Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સરકારી મહેમાન

રાજ્યના ચીફ સેક્રેટરી કક્ષાના પાંચ સહિત 19 IAS ઓફિસરો 2020માં વયનિવૃત્ત થશે

કોંગ્રેસને રાહુલના સોફ્ટ નહીં કટ્ટર હિન્દુત્વની જરૂર, નહીં તો 2024માં સ્કોર ઝિરો : BJPના પ્રમુખ માટે પાર્ટીએ બે નામ સંગઠનમાંથી, બે નામ સરકારમાંથી શોધ્યાં છે : 29 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી પરંતુ તેનો કાર્યકર દરેક ગામમાં મોજૂદ છે

ગુજરાત સરકારમાં સનદી અધિકારીઓનો વધુ એક મોટો સમૂહ 2020ના વર્ષમાં વયનિવૃત્ત થવાનો છે. રાજ્યના કુલ 19 આઇએએસ અધિકારીઓ પૈકી પાંચ અધિકારીઓ રાજ્યના ચીફ સેક્રેટરી પદ માટેના દાવેદાર છે. નવેમ્બરના અંતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના વહીવટી તંત્રના વડાની પસંદગી કરશે ત્યારે તેઓ એવું પણ ધ્યાન રાખશે કે એક જ વર્ષમાં કેટલા અધિકારીઓ નિવૃત્ત થશે. ચીફ સેક્રેટરી પદ માટે જેમના નામ ચાલી રહ્યાં છે તેમાં એપ્રિલમાં નિવૃત્ત થતાં અરવિંદ અગ્રવાલ અને અતનુ ચક્રવર્તી છે. ઓગષ્ટ મહિનામાં અનિલ મુકીમ, જુલાઇમાં પુનમચંદ પરમાર તેમજ ઓક્ટોબરમાં સંગીતાસિંઘ નિવૃત્ત થશે. એ ઉપરાંત જેઓ ચીફ સેક્રેટરીની રેસમાં નથી તેવા અધિકારીઓ પૈકી ફેબ્રુઆરીમાં ડીએન પાંડે, માર્ચમાં સીપી નેમા, મે મહિનામાં કેડી કાપડિયા, જૂનમાં એસએમ ખટાણા, સીઆર ખરસાણ, જુલાઇમાં એમએસ પટેલ, પીએલ સોલંકી, સપ્ટેમ્બરમાં આરબી રાજ્યગુરૂ, પીડી વાઘેલા, જેઆર ડોડિયા, ઓક્ટોબરમાં એસએમ પટેલ, એજે શાહ, નવેમ્બરમાં અનુરાધા મલ્લ અને ડિસેમ્બરમાં સીજે પટેલ વય નિવૃત્ત થશે.

1.50 લાખ કરોડના પાંચ પ્રોજેક્ટસમાં વિલંબ...

ગુજરાતમાં મહત્વના અને નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પાંચ પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યાં છે. પહેલો પ્રોજેક્ટ અમદાવાદની મેટ્રોરેલનો છે જેમાં ધીમી ગતિની પ્રક્રિયા હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપવી પડી છે. આ પ્રોજેક્ટ 2020માં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. બીજો પ્રોજેક્ટ ગાંધીનગરના રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલનો છે. આ પ્રોજેક્ટમાં પણ વિલંબ થયો છે. હવે આ પ્રોજેક્ટને પણ 2020માં પૂરો કરવા રેલવે મંત્રાલય અને તેની બનાવેલી કંપનીને કહેવાયું છે. ત્રીજો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો છે. આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ કરવા કેન્દ્ર સરકારે કહ્યું છે. અમદાવાદની જેમ ગાંધીનગર અને સુરતને મેટ્રોરેલ આપવા માટેના પ્રોજેક્ટમાં પણ ભારે વિલંબ થયો છે. ગાંધીનગર મેટ્રોરેલને અમદાવાદની મેટ્રોરેલનો બીજો તબક્કો કહેવામાં આવે છે. આ પાંચ પ્રોજેક્ટમાં કુલ મૂડીરોકાણ 141600 કરોડના છે. બે પ્રોજેક્ટ અમદાવાદની મેટ્રોરેલ અને બુલેટ ટ્રેનમાં તો વિદેશી સરકારોની લોનનો લાભ લેવામાં આવી રહ્યો છે જ્યારે સુરતની મેટ્રો માટે જર્મની, જાપાન અને ફ્રાન્સ પાસેથી સહાય માગવામાં આવી છે. લોન મળે છે પરંતુ કામગીરી ધીમી હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર નારાજ હોવાનું સામે આવ્યું છે પરિણામે મુખ્યમંત્રીને અવાર નવાર સમીક્ષા બેઠક કરવી પડે છે.

અયોધ્યાનો અધ્યાય સમાપ્ત, હવે નવા મુદ્દા...

કહેવાય છે કે લમ્હોને ખતા કી, સદિયોં ને સજા પાઇ... અયોધ્યાનો વિવાદ 500 વર્ષ જૂનો છે. ભગવાન રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ અંગે આ પંક્તિઓ વારંવાર દોહરાવવામાં આવે છે. આઝાદી પહેલાં મોગલ સમ્રાટ અને અંગ્રેજોએ તેમજ આઝાદી પછી આપણા રાજનેતાઓએ અયોધ્યા વિવાદની ચિનગારી ભડકાવવામાં કોઇ મોકો છોડ્યો નથી. ભાજપે જ્યારે ચૂંટણી ઢંઢેરો બનાવ્યો ત્યારે અયોધ્યામાં રામમંદિર બનાવવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસના નેતાઓ પણ સમયે આવ્યે અયોધ્યા વિવાદમાં સિયાસત કરવામાં પાછળ રહ્યાં નથી. દેશના સૌથી વધુ ચર્ચાસ્પદ અને સંવેદનશીલ રામ જન્મભૂમિની જમીનનો વિવાદ સુપ્રીમ કોર્ટે ઉકેલી મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદાને કારણે વિવાદીત જમીન પર રામમંદિર બનશે અને શિયા વકફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર જમીન અપાશે. સૌથી ખરાબ ઘટના 6ઠ્ઠી ડિસેમ્બર 1992માં બની હતી જેમાં હિન્દુ સંગઠનોએ ભીડ એકત્ર કરી બાબરી મસ્જીદને તોડી નાંખી હતી, પરિણામે દેશમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા અને 2000 લોકોના મોત થયાં હતા. સુપ્રીમના ચૂકાદા પછી રામમંદિરનો મુદ્દો લગભગ પૂર્ણ થયો છે, હવે રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં નવા મુદ્દાની શોધ કરી રહ્યાં છે. જો કે કેન્દ્રની મોદી સરકાર કોમન સિવિલ કોડ અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે POK ના મુદ્દે આગામી ચૂંટણીઓ લડે તેવી સંભાવના છે.

ગુજરાત ભાજપમાં મોટો બદલાવ નિશ્ચિત છે...

ગુજરાતમાં પાછલા મહિનામાં થયેલી છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસને ફાળે ત્રણ બેઠકો આવતાં ભાજપની છાવણીમાં સોંપો પડેલો છે. ચૂંટણીમાં હારની કળ હજી વળી નથી ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના રાજકારણથી નારાજ છે. સરકારના નિકટના સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવી દૂર કરવાની અફવાઓ સચિવાલયમાં વહેતી થઇ છે પરંતુ તે બૂમરેંગ સાબિત થવાની છે, કેમ કે કેન્દ્રીય મોવડીમંડળ મુખ્યમંત્રી બદલશે નહીં પરંતુ સરકારમાં મોટા ફેરફારો કરાવી શકે છે. બીજી તરફ ગુજરાતના પ્રદેશ સંગઠનના પદાધિકારીઓ પર મોદી અને અમિત શાહનો ખોફ ઉતરી આવે તેમ છે. એટલે કે આ બન્ને વરિષ્ઠ નેતાઓ હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પાર્ટીના સંગઠનમાં બદલાવ કરશે. આ બન્ને નેતાઓએ નવા પ્રદેશ પ્રમુખની શોધ શરૂ કરી દીધી છે. પાર્ટીના સૂત્રો કહે છે કે નવા પ્રમુખ ઓબીસી અથવા તો પટેલ સમુદાયમાંથી આવશે. પ્રમુખપદ માટે જે નામોની વિચારણા છે તેમાં સંગઠનમાંથી ત્રણ અને સરકારમાંથી બે નામ સામે આવ્યા છે. ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ નવેમ્બર-ડિસેમ્બરમાં મળશે.

સત્તા નથી પરંતુ કાર્યકર પ્રત્યેક ગામડામાં છે...

ગુજરાતમાં કોંગ્રેસને સંપૂર્ણ સત્તા 1985 થી 1990માં મળી હતી ત્યારપછી ચીમનભાઇ પટેલની ગઠબંધન સરકારના દોઢ-બે વર્ષને બાદ કરતાં કોંગ્રેસને સત્તામાં બેસવાનો વારો આવ્યો નથી. એવું કહી શકાય કે કોંગ્રેસ છેલ્લા 29 વર્ષથી સત્તામાં નથી. રાજ્યમાં મતદારોની નવી પેઢીએ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી તેમ છતાં એક બાબતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કોંગ્રેસનું સંગઠન આજેપણ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. આટલા વર્ષોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે પરંતુ આજેપણ રાજ્યના પ્રત્યેક ગામ અને મહોલ્લામાં કોંગ્રેસનો કાર્યકર્તા મોજૂદ છે. સમસ્યા એવી છે કે પાર્ટીમાં તેમને પૂછનાર કોઇ નેતા નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કાર્યકરોને માત્ર ચૂંટણી સમયે યાદ કરે છે. કોંગ્રેસે છેલ્લા 15 વર્ષમાં પાર્ટીના કાર્યકરોનું સંમેલન બોલાવ્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરી અને કોંગ્રેસ દિન પ્રસંગે પાર્ટીનો કાર્યકર્તા ગાંધી ટોપી પહેરી હાથમાં ત્રિરંગો લઇને જોવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ તેમને જોઇને ખુશ થાય છે પરંતુ પછી ભૂલી જાય છે.

કોંગ્રેસે હવે સંપૂર્ણ હિન્દુત્વનો ઝંડો લેવો પડશે...

ભારતનું રાજકારણ બદલાયું છે. આ બદલાવના પ્રણેતા એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વોટબેન્કની રાજનીતિ તેમણે સમાપ્ત કરી છે. કોંગ્રેસ હજી પણ તેની જૂની પુરાણી સિસ્ટમમાંથી બહાર નહીં આવે તો 2024ની લોકસભાની ચૂંટણી સમયે દેશમાં માત્ર એક જ પાર્ટીની સરકાર હશે. મોદી કે ભાજપ જે બોલશે તે પરિણામ આવશે. પ્રમુખશાહીથી બચવા માટે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઇશે. આ મજબૂતી માટે કોંગ્રેસના એક સિનિયર નેતાએ ખૂબ જ ઉત્તમ જવાબ આપ્યો છે. તેમણે કોંગ્રેસના મોટાગજાના નેતાઓની આંખો ખોલવા કહ્યું કે જો હાલની સ્થિતિ રહી તો 2024માં કોંગ્રેસ લોકસભા અને વિધાનસભામાં શૂન્ય પ્રતિનિધિત્વ કરતી હશે પરંતુ જો કોંગ્રેસનો ચહેરો બદલવો હોય અને સફળતા મેળવવી હોય તો પાર્ટીએ પ્રખર હિન્દુત્વનો ઝંડો ફેલાવવો પડશે, કેમ કે ભારત દેશમાં હિન્દુઓની વસતીનું પ્રમાણ સૌથી વધુ છે. નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ટક્કર લેવી હશે તો કોંગ્રેસે રાહુલ ગાંધીનું સોફ્ટ હિન્દુત્વ નહીં પણ કટ્ટર હિન્દુત્વ પસંદ કરી ન્યૂ ઇન્ડિયામાં નવી દિશા ખોલવી પડશે. બદનસીબે કોંગ્રેસ આ ગાડી ચૂકી ગઇ છે, કારણ કે જો મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે કોંગ્રેસ અને એનસીપીએ શિવસેનાને ટેકો આપ્યો હોત અને એવું વચન આપ્યું હોત કે પાંચ વર્ષ સુધી રાજ કરો, અમે તમારી પડખે છીએ આ કમિટમેન્ટ કોંગ્રેસને ફાસ્ટ ગતિમાં હિન્દુત્વ તરીકે દોરી જાય તેમ હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની ઇચ્છાનો ઇન્કાર કરીને સોનિયા ગાંધી આ મોકો ચૂક્યાં છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:38 am IST)
  • JNU હિંસામાં સંડોવણીઃ ABVPના અક્ષત - રોહિતને પોલીસ સમન્સઃ એબીવીપીએ અક્ષત અને રોહિત તેના સભ્યો હોવાનો ઈન્કાર કર્યો, અક્ષત અવસ્થીએ જેએનયુની સાબરમતી હોસ્ટેલની શેરીમાં ટોળા દ્વારા વાહનો અને ફર્નીચરની કરાયેલી તોડફોડની વિસ્તૃત વિગતો આપી : અક્ષત અને રોહિતે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલામાં પોતાની ભુમિકા સ્વીકારી લીધી હોવા છતાં પોલીસે હજુ સુધી તેમની કોઈ ધરપકડ કરી નથી : અક્ષત અવસ્થી પોલીસ સ્ટેશને જશે પરંતુ તપાસમાં જોડાશે નહિં : સૂત્રો, દિલ્હી પોલીસે કેસની તપાસ માટે કબૂલાતની ટેપ્સ માટે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ access_time 12:42 am IST

  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST