. 14 વર્ષની ઉંમરમાં તેમણે સરકારી સ્કૂલોના પુસ્તકો અને કપડાં સળગાવી દીધાં હતા, ત્યારબાર તેમના પોસ્ટર ગામડાઓમાં છપાવા લાગ્યા હતા. તેઓ પહેલાં મહાત્મા ગાંધીના આંદોલનમાં સક્રિય હતા અને ભારતીય નેશનલ કોન્ફરન્સના સભ્ય બન્યાં હતા. 1921માં ચોરા-ચોરા હત્યાકાંડ પછી ગાંધીજીએ જ્યારે કિસાનોને સાથ આપ્યો નહીં તેનો ઉંડો પ્રભાવ ભગતસિંહ પર પડ્યો હતો. તેઓ ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં ગઠિત થયેલા ગદર સેલનો હિસ્સો બન્યાં હતા. તેમણે ચંદ્રશેખર સાથે મળીને અંગ્રેજો સામે આંદોલન શરૂ કરી દીધું હતું. 9મી ઓગષ્ટ 1925ના રોજ શાહજહાંપુર થી લખનૌ સુધી ચાલતી પેસેન્જર ટ્રેનમાં કારોરી સ્ટેશન પર તેમણે સરકારી ખજાનો લૂંટી લીધો હતો. આ ઘટના કાકોરી કાંડના નામથી ઇતિહાસમાં જાણીતી છે.

ફિલ્મોના શોખીન, ચાર્લી ચેપ્લિનની ફિલ્મો જોઇ હતી...

કાકારો કાંડ પછી અંગ્રેજોએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિયેશનના ક્રાન્તિકારી આગેવાનોની ધરપકડ શરૂ કરી હતી અને પ્રત્યેક જગ્યાએ એજન્ટો મૂકી દીધા હતા. ભગતસિંહ અને સુખદેવ લાહોર પહોંચી ગયા હતા જ્યાં ભગતસિંહના કાકા સરદાર કિશનસિંહે દૂધનો કારોબાર શરૂ કરવાનું કહ્યું હતું. તેઓ ભગતસિંહના લગ્ન કરાવવા માગતા હતા. એક સમયે તેઓ છોકરી લઇને પહોંચી ગયા હતા. તેમણે લગ્ન અંગે માતા-પિતાને કહ્યું કેજો મને ગુલામ ભારતમાં લગ્ન કરાવવામાં આવશે તો મારી પત્નિ મારા માટે મોત લઇને આવશે. ભગતસિંહ કાગળ અને પેન્સિલ લઇને દૂધનો હિસાબ કરતા હતા પરંતુ હિસાબ મળતો ન હતો. સુખદેવ અને ભગતસિંહ દૂધ પી જતા હતા અને મફતમાં લોકોને પિવડાવતા હતા. તેમને ફિલ્મો જોવાનો અને રસગુલ્લા ખાવાનો શોખ હતો. રાજગુરૂ અને યશપાલ સાથે તેમણે ચાર્લી ચેપ્લિનની ખૂબ ફિલ્મો જોઇ હતી. આ સમયે તેમની ઉપર ચંદ્રશેખર આઝાદ ખૂબ ગુસ્સે થયા હતા.

મજૂરોને અન્યાયકર્તા પૂંજીપતિઓના દુશ્મન હતા...

ભગતસિંહે રાજગુરૂની સાથે મળીને 17મી ડિસેમ્બર 1928માં લાહોરમાં અંગ્રેજી સહાયક પોલિસ અધિક્ષક જેપી સાંડર્સની હત્યા કરી હતી જેમાં ચંદ્રશેખરે તેમને સહાયતા કરી હતી. ક્રાન્તિકારી સાથી બટુકેશ્વર સાથે તેમણે બ્રિટીશ ભારતની તત્કાલિન સેન્ટ્રલ એસેમ્બલીના સભાગૃહમાં 8મી એપ્રિલ 1929ના દિવસે અંગ્રેજ સરકારને જગાડવા બોમ્બ ફેંક્યો હતો. આ પછી પણ તેમણે ભાગી જવાનો ઇન્કાર કર્યો હતો. તેઓ ક્રાન્તિકારી દેશભક્ત જ નહીં, એક અદ્યયનશીલ વિચારક, કલમના ધની, દાર્શનિક, ચિંતક, લેખક, પત્રકાર અને મહાન માનવી હતા. તેમણે 23 વર્ષની નાની ઉંમરમાં ફ્રાન્સ, આયર્લેન્ડ અને રશિયાની ક્રાન્તિનો ખૂબ અભ્યાસ કર્યો હતો. હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, સંસ્કૃત, પંજાબી, બંગલા અને આઇરિશ ભાષાના ચિંતક અને વિચારક ભગતસિંહ ભારતમાં સમાજવાદના પહેલા વ્યાખ્યાતા હતા. તેમણે અકાલી અને કીર્તિ નામના બે અખબારોનું સંપાદન કર્યું હતું. તેઓ જેલમાં બે વર્ષ રહ્યાં હતા. જેલમાં તેમણે લખેલા લેખમાં અનેક પૂંજીપતિઓને તેમના દુશ્મન બનાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે મજૂરોનું શોષણ કરનારા ભલે ભારતીય હોય પરંતુ તે તેમના શત્રુ છે. તેમણે જેલમાં અંગ્રેજીમાં મેં નાસ્તિક ક્યોં હૂં... નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે અને તેમના સાથીઓએ 64 દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી જેમાં એક સાથી યતીન્દ્રનાથે પ્રાણ છોડી દીધા હતા.

એસેમ્બલીમાં બોમ્બ અંગ્રેજોને ચેતવણી આપવા ફેંક્યો...

પાકિસ્તાનમાં શહીદ ભગતસિંહના નામ પણ ચારરસ્તાનું નામ આપવા માટે લાહોર પ્રશાસને એલાન કહ્યું હતું કે મશહૂર શાદમાન ચોકનું નામ બદલીને ભગતસિંહ રાખવામાં આવશે ત્યારે મોટી બબાલ શરૂ થઇ હતી. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહની ઉંમર માત્ર 12 વર્ષની હતી. ખબર મળતાં તેઓ સ્કૂલ છોડી 12 કિલોમીટર ચાલીને ઘટનાસ્થળે ગયા હતા. ઇતિહાસમાં કહેવાયું છે કે ભગતસિંહ રક્તપાતના પક્ષમાં ન હતા પરંતુ તે વામપંથી વિચારધારામાં માનતા હતા તેમજ કાર્લ માર્ક્સના સિદ્ધાંતોથી તેમનો નાતો હતો અને તે વિચારધારા તેઓ આગળ વધારતા હતા. જો કે તેઓ સમાજવાદના પાક્કા પોષક પણ હતા. કોંગ્રેસમાં હોવા છતાં પાર્ટીએ તેમને શહીદનો દરજ્જો આપ્યો ન હતો. મજૂર વિરોધી નીતિના તેઓ દુશ્મન હતા. દિલ્હી કેન્દ્રીય એસેમ્બલીમાં જ્યારે બોમ્બ ફેંકવાની યોજના બનાવી ત્યારે તેમનો ઇરાદો ખૂનખરાબી કરવાનો ન હતો, માત્ર અંગ્રેજોને ચેતવણી આપવાનો હતો. એસેમ્બલીમાં એવી જગ્યાએ બોમ્બ ફેંક્યો હતો કે જ્યાં કોઇ વ્યક્તિ મોજૂદ ન હતો. તેઓ બોમ્બ ફેંકીને ભાગી શક્યા હોત પરંતુ તેમણે ધરપકડ વહોરી લીધી હતી. બોમ્બ બ્લાસ્ટ પછી તેમણે ઇન્કલાબ જિન્દાબાદનો નારો લગાવ્યો હતો.

સજા માફી માટે અપીલ થઇ પણ તે વિરૂદ્ધમાં હતા...

26મી ઓગષ્ટ 1930માં અદાલતે ભગતસિંહને ભારતીય દંડ સહિંતાની કરમ 129, 302 અને વિસ્ફોટર પદાર્થ અધિનિયમની કલમ 4 અને 6એફ તેમજ આઇપીસી કલમ 120 હેઠળ અપરાધી સિદ્ધ કર્યા હતા. 7મી ઓક્ટોબર 1930માં અદાલતે તેના 68 પાનાના ચૂકાદામાં નિર્ણય આપ્યો હતો જેમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીની સજા હતી. તેમની ફાંસીની સજાની માફી માટે પ્રિવી પરિષદમાં અપીલ દાખલ કરવામાં આવી હતી પરંતુ 10મી જાન્યુઆરી 1931માં તેને રદ્દ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન માલવિયાએ વાઇસરોય સામે સજા માફી માટે અપીલ દાખલ કરી હતી. ગાંધીજીએ પણ વાઇસરોય સાથે વાત કરી હતી. જો કે આ તમામ પ્રક્રિયા ભગતસિંહની ઇચ્છાની વિરૂદ્ધ થતી હતી, કારણ કે તેઓ એવું ઇચ્છતા ન હતા કે તેમની ફાંસી માફ થાય. આખરે 23મી માર્ચ 1931ના રોજ સાત કલાક ને 33 મિનિટે ત્રણેય ક્રાન્તિવીરોને ફાંસી આપવામાં આવી હતી.

છેલ્લી ઇચ્છા--- મને લેનિનું જીવન વાંચવા દો...

ભગતસિંહને ફાંસી અપાઇ એના બે કલાક પહેલાં તેના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા ગયા હતા. તેમને જોઇ ભગતસિંહે કહ્યું કે મારા માટે રેવલ્યૂશનરી લેનિન પુસ્તક લાવ્યા કે નહીં... મહેતાએ જ્યારે તેમને પુસ્તક આપ્યું ત્યારે તેઓ વાંચવા લાગ્યા હતા. ફાંસી પહેલાં તેમને જ્યારે છેલ્લી ઇચ્છા પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મને લેનિનનું જીવનચરિત્ર્ય વાંચવા દેવામાં આવે. આ સમયે તેઓ લેનિનનું પુસ્તક વાંચી રહ્યાં હતા. જેલના અધિકારીઓએ જ્યારે સૂચના આપી કે ફાંસીનો સમય થઇ ગયો છે ત્યારે તેમણે કહ્યું કે રોકાઇ જાવ... પહેલાં એક ક્રાન્તિકારી બીજાને મળી લે... એક મિનિટ પછી તેમણે પુસ્તકને હવામાં ઉછાળી કહ્યું... ઠીક છે, હવે ચલો... ફાંસીના માચડા પાસે જતાં ત્રણેય ક્રાન્તિવીર ગાઇ રહ્યાં હતા.... મેરા રંગ દે બસન્તી ચોલા, મેરા રંગ દે.. ફાંસી પછી કોઇ જગ્યાએ આંદોલન ન થાય તે માટે અંગ્રેજોએ પહેલેથી તેમના મૃત શરીરના ટુકડા કર્યા હતા અને બોરીમાં ભરીને ફિરોજપુર લઇ ગયા હતા અને ત્યાં સળગાવી દેવામાં આવ્યા હતા. નદી કિનારે આગ જોઇને ગામલોકોએ દોટ મૂકી ત્યારે અંગ્રેજો અર્ધબળેલા ટુકડા સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા હતા. આખરે ગ્રામજનોએ તેને એકત્ર કરીને વિધિવત અગ્નિદાહ આપ્યો હતો. અંગ્રેજોની સાથે લોકોએ ગાંધીજીને પણ જવાબદાર ઠેરવ્યા હતા. આ કારણે જ્યારે ગાંધીજી કોંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જતા હતા ત્યારે લોકોએ કાળા ઝંડા બતાવીને ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. એક જગ્યાએ તેમની પર હુમલો થયો હતો પરંતુ પોલીસે બચાવી લીધા હતા.

ભારત જ નહીં પાકિસ્તાન પણ યાદ કરે છે...

ભગતસિંહ કહેતા હતા કે --- કિસીને સચ હી કહા હૈ... સુધાર બુઢે આદમી નહીં કર સકતે. વે તો બહુત હી બુદ્ધિમાન અને સમજદાર હોતે હૈ... સુધાર તો હોતે હૈ યુવકોં કે પરિશ્રમ, સાહસ, બલિદાન ઔર નિષ્ઠા સે, જિનકો ભયભીત હોના આતા હી નહીં ઔર જો વિતાર કમ ઔર અનુભવ અધિક કરતે હૈ... આજે પણ માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનની જનતા ભગતસિંહને આઝાદીના દિવાનાના સ્વરૂપમાં જુએ છે કે જેમણે તેમની જવાની સહિત તમામ જીવન દેશ માટે સમર્પિત કર્યું છે.

ભગતસિંહના પાંચ વાક્યો આજે પણ યાદ કરાય છે...

  1. જિંદગી તો અપને દમ પર જી જાતી હૈ, દૂસરો કે કંધોપર તો સિર્ફ જનાજે ઉઠાયે જાતે હૈ...
  2. મૈં ખુશી સે ફાંસી પર ચઢૂંગા ઔર દુનિયા કો દિખલાઉંગા કિ કૈસે ક્રાન્તિકારી દેશભક્તિ કે લિયે ખુદ કો બલિદાન દે સકતે હૈ...
  3. મૈં ઇસ કદર વાકિફ હૈ મેરી કલમ મેરે જજ્બાતોં સે, મૈં ઇશ્ક લિખના ભી ચાહૂં તો ઇન્કલાબ લિખ જાતા હૈ...
  4. ઇન્સાન કો તો મારા જા સતા હૈ, પર ઉનકે વિચારોં કો નહીં...
  5. બુરાઇ ઇસલિયે નહીં બઢ રહી હૈ કિ, બુરે લોગ બઢ ગયે હૈ બલ્કિ બુરાઇ ઇસલિયે બઢ કરી હૈ  ક્યોંકિ બુરાઇ સહન કરને વાલે લોગ બઢ ગયે હૈ...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:30 am IST)
  • ૧૫ જાન્‍યુઆરીથી જ શરૂ થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય : ૨૦૨૨માં ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન નવા નિર્માણ પામેલા રાજપથ પર થશે access_time 2:44 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST