Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સરકારી મહેમાન

સાયબર ક્રાઇમ અને ક્રિમિનલ્સ સામે સુરક્ષા આપી શકે તેવા નિષ્ણાંતોની દેશમાં કમી છે

ઓનલાઇન શોપિંગ પહેલાં ફોન વાયરસ પ્રેરિત છે કે કેમ તેની પહેલાં ચકાસણી કરવી જોઇએ : મોબાઇલ ફોનમાં પાસવર્ડ ક્યારેય રાખવો નહીં અને વારંવાર પાસવર્ડ બદલતા રહેવું જોઇએ : નોકરી કે લોન આપવા માટે ક્યારેય કોઇ અધિકૃત સોર્સ રૂપિયા માગતો નથી તેનો ખ્યાલ રાખો

ભારતમાં 5-જીનો પગપેસારો થઇ રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ એટલી જ ઝડપથી વિકસતું જાય છે. દેશમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ સુરક્ષા એલર્ટ પ્રાપ્ત થાય છે જે વૈશ્વિક સ્તરની સરખામણીએ ત્રણ ગણા વધારે છે. દેશમાં છ લાખ ડિજીટલી કુશળ કર્મચારીઓ છે પરંતુ માત્ર 10 ટકા લોકો પાસે સાયબર સુરક્ષાની કૌશલ્યતા છે, જ્યારે ડેટા પ્રોટેક્શન અને પ્રાયવસી કૌશલ્ય આપણા દેશમાં ખૂબ જ ઓછું છે, આવા સંજોગોમાં લોકોએ તેમની સુરક્ષા જાતે જ કરવાની છે. ઓનલાઇન સુવિધાના ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. તમને સરળ લાગતી સ્થિતિ ઘણીવાર જોખમી પુરવાર થાય છે. સાયબર ગુનેગારો આપણી સાયબર પોલીસ કરતાં વધુ ચતુર અને ઝડપી હોય છે. પળવારમાં તમારૂં બેન્ક એકાઉન્ટ ઝીરો બનાવી દેતા હોય છે. આટલી ચપળતા પોલીસ કે આપણે રાખી શકતા નથી, પરિણામે લૂંટાઇ ગયા હોવાનો અહેસાસ મોડો થાય છે અને સાયબર ગુનેગારો માલેતુજાર બનતા જાય છે. ડિજીટલ ઇન્ડિયાના અભિયાનની સાથે કેન્દ્ર સરકારે એક બુકલેટ બનાવી છે જે કોમ્પ્યુટર અને મોબાઇલ વાપરતાં લોકો માટે સલામતીનો વિશ્વાસ પેદા કરે છે. સાયબર સેફ્ટિ અને સાયબર સિક્યુરિટી અવરનેસ નામની આ પુસ્તિકા કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગે બનાવી છે. આ પુસ્તિકાની આછેરી ઝલક આ પ્રમાણે છે જે ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરતાં લોકો માટે જાણવી જરૂરી છે.

નોકરીની ઓફર મળી છે, જરા ચકાસો...

ઘણાં યુવાનો અને યુવતિઓ નોકરીની લાલચમાં તેમના રૂપિયા ગુમાવી બેસે છે. ઓનલાઇન અરજી કરીને નોકરી મેળવવાના લોભામણા ઇ-મેઇલનું ચલણ વધી ગયું છે. વ્યક્તિ પહેલાં ઓનલાઇન અરજી કરે છે પછી તેને ઓફર લેટર મોકલવામાં આવે છે પરંતુ વાસ્તવમાં યુવાન કે યુવતિ બનાવટી જોબ મેળવે છે. ઓફર લેટર પછી કૌભાંડીઓ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાનું કહે છે અને તુરત જ રૂપિયા ઉપાડી લેતા હોય છે. સાયબર નિષ્ણાંતો કહે છે કે બનાવટી ઇમેઇલને પ્રતિભાવ આપશો નહીં. રૂપિયા આપીને દુનિયામાં ક્યાંય નોકરી મળતી નથી તેનો ખ્યાલ રાખો, નોકરી માત્ર પ્રતિભા અને શિક્ષણના આધારે મળે છે. જોબ ઓફર માટે કંપનીની કાયદેસરતા ચકાસ્યા વિના આગળ વધશો નહીં. અધિકૃત જોબ ઓફર કંપનીના રજીસ્ટર્ડ ઇમેઇલથી મોકલવામાં આવે છે.

ઓનલાઇન શોપિંગમાં ખ્યાલ રાખો...

તમને ઓનલાઇન શોપિંગ કરવું ગમે છે, વાંઘો નહીં પરંતુ કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જોઇએ. તમને સસ્તું મળે છે, કોઇપણ સમયે મળે છે, પરંતુ તે ટકાઉ છે કે કેમ, બ્રાન્ડેડ છે કે કેમ તેની ચકાસણી કરવી જરૂરી છે. કાયદેસરની વેબસાઇટ અથવા તો એપ્લિકેશનની મદદથી ઓનલાઇન શોપિંગ સલામત હોય છે. ફિશિંગ મેઇલ, વોટ્સઅપ કે સોશ્યલ માધ્યમથી મોકલવામાં આવતી લિન્કનો ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં, કેમ કે ફ્રોડ લોકો તમારી ક્રેડીટ કે ડેબિટ કાર્ડની મહત્વની માહિતી મેળવીને મિનિટ્સમાં તમારૂં બેન્ક એકાઉન્ટ સાફ કરી શકે છે. ઓનલાઇન શોપિંગમાં ખાસ કરીને નિયમો અને શરતોનો અભ્યાસ કરવો આવશ્યક છે. શોપિંગ પહેલાં તમારૂં ઇન્ટરનેટ વાયરસ પ્રેરિત છે કે કેમ તેની પહેલાં ચકાસણી કરવી જોઇએ. એક જ ઉત્પાદનની કિંમતમાં મોટા ફેર હોય તો વિવિધ એપ્લિકેશન પર શોધ કરી તેને સરખાવો, કેમ કે નકલી વસ્તુ સસ્તી મળે છે. ખરીદી પછી શરતો, નિયમો, રસીદની પ્રિન્ટઆઉટ કે સ્ક્રીન શોટ મેળવી લેવો જરૂરી છે. શોપિંગ પૂર્ણ થયે વેબ બ્રાઉઝર કૂકીઝને અવશ્ય ક્લિયર કરવી જોઇએ.

ક્રેડીટ કે ડેબિટ કાર્ડની સુરક્ષા ચકાસો...

બેન્કમાંથી આવેલા કાર્ડમાં આપવામાંઆવેલો ડિફોલ્ટ પીન નંબર અવશ્ય બદલો જોઇએ કે જેથી તેનો દુરપયોગ થાય નહીં. શંકાસ્પદ કે અનધિકૃત પ્રવૃત્તિ માટે તમારા કાર્ડ એકાઉન્ટના સ્ટેટમેન્ટને નિયમિતરૂપે નિરીક્ષણ કરો. વિક્રેતા તમારા કાર્ડને કેવી રીતે સ્વાઇપ કરે છે તેની પર નજર હોવી જરૂરી છે અને ખાસ કરીને તમારી હાજરીમાં ટ્રાન્ઝેક્શન થાય તે જોવું જોઇએ. વ્યક્તિગત માહિતી પૂછતાં ઇમેઇલ કે ફોનકોલનો જવાબ આપવો જોઇએ નહીં. બેન્કો આવી માહિતી ક્યારેય પૂછતી નથી. એટીએમનો ઉપયોગ કરતાં પહેલાં ચકાસવું જોઇએ કે કાર્ડના નિવેશ પેનલમાં કોઇ વિચિત્ર વસ્તુ નથી. ક્રેડીટ કે ડેબિટ કાર્ડને એક જગ્યાએ રાખવું નહીં. કેટલાક ઠગ ઓછા વ્યાજથી લોનની ઓફર કરે છે અને તમારી માહિતી મેળવે છે અને કહે છે કે તમારી લોન મંજૂર થઇ ગઇ છે તમારે કેટલાક રૂપિયા જમા કરાવવાના છે પછી લોન તમારા ખાતામાં આવી જશે એવું કોઇ કહે તો વિશ્વાસ કરશો નહીં. બેન્ક લોન પાસ થયાનું પ્રમાણપત્ર ઓનલાઇન કદી આપતી નથી કે કોઇપણ રકમ જમા કરવાનું કહેતી નથી. બેન્કોના બનાવટી ઇમેઇલ કે ફોનકોલ્સથી સાવધાન રહેવું જોઇએ.

ફિશિંગ હુમલાથી સાવધાન રહો...

ફિશિંગ હુમલો એ અસલ જેવી જણાતી બનાવટી વેબસાઇટ તૈયાર કરવાનો છે. સોશ્યલ નેટવર્કિંગ ફિશિંગ પણ વિવિધ પ્રકારે બેન્ક અને ટ્રેડીંગ વેબસાઇટ પર કોઇ ખાસ યોજનાની ઓફર, પ્રોફાઇલ અપડેટ કરવી જેવા વિવિધ પ્રકારો છે. અપડેટ જોવા માટે વપરાશકર્તાએ કોઇ લિન્કને અનુસરવાનું હોય છે જેના મારફતે હુમલાખોરો ખાનગી માહિતી મેળવી લેતા હોય છે. સોશ્યલ મિડીયા પર અંગત માહિતી કે બેન્કની ડિટેઇલ ક્યારેય રાખવી નહીં. વિવિધ બેન્કોના કાર્ડના પાસવર્ડને ક્યારેય કોમ્પ્યુટર કે મોબાઇલમાં રાખવા નહીં. સ્પામ બ્લોક કરતાં સોફ્ટવેરને કાયમ અપડેટ રાખવા જોઇએ. ખાસ કરીને અજાણ્યા સ્ત્રોત તરફથી આવેલા ઇમેઇલ કે વોટ્સઅપ લિન્કને ક્યારેય ખોલશો નહીં. ઇમેઇલ કે લિંક શંકાસ્પદ જણાય તો તેને ડિલિટ કરી નાંખો. ગ્રામરની ભૂલો તેમજ સ્પેલિંગ ચકાસવાથી ખબર પડે છે કે તમે જે જોઇ રહ્યાં છો તે અધિકૃત છે કે બનાવટી. કૌભાંડીઓ ઇમેઇલમાં એવા ગ્રાફિક્સનો ઉપયોગ કરે છે કે તમને તે અસલ જેવી દેખાય છે. હંમેશા બ્રાઉઝરની યુઆરએલ ચકાસવી જોઇએ. આંકડાઓથી શરૂ થતી વેબસાઇટ પર તમારી માહિતી ક્યારેય મૂકશો નહીં. કાર્ડની માહિતી માગતા ઇમેઇલ કે મેસેજનો જવાબ આપવો નહીં.

લોટરી લાગી છે તેવા ઇમેઇલ ખોલવા નહીં...

તમને લોટરી લાગી છે તેવા ઇમેઇલ કે એસએમએસ ક્યારેય ખોલવા નહીં, કેમ કે તેમાં લાલચ જાગતાં તમારૂં બેન્ક એકાઉન્ટ સાફ થઇ શકે છે. કૌભાંડ કરનારા તત્વો બનાવટી ચેક, પ્રમાણપત્રોની સ્કેન કરેલી નકલ મોકલતા હોય છે. લોટરી મેળવવા માટે આ તત્વો તમને ચોક્કસ રકમ જમા કરાવવાનું કહે છે પરંતુ તેવી રકમ ક્યારેય જમા કરવી નહીં. મોટાભાગના ફ્રોડ ઇન્ડિયા બહારથી ઓપરેટ થતાં હોય છે. ખાસ કરીને ફેસબુક પર મહિલા ફ્રેન્ડ બનીને તમને આ ગેન્ગ લૂંટી લેતી હોય છે. કોઇપણ વ્યક્તિ તમને કારણ વિના એકપણ રૂપિયો આપતી નથી. તમારો મોબાઇલ નંબર પસંદ થયો છે અને તમને ઓફર કરવામાં આવે છે તેવું પણ કોઇ અધિકૃત કંપની કહેતી નથી. ખાસ કરીને નકલી ઇન્કમટેક્સ રિફંડ અને આરબીઆઇની નકલી વેબસાઇટથી આર્થિક વ્યવહારોના સંદેશા વહેતા થતાં હોય છે. સાયબર ગુનેગારો તમને મૂર્ખ બનાવીને પૈસા પડાવવા માટે તમને ફસાવતા હોય છે. ફેસબુકમાં મહિલા મિત્ર બન્યા પછી અમદાવાદના એક નામાંકિત ડોક્ટરે પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા છે.

જો તમે રૂપિયા ગુમાવ્યા છે તો...

જો તમે કોઇ અનધિકૃત વ્યવહારમાં રૂપિયા ગુમાવ્યા છે તો તમે સબંધિત બેન્કમાંથી છેલ્લા છ મહિનાના સ્ટેટમેન્ટ મેળવી લો. આક્ષેપિત વ્યવહાર બાબતના એસએમએસની કોપી ઝેરોક્સ કરાવો. એડ્રેસના પુરાવાની નકલો તૈયાર કરો. તમારી નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તમામ પુરાવા આપીને ફરિયાદ નોંધાવો. કન્ટ્રી કોડ પ્લસ-92, પ્લસ-90, પ્લસ-09 કે પ્લસ-344 પર ક્યારેય મોબાઇલમાં જવાબ આપશો નહીં કે વાત ચાલુ ન રાખશો.

મોબાઇલની સુરક્ષા કેવી રીતે કરશો...

મોબાઇલ ખરીદ્યા પછી 15 આંકડાનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (આઇએમઇઆઇ) નંબર સલામત જગ્યાએ લખીને રાખવો જરૂરી છે જે તમને ફોનમાંથી મળી જશે. ક્યારેય તમારો મોબાઇલ ખોવાઇ જાય કે ચોરી થઇ જાય ત્યારે આ નંબર તેને શોધવામાં બહું કામ લાગે છે. ક્યારેય કારણ વિના બ્યુટ્રૂથ ચાલુ રાખવું નહીં. જો ચાલુ રાખવું હોય તો તેને છૂપા મોડ પર રાખો કે જેથી બીજા કોઇ વપરાશકર્તા તેને જોઇ શકે નહીં. ઉપકરણને લોક કરવાની સુવિધાનો ઉપયોગ કરવો હિતાવહ છે. સીમ કાર્ડ લોક કરવા માટે પીનનો ઉપયોગ કરવો જોઇએ, કારણ કે ચોરી થવાના સંજોગોમાં સીમ કે મોબાઇલનો ઉપયોગ કોઇ કરી શકતું નથી. મોબાઇલની માહિતીનો હંમેશા બેકઅપ લેવો જોઇએ. કોઇને મોબાઇલ વેચવામાં આવે ત્યારે ફોનને ફેક્ટરી સેટીંગ પર સેટ કરવાનું સુનિશ્ચિત કરવું જોઇએ. હુમલાખોરો હુમલો કરવા કાયમ ઓન અને કાયમ ડિસ્કવરેબલ મોડમાં રહેતા ઉપકરણોનો ફાયદો ઉઠાવે છે.

ક્યા વાઇફાઇનો ઉપયોગ કરવો સલામત છે...

વાઇફાઇ એ વાયરલેસ ફિડેલિટી માટેનું ટૂંકુ નામ છે. વાઇફાઇ એ કોમ્પ્યુટર અને મોબાઇલ ફોનને નેટવર્કિંગથી જોડે છે. હંમેશા વિશ્વાસપાત્ર નેટવર્ક સાથે જ જોડાણ કરવું જોઇએ. જરૂર ન હોય ત્યારે વાઇફાઇને બંધ કરવું હિતાવહ છે. એટલું જ નહીં, જરૂર ન હોય ત્યારે લોકેશન મોડ બંધ કરવું જોખમોથી બચાવે છે. પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ કેમ કે તે અસુરક્ષિત પણ હોઇ શકે છે. જ્યારે મોબાઇલને કોમ્પ્યુટરથી જોડવામાં આવે છે ત્યારે એક્સટર્નલ ફોન મેમરી અને મેમરી કાર્ડને અપડેટેડ એન્ટીવાઇરસથી સ્કેન કરવો. યુઝરનેમ કે પાસવર્ડ ક્યારેય મોબાઇલ ફોનમાં રાખવો હિતાવહ નથી, કેમ કે વાઇરસ અસરગ્રસ્ત માહિતી બીજા મોબાઇલમાં સરળતાથી જતી રહે છે. ફોન ધારકે મોબાઇલ ઓપરેટીંગ સિસ્ટમને હંમેશા વિશ્વાસપાત્ર સોર્સથી અપગ્રેડ કરવી જોઇએ. કોઇપણ એપ્સ ડાઉનલોડ કરતાં પહેલાં તેની વિશિષ્ટતા જાણવી જોઇએ, કેમ કે કેટલીક લોભામણી એપ્સ તમારી અંગત માહિતીનો દુરપયોગ કરી શકે છે. કોઇપણ મોલવેરને દૂર કરવા તમારા ફોનને ફેક્ટરી સેટીંગ પર રીસેટ કરવો જોઇએ.

પાસવર્ડને પગના મોજાંની જેમ રાખો...

કોમ્પ્યુટર કે મોબાઇલ અથવા ઓનલાઇન બેન્કીંગમાં વપરાતા પાસવર્ડ પગના મોજાં જેવા હોય છે, તેને વારંવાર બદલતા રહેવું પડે છે. વર્ષોથી એકનો એક પાસવર્ડ હોય તો તે ચોરી થવાનો ભય રહે છે. પાસવર્ડમાં ક્યારેય નામ, મોબાઇલ નંબર, જન્મતારીખ, વાહનનના નંબરનો ઉપયોગ કરવો નહીં. સળંગ આંકડાઓનો પાસવર્ડ હંમેશા જોખમકારક હોય છે. અલગ એકાઉન્ટ માટે અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે. પાસવર્ડને એવી કોઇ જગ્યાએ લખવો નહીં કે તે સાર્વજનિક હોય. મોબાઇલ કે પર્સમાં તો હરગીજ રાખવો નહીં. તમારૂં મગજ તમારા પાસવર્ડને સ્ટોર કરવા માટે શ્રેષ્ઠ સ્થાન છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:41 am IST)
  • યુક્રેનિયન વિમાનને તોડી પાડવા માટે જવાબદાર 30 ઈરાની લશ્કરી જવાનો ની ધરપકડ થઈ છે. access_time 8:24 pm IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયા : કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ હમણાં જ જાહેર કર્યું છે કે કેરળમાં થી 2 શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવવા રહી છે access_time 8:00 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST