Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સરકારી મહેમાન

રૂપાણીએ 9 ભૂતપૂર્વ મુખ્યમંત્રીના શાસનનો રેકોર્ડ તોડ્યો છે; 2020માં તેઓ કેશુભાઇનો રેકોર્ડ તોડશે

રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ સાથે 21 આઇએએસ ઓફિસરો 2020ના વર્ષમાં વયનિવૃત્ત: ભાજપ શાસિત રાજ્યો ઘટીને આઠ થયાં, 2020માં બે અને 2021 પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણી: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિત કુલ 10 આઇપીએસ અધિકારીઓ 2020માં વયનિવૃત્ત

ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહિને તેમના શાસનના 1236 દિવસ પૂરાં કર્યા છે. તેમણે આ વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં રાજ્યના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાના કુલ શાસન જેટલા એટલે કે 1238 દિવસોનો રેકોર્ડ તોડ્યો છે. તેમની ખુરશી આજેપણ સલામત છે. તેમને કોઇ ટેન્શન નથી. 2020માં પણ તેઓ 20-20 ક્રિકેટ મેચ જેવી ઇંનિગ્સ ખેલવાના છે, કારણ કે આ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઇલેક્શન તેઓ પાર કરવાના છે. વિજય રૂપાણીએ માત્ર જીવરાજ મહેતાના શાસનનો જ નહીં તે ઉપરાંત બળવંત મહેતા (738), ધનશ્યામ ઓઝા (488), બાબુભાઇ જસભાઇ પટેલ (1253), છબીલદાસ મહેતા (391), સુરેશચંદ્ર મહેતા (338), શંકરસિંહ વાઘેલા (370), દિલીપ પરીખ (128) અને આનંદીબહેન પટેલના (808) દિવસના શાસનનો રેકોર્ડ તોડ્યો છે. હવે તેઓ 2020ના વર્ષમાં કેશુભાઇ પટેલના 1312 દિવસનો રેકોર્ડ તોડવા જઇ રહ્યાં છે. ગુજરાતની ગાદી પર ત્રણ મુખ્યમંત્રી એવા આવ્યા છે કે જેમના શાસનના રેકોર્ડ તોડવા મુશ્કેલ છે જેમાં પહેલા હિતેન્દ્ર દેસાઇ છે કે જેમણે 2062 દિવસનું અને માધવસિંહ સોલંકીએ 2019 દિવસ સુધી શાસન કર્યું છે, ત્રીજા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેમણે સૌથી વધુ 4610 દિવસ સુધી રાજ્યનું વાયબ્રન્ટ સુકાન સંભાળ્યું છે.

ગુજરાતમાં વધુ 21 સિનિયર ઓફિસરો નિવૃત્ત...

ગુજરાતમાં 2020ના વર્ષમાં રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અને ગુજરાત કેડરના વધુ 21 ઓફિસરો વયનિવૃત્ત થવાના છે. આ ઓફિસરોમાં ટોચપર રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ આવે છે પરંતુ જો કેન્દ્ર સરકાર તેમને છ મહિનાનું એક્સટેક્શન આપે તો તેઓ ફેબ્રુઆરી 2021 સુધી ગુજરાતની બ્યુરોક્રેસીના સુપ્રીમ પદ પર ચાલુ રહેશે. તેઓ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થવાના છે. આ વર્ષે નિવૃત્ત થનારા આઇએએસ અધિકારીઓમાં દીનાનાથ પાંડે (ફેબ્રુઆરી), સીપી નેમા (માર્ચ), અરવિંદ અગ્રવાલ અને અતનુ ચક્રવર્તી (એપ્રિલ), કેડી કાપડિયા (મે), સીઆર ખરસાણ, એસએમ ખટાણા, સીએમ પાડલિયા (જૂન), એમએસ પટેલ, પુનમચંદ પરમાર, પીએલ સોલંકી (જુલાઇ), અનિલ મુકીમ (ઓગષ્ટ), પીડી વાઘેલા, જેઆર ડોડીયા, એમઆર કોઠારી, આરબી રાજ્યગુરૂ (સપ્ટેમ્બર), સંગીતાસિંઘ, એજે શાહ, એસએમ પટેલ (ઓક્ટોબર), અનુરાધા મલ્લ (નવેમ્બર) અને સીજે પટેલ (ડિસેમ્બર)નો સમાવેશ થાય છે. રાજ્યના સિનિયર મોસ્ટ અધિકારીઓનો આ એક મોટો ફાલ 2020ના વર્ષમાં વયનિવૃત્ત થવાનો છે.

IPS શિવાનંદ ઝા એપ્રિલમાં વયનિવૃત્ત થશે...

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા આગામી એપ્રિલ 2020માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેઓ અત્યારે નવા પોલીસ મેન્યુઅલની કામગીરી કરી રહ્યાં છે જે લાંબા સમયથી અપડેટ થયો નથી. અત્યારે એવું સ્પષ્ટ નથી કે તેમની નિવૃત્તિ પછી તેમને એક્સટેન્શન મળે છે કે કેમ પરંતુ તેઓ તેમણે તેમનું કામ ચાલુ રાખ્યું છે. શિવાનંદ ઝા બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો કલર આપવામાં તેમનો મોટો ફાળો છે. રાજ્યમાં કેટલાસ પેચીદા સવાલોને તેમણે ચતુરાઇ પૂર્વક ઉકેલ્યા છે. ફેબ્રુઆરી 2018માં તેમણે ગુજરાતના ડીજીપીનો હોદ્દો સંભાળ્યો હતો. તેઓ પ્રમોદકુમારના અનુગામી છે. શિવાનંદ ઝા 1983 બેચના સિનિયર આઇપીએસ અધિકારી છે. તેમણે લાંબા સમય સુધી સુરત અને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. લો એન્ડ ઓર્ડર પર તેમની પક્કડ વધુ મજબૂત માનવામાં આવે છે. વર્ષ 2020માં રાજ્યના પોલીસ વડા સહિત કુલ 10 આઇપીએસ અધિકારીઓ વયનિવૃત્ત થાય છે. આ ઓફિસરોમાં અનારવાલા (જાન્યુઆરી), પ્રવિણ ગોંદિયા (ફેબ્રુઆરી), એકે જાડેજા, આરએફ સંઘાડા (માર્ચ), શિવાનંદ ઝા (એપ્રિલ), એકે સુરોલિયા (મે), ડીબી વાઘેલા, ડીએન પટેલ (જૂન), એકે સિંઘ (સપ્ટેમ્બર) અને કમલકુમાર ઓઝા (ઓક્ટોબર)નો સમાવેશ થાય છે.

ગુજરાત આટલું બઘું પાછળ કેમ રહી ગયું છે?...

ગુજરાતને અફસોસ થાય તેવો રેન્ક ભારત સરકારના નીતિ આયોગે આપ્યો છે. ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છતાં ઇનોવેશનમાં ગુજરાતનો ક્રમ નવમો આવ્યો છે. ઇન્સ્ટીટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ સાથે કરેલા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-3માં કર્ણાટક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ ઇનોવેશન થાય છે. દેશના મોટા દસ રાજ્યોમાં કર્ણાટક પછી તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગાણા, હરિયાણા, કેરલ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે. દેશના નોર્થ ઇસ્ટ અને પર્વતિય રાજ્યોમાં સિક્કિમનો ક્રમ પહેલો અને હિમાચલનો ક્રમ બીજો આવ્યો છે, જ્યારે યુનિયન ટેરેટરી અથવા તો નાના રાજ્યોમાં દિલ્હી પ્રથમક્રમે છે. ચંદીગઢ બીજાક્રમે અને ગોવા ત્રીજાસ્થાને છે. ઇનોવેશનનો સ્કોર (ઇન્ડેક્સ) જોઇએ તો કર્ણાટકને 35.65 માર્ક્સ મળ્યા છે જ્યારે નવમાક્રમે આવેલા ગુજરાતને 16.86 માર્ક્સ મળ્યા છે. તામિલનાડુને 32.98 અને મહારાષ્ટ્રને 29.93 માર્ક્સ છે. નાના રાજ્યોમાં દિલ્હીને 42.98 માર્ક્સ અને નોર્થ-ઇસ્ટ સિક્કિમને 15.49 માર્ક્સ મળ્યા છે. મોટા રાજ્યોમાં ઝારખંડને સૌથી ઓછા 6.20 માર્ક્સ મળ્યા છે. હ્યુમન કેપિટલમાં તામિલનાડુ 49.20ના સ્કોર સાથે પ્રથમ, કેરાલા 46.17 સાથે દ્વિતીય અને પંજાબ 40.88 સાથે ત્રીજાસ્થાને છે. ગુજરાતનો ક્રમ પાંચમો છે. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં 31.31ના સ્કોર સાથે કર્ણાટક પ્રથમ, 22.00ના સ્કોર સાથે મહારાષ્ટ્ર દ્વિતીય તેમજ 12.81ના સ્કોર સાથે હરિયાણા ત્રીજું છે. ગુજરાતનો ક્રમ કેરાલા અને તામિલનાડુ પછી છઠ્ઠો છે. મહત્વની બાબત એવી છે કે બિઝનેસ એનવાયર્નમેન્ટમાં પ્રથમક્રમે તામિલનાડુ પછી કેરાલા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, હરિયાણા અને આંધ્રપ્રદેશ પછી આઠમાક્રમે ગુજરાત આવે છે જો કે સેફ્ટિ અને લિગલ એનવાયર્નમેન્ટમાં હરિયાણા અને પંજાબ પછી ગુજરાત ત્રીજાક્રમે છે.

બે વર્ષમાં 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી...

2014માં કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે સાત રાજ્યો હતા પરંતુ લોકસભાની 2014ની ચૂંટણી પછી સત્તામાં આવેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહે એકત્ર થઇને કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો હતો. 2018 સુધીમાં ભાજપ અને એનડીએ ગઠબંધન પાસે 21 રાજ્યો અને કોંગ્રેસ પાસે માત્ર ત્રણ રાજ્યો રહ્યાં હતા. જો કે ડિસેમ્બર 2018 પછી ભાજપની પડતી શરૂ થઇ અને ભાજપ શાસિત એનડીએના રાજ્યો ઘટીને 17 થયાં. આજે નવેમ્બર 2019ની સ્થિતિએ જોઇએ તો ભાજપ પાસે માત્ર 8 રાજ્યો રહ્યાં છે જ્યારે 6 રાજ્યોમાં ગઠબંધનની સરકારો છે. અત્યારે ભાજપ પાસે ઉત્તરપ્રદેશ, ગુજરાત, હિમાચલપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, કર્ણાટક, અરૂણાચલપ્રદેશ અને ત્રિપુરા છે. પાર્ટીએ હરિયાણા, આસામ અને મણીપુરમાં એલાયન્સ કર્યું છે અને બિહાર, મેઘાલય તેમજ નાગાલેન્ડમાં ગઠબંધનની સરકાર ચલાવે છે. દેશમાં 28 રાજ્યો અને નવ કેન્દ્રશાસિત પ્રદેશ થયાં છે. 2020ના વર્ષમાં દિલ્હીની 70 બેઠકો પર ફેબ્રુઆરી પહેલાં અને બિહારની 243 બેઠકો પર નવેમ્બર પહેલાં ચૂંટણી થવાની છે. આ બન્ને રાજ્યોમાં ભાજપની કસોટી એટલા માટે છે કે એક તરફ અરવિંદ કેજરીવાલ છે અને બીજીબાજુ નિતીશકુમાર છે. જો કે આવનારા વર્ષ 2021માં આસામની 126 બેઠકો, (જમ્મુ-કાશ્મીર-લદાખ-ચૂંટણી યોજાય તો), કેરાલાની 140 બેઠકો, પોંડિચેરીની 30 બેઠકો, તામિલનાડુની 234 બેઠકો અને પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર ચૂંટણી થવાની છે. આ વિધાનસભાઓ પૈકી એકમાત્ર પોંડિચેરીની સરકાર કોંગ્રેસ હસ્તક છે, આસામમાં એજીપી સાથે ભાજપનું ગઠબંધન છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા બેનરજીનું વર્ચસ્વ છે. કેરાલામાં એલડીએફ અને તામિલનાડુમાં એઆઇએડીએમકેની સરકાર છે. મોદીનો જાદુ બરકરાર રહ્યો તો ભાજપે આ રાજ્યોમાં હવે કંઇ ગુમાવવાનું નથી.

ભાજપના પ્રદેશ સંગઠનની ચૂંટણીમાં વિલંબ...

કોંગ્રેસની સ્થિતિમાં કોઇ ફર્ક પડ્યો નથી પરંતુ ભાજપની સંગઠનની ચૂંટણીઓ જરૂર વિલંબમાં પડી છે. પાર્ટીનું હાઇકમાન્ડ આ વર્ષના આખરમાં હજી સુધી જિલ્લા, મહાનગરો અને સ્ટેટ ઓફિસ બેરર્સની ચૂંટણીઓ પૂર્ણ કરી શક્યું નથી. કેન્દ્રીય નિરીક્ષકોના રિપોર્ટ પણ હજી સબમીટ થયાં નથી. સંગઠનની ચૂંટણીમાં વિલંબનું મહત્વનું કારણ નાગરિકતાના મુદ્દે પાર્ટીએ જાહેર કરેલા કાર્યક્રમો હોવાનું બહાનું દર્શાવવામાં આવે છે. પાર્ટીના પ્રદેશ કાર્યકર્તાઓને શંકા છે કે અમારા નેતાઓ આ વર્ષના અંત સુધીમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરશે. પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓને નવા પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખોનો ઇન્તજાર છે, કેમ કે 2020માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહાનગરોની ચૂંટણી ભાજપ માટે મહત્વની બની રહે તેમ છે. પાર્ટીના સૂત્રો કહે છે કે હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે પરંતુ તેમના સ્થાને કોને નવા પ્રમુખ બનાવવામાં આવે છે તે વધારે સસ્પેન્સ ક્રિયેટ કરે છે. સૂત્ર કહે છે કે નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર અથવા તો ઓબીસી જ્ઞાતિમાંથી આવી શકે છે પરંતુ બીજી જ્ઞાતિ જેવી કે બ્રાહ્મણ અને ક્ષત્રિય પણ પાર્ટી પ્રેસિડેન્ટની લાઇનમાં છે.

પૂર્વ CS જેએન સિંહનું પોસ્ટીંગ કેમ નહીં...

ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી જેએન સિંહનું પોસ્ટીંગ કેમ થયું નથી તે સચિવાલયમાં મોટો સવાલ છે, કેમ કે આ એક એવા ઓફિસર હતા કે જેમના માથે આખી સરકારનો ભાર હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પોણાભાગનું કામ તેઓ કરી લેતા હતા. છ મહિનાના એક્સટેન્શન પછી તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટીંગ નર્મદા નિગમના સીએમડી અથવા ગુજરાત વિઝીલન્સ કમિશનર તરીકે થવાનું હતું પરંતુ નિવૃત્તિને આજે એક મહિનો થવા આવ્યો છે છતાં તેમની નિયુક્તિ થઇ શકી નથી. સચિવાલયમાં તેમની નિયુક્તિ બાબતે કેટલાક સવાલ ઉભા થયા છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:38 am IST)
  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયા : કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ હમણાં જ જાહેર કર્યું છે કે કેરળમાં થી 2 શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવવા રહી છે access_time 8:00 pm IST

  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST