Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

સરકારી મહેમાન

ગુજરાત સરકાર કરકસરના માર્ગે, કર્મચારીઓની પેશગી રદ થશે, જાહેર સાહસોને વધુ ગ્રાન્ટ નહીં

ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના કામો ઝડપી થાય છે, ભાજપના નહીં : ગાયોને માતા માનનારી ભાજપની સરકારે ગૌસેવાની 11 યોજનાઓ ઓચિંતી બંધ કરી દીધી : વિજય રૂપાણી 20-20 મેચ રમે છે પરંતુ તેમના કેબિનેટના સભ્યો ટેસ્ટમેચ પણ રમતા નથી

ગુજરાત સરકારે તેના આગામી વર્ષના બજેટમાં કરકસરના પગલાં લીધા છે. બજેટ કાપ સાથે કેટલીક બિનજરૂરી પરંપરાને રદ કરી છે, જે વર્ષોથી ચાલતી આવે છે. આવો જ એક મોટો નિર્ણય કર્મચારીઓ માટે લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને મળતી 10 પ્રકારની પેશગીઓ રાજ્યના નાણા વિભાગે રદ કરી છે. પેશગીઓમાં સાયકલ ખરીદવી, પંખા ખરીદવા, અનાજ ખરીદવાનો સમાવેશ થાય છે. ઉપરાંત તહેવાર અને રજા પેશગી ઉપરાંત નોકરી દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને તાત્કાલિક નાણાકીય સહાય આપવાની કે પરિવારને વતન પ્રવાસ ખર્ચ માટેની જોગવાઇને રદ કરી દેવામાં આવી છે. નાણા વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે બદલી વખતે આપવામાં આવતી પેશગી, પ્રવાસ ભથ્થાં પેશગી અને ખાતાકીય હેતુઓ માટેની પેશગી પણ રદ કરી દેવામાં આવી છે. આવી તમામ પેશગીની રકમને દર વર્ષે સામાન્ય અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવતી હતી પરંતુ 2020-21ના સામાન્ય અંદાજપત્રમાં રકમ રદ કરી દેવામાં આવી છે. અનુભવે જણાયું છે કે આવી પેશગીઓનો કર્મચારીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો નથી અને રૂપિયાનું રોકાણ થાય છે તેથી તેને બંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળતાં તેઓના પગારધોરણમાં વધારો થયો હોવાથી આવી પેશગીઓ અસ્થાને હોવાથી તેની જોગવાઇને ખતમ કરવામાં આવી છે.

તાલીમનો સમયગાળો હવે ઓન ડ્યુટી ગણાશે નહીં...

ગુજરાત સરકારના કર્મચારી તેમજ અધિકારીઓને મળવાપાત્ર રજા તથા રજાઓ મંજૂર કરવાની સત્તા જે તે વિભાગના વડાઓ નક્કી કરતા હોવાથી રાજ્યના નાણા વિભાગે તેનો વાંઘો ઉઠાવ્યો છે અને એવી સૂચના આપી છે કે તાલીમના સમયગાળા દરમ્યાન કર્મચારી કે અધિકારીની રજાઓને ઓન ડ્યુટી ગણવી નહીં. જ્યારે કર્મચારી કે અધિકારીની તાલીમ રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવી હોય ત્યારે જો કર્મચારી કે અધિકારી સ્વેચ્છાએ તાલીમ પર રજા પર ઉતરે તો તેની રજાને મળવાપાત્ર ગણાશે. કોઇપણ તાલીમના સમયગાળાને ઓન ડ્યુટી ગણવો કે નહીં તેનો નિર્ણય સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગના પરામર્શમાં રહીને કરવાનો રહેશે. નાણા વિભાગે ઠરાવ્યું છે કે રાજ્યના કોઇપણ વિભાગ કે ખાતાના વડાએ નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના પરામર્શ વિના કોઇપણ તાલીમ કે સારવારના સમયગાળાની રજાને ફરજ પર ગણવાની સૂચનાઓ પરિપત્રિત કરવાની રહેશે નહીં. જો કે સરકાર દ્વારા તાલીમ નિયત કરવામાં આવી હોય તો બન્ને વિભાગોની મંજૂરીની આવશ્યકતા નથી પરંતુ વિભાગ કે ખાતાના વડા તાલીમ માટે કોઇને મોકલે તો તેમાં મંજૂરીની આવશ્યકતા રહે છે. આદેશનું પાલન સરકારના તમામ વિભાગો તેમજ બોર્ડ-કોર્પોરેશનને પણ લાગુ પાડવામાં આવ્યા છે.

લ્યો સરકારમાં કરકસરનો અમલ શરૂ થયો...

સામાન્ય પરિવારોને મોંઘવારી નડે છે તેમ સરકારને પણ મોંઘવારી નડી છે. સરકારે વિભાગો તેમજ જાહેર સાહસો માટે કરકસરના રસ્તા અપનાવ્યા છે જેનું રિફલેક્શન આગામી વર્ષ 2020-21ના સામાન્ય અંદાજપત્ર પર પડશે. ગુજરાત સરકારના આગામી બજેટમાં સરકારે કેટલીક બાબતો પર કાપ મૂક્યો છે. બજેટમાં નવી બાબતોનો સમાવેશ કરવા માટે નાણા વિભાગ દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને સરકારના જાહેર સાહસોમાં ફાળવવામાં આવતી રકમમાં કાપ મૂકવામાં આવ્યો છે. નાણા વિભાગે તમામ બોર્ડ-કોર્પોરેશન અને આયોગને જણાવ્યું છે કે તેમની પાસે જીએસએફએસમાં રહેલા સેવિંગમાં ત્રણ વર્ષના ખરેખર ખર્ચની રકમ કરતાં વધુ રકમ હોય તો તેમને નવા અંદાજપત્રમાં ગ્રાન્ટ ફાળવવાની રહેતી નથી તેથી ગ્રાન્ટ માટે કોઇ જોગવાઇ કરવાની રહેશે નહીં. એટલું નહીં જે કિસ્સામાં સેવિંગની રકમ ખરેખર ખર્ચની રકમ કરતાં ઓછી હોય તો તે માટે ત્રણ વર્ષના સરેરાશ ખર્ચને ધ્યાને લઇ સરેરાશ વાર્ષિક ખર્ચ કરતાં વધુ રકમની જોગવાઇ કરવાની રહેતી નથી. એટલે કે સરકારે બોર્ડ-કોર્પોરેશનના ખર્ચમાં જાલીમ ઘટાડો કર્યો છે જે નાણા વિભાગની કરકસરની નીતિ દર્શાવે છે.

સરકારે ગૌસેવાની 11 યોજનાઓ બંધ કરી દીધી...

ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ ચાલી રહી છે પરંતુ સરકારે અચાનક 11 યોજનાઓ બંધ કરી દીધી છે. રાજ્ય સરકારે તેના સામાન્ય અંદાજપત્રમાં કુલ યોજનાઓમાં 38.23 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી હતી પરંતુ પશુપાલન નિયામકના અધ્યક્ષપદે રચાયેલી કમિટી દ્વારા યોજનાઓની સમીક્ષા કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ હસ્તકની યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે. યોજનાઓનું અમલીકરણ નહીં થતું હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે, જેની સાથે કેટલીક યોજનાઓ બેવડાતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સરકારના ક્ષેત્રે ફાળવેલા કુલ બજેટ પૈકી 11 યોજનાઓમાં 4.60 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો જે અટકાવી દેવામાં આવ્યો છે. સરકારે પશુઓના છાણમાંથી સૈન્દ્રીય ખાતર ઉત્પાદન કરવાની, ઉત્તમ આનુવંશિક ઘણ પેદા કરવાની, ગૌવંશના બાંકરા સાંઢનું ખસીકરણ કરવાની, પશુપાલકોને તાલીમ આપવાની તેમજ પ્રદર્શન એકમ અને લાયબ્રેરી ચાલુ રાખવાની યોજનાઓ બંધ કરી છે. એટલું નહીં ગાયોના આર્થિક ઉત્પાદન વધારવા સંશોધન માટેની સહાય યોજના, ગૌરક્ષકોને પ્રોત્સાહન ઇનામો આપવાની યોજના તેમજ જીવદયા હેલ્પલાઇન યોજના બંધ કરવામાં આવી છે. તમામ યોજનાઓ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ હસ્તકની છે.

સરકારનો નિયમ છે પરંતુ અમલ થતો નથી...

રાજ્યના શહેરોમાં જ્યાં કોમર્શિયલ બિલ્ડીંગ બને ત્યાં ફરજીયાત પાર્કિંગની સુવિધા આપવી જરૂરી હોવા છતાં તેનો અમલ થતો નથી પરિણામે લોકો તેમના વાહનો રોડસાઇડે પાર્કિંગ કરી રહ્યાં છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર અને ભાવનગરના શહેરી વિસ્તારોમાં સૌથી મોટી સમસ્યા રોડસાઇડે પાર્કિંગની છે. અદાલતમાં જ્યારે કોઇ પિટીશન થાય છે ત્યારે અદાલતના આદેશ પછી વાહનો હટાવી દેવામાં આવે છે પરંતુ 15 દિવસમાં સ્થિતિ પૂર્વવત થઇ જાય છે. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કોમર્શિયલ બિલ્ડીંગની મંજૂરી આપતાં પહેલાં પાર્કિંગની સુવિધા અંગે કડક ચેકીંગ કરવું જોઇએ. એટલું નહીં, જે કોમર્શિયલ બિલ્ડીંગમાં પાર્કિંગ હોય તો તેને તત્કાલ સીલ કરી દેવામાં આવે, કે જેથી રોડસાઇડે પાર્કિંગ થતાં અટકી શકે. સરકારના જીડીસીઆરમાં જોગવાઇ હોવા છતાં શહેરોમાં એવાં બિલ્ડીંગ મંજૂર થઇ રહ્યાં છે કે જ્યાં પાર્કિંગની સુવિધા નથી. અમદાવાદના 45 ટકા કોમર્શિયલ બિલ્ડીંગના બેઝમેન્ટમાં પાર્કિંગ છે પરંતુ તેમાં વાહનો મૂકવાની જગ્યાએ ટ્યુશન ક્લાસિસ અને દુકાનો શરૂ કરી દેવામાં આવી છે.

રૂપાણીના સાથી સભ્યો ટેસ્ટમેચ પણ રમતા નથી...

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે તેઓ 20-20 ક્રિકેટ મેચની જેમ સરકારનો વિકાસ વહીવટ ચલાવે છે પરંતુ તેમની સરકારમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ટેસ્ટમેચ પણ રમી શકતા નથી. સરકારમાં 70 ટકા મંત્રીઓ તેમના વિભાગનું પરફોર્મન્સ બતાવી શક્યા નથી. રૂપાણીની ઝડપ સામે તેમના સાથી સભ્યોની કામ કરવાની ઝડપ એટલી બઘી ઓછી છે કે તેઓ તેમના વિભાગને ન્યાય પણ આપી શકતા નથી. છેલ્લા બે વર્ષથી કેબિનેટના સભ્યોએ કરેલા કામોનું સરવૈયું પણ માગવામાં આવ્યું નથી. ભાજપના એક સિનિયર ધારાસભ્યએ કહ્યું હતું કે રૂપાણી સરકાર તેમની કામની ઝડપ વધારવા માગે તો તેમણે તેમના કેબિનેટના સભ્યોને પણ ઝડપ કરવાનો આદેશ આપવો જોઇએ, કે જેથી રાજ્યની સાડા કરોડની જનતાને ટીમ ગુજરાતની અનુભૂતિ થઇ શકે. અહીં નરેન્દ્ર મોદીનું ટીમ ગુજરાતનું સ્વપ્ન રોળાઇ રહ્યું હોવાનું જણાય છે. ગુજરાતમાં મોદીએ 2001 થી 2014 સુધી શાસન કર્યું છે પરંતુ છેલ્લે જ્યારે તેઓએ ગુજરાત છોડ્યું ત્યારે ટીમ ગુજરાતની ઓળખ હતી, જે આજે સરકારમાં ક્યાંય દેખાતી નથી. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મને 20-20 રમવાનો શોખ નથી. હું કોઇ રમત રમતો નથી માત્ર લોકોની સેવા કરૂં છું.

ભાજપના કાર્યકરો માટે સારા દિવસો નથી...

ગુજરાતના સચિવાલયમાં ભાજપના કાર્યકર્તાઓ માટે ખરાબ દિવસો ચાલી રહ્યાં છે, કેમ કે તેમના કામો થતાં નથી. બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને કાર્યકર્તાઓની સચિવાલયમાં ચહલપહલ વધુ જોવા મળે છે. જે નેતાઓ અને કાર્યકરે માત્ર ભાજપનો સિમ્બોલ સ્વિકાર્યો છે તેઓ લેટરહેડ લઇને અંગત કામો કરાવી રહ્યાં છે જ્યારે ભાજપના ખુદના ધારાસભ્યોના કામો વિલંબમાં પડે છે. કોંગ્રેસમાંથી આવેલા એક ધારાસભ્ય તો મંત્રીઓની ચેમ્બરમાં અંગત સ્ટાફ સાથે બેસીને તેમના કામો વટ કે સાથ કરાવી રહ્યાં છે. સચિવાલયમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે ભાજપના કાર્યકર કે નેતાને સરકારના કોઇ વિભાગોમાં કોઇ કામ કરાવવું હોય તો કોંગ્રેસ કે પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પાસે જવું જોઇએ, કેમ કે તેમના કામો વહેલા થઇ જાય છે. મંત્રીઓ નહીં, વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ભાજપમાં આયાતી નેતાઓ કે કાર્યકરોના કામો ઝડપથી કરી રહ્યાં છે. આમ પણ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના ત્રણ કાર્યકરોને ગણતરીના કલાકોમાં રૂપાણી કેબિનેટમાં સ્થાન મળેલા છે. આશ્ચર્યની બાબત તો એવી છે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ઉદ્યોગભવન સ્થિત કચેરી આજે કોંગ્રેસના નેતાઓનો અડ્ડો બની ચૂકી છે. એવી રીતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોથી હાઉસફુલ જોવા મળતી હોય છે. ભાજપના એક સિનિયર કાર્યકરે કટાક્ષમાં કહ્યું છે કે અહીંયા ભાજપ અને કોંગ્રેસની મિલીઝૂલી સરકાર કામ કરી રહી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:55 am IST)
  • યુક્રેનિયન વિમાનને તોડી પાડવા માટે જવાબદાર 30 ઈરાની લશ્કરી જવાનો ની ધરપકડ થઈ છે. access_time 8:24 pm IST

  • દુબઈ શરજાહ સહિત યુનાઈટેડ આરબ અમીરાતમાં ઠેર ઠેર વરસાદ- કરા રવિવારે પણ પડયા છેઃ સતત ૩ દિવસથી વરસાદી માહોલ છે access_time 12:56 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST