Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સરકારી મહેમાન

નર્મદા યોજના કરતાં ‘કલ્પસર’ વધુ ખર્ચાળ: પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે પણ નિશ્ચિત નથી

ગુજરાતની વસતીમાં કોઇપણ પ્રકારનું કામ નહીં કરનારનું પ્રમાણ વધી રહ્યું છે : સોલાર અને વિન્ડ તરફ ગતિ છે પરંતુ હજી ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ થતો નથી: પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓમાં આઠ વર્ષ પછી ગુણવત્તાનું પ્રમાણ વધી રહ્યું છે

ગુજરાતમાં નર્મદા યોજના જેવી બીજી મહત્વની યોજના કલ્પસર છે. કેશુભાઇ પટેલના સમયમાં શરૂ થયેલી આ યોજના હજી પણ પાપાપગલી ભરી રહી છે. યોજનાના અભ્યાસ પાછળ 350 કરોડ રૂપિયાનો ધૂમાડો થયો છે છતાં હજી નોંધપાત્ર કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે, જેનો બીજો ભાગ ભાડભૂત બેરેજ યોજના છે. ભરૂચ જિલ્લાના પણીયાદરા વચ્ચે દરિયાની ખાડીમાં મીઠા પાણીનું સરોવર બનાવવા 30 કિલોમીટર લંબાઇનો બંધ બાંધી તેમાં રાજ્યની નદીઓનું 8000 મિલિયન ઘનમીટર પાણીને દરિયામાં જતું અટકાવવાનો ઉદ્દેશ છે. એ સાથે ભાડભૂત બેરેજ બનાવી ડાયવર્ઝન કેનાલ દ્વારા નર્મદાના પાણીને યોજનાના જળાશયમાં વાળવાનું આયોજન છે. જો આ યોજના સાકાર થાય તો રાજ્યના નવ જિલ્લાના 37 તાલિકાના 10.54 લાખ હેક્ટર વિસ્તારમાં પાણીનો લાભ આપી શકાય તેમ છે. કલ્પસર બંધ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અંતરમાં 136 કિલોમીટરનો ઘટાડો પણ થવાનો છે. કલ્પસરમાં 25 અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હજી આઠ અભ્યાસ ચાલુ છે. ભાડભૂત યોજનાના આયોજનથી અંકલેશ્વર અને ભાડભૂત વચ્ચે નર્મદા નદી પર 24 કિલોમીટરનો નિયંત્રક પાળો બનવાથી 17 ગામોના પૂરથી થતાં નુકશાનને નિયંત્રિત કરી શકાશે અને આ જગ્યાએ ભારતનો સૌથી મોટો રીવરફ્રન્ટ બનશે. ભાડભૂતની યોજનામાં 4050 કરોડનો ખર્ચ થવાનો છે. કલ્પસર વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતની નર્મદા યોજનાનો કુલ ખર્ચ 75000 કરોડ થયો છે જ્યારે કલ્પસર યોજનામાં હાલના સમયે કુલ ખર્ચ 1.25 લાખ કરોડ રૂપિયા થાય તેમ છે. જો કે રાજ્યનો બીજો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે નિશ્ચિત નથી.

કામ નહીં કરતાં સૌથી વધુ લોકો ગામડામાં...

ગુજરાતમાં કેટલા લોકો કામ કરતા નથી તેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યના એક સર્વેમાં 6.11 કરોડની વસતી પૈકી 1.35 કરોડ પુરૂષો અને 2.21 કરોડ મહિલાઓ મળી કુલ 3.56 કરોડ લોકો કામ કરતા નથી. એટલે કે 55 ટકા વસતી કામ કરતી નથી, જેમાં વૃદ્ધો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કામ નહીં કરવાનું પ્રમાણ પુરૂષ કરતાં મહિલાઓમાં વધારે છે. રાજ્યના શહેરી વિસ્તારમાં 58.62 લાખ પુરૂષો અને 1.06 કરોડ મહિલાઓ કામ કરતી નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં 76.27 લાખ પુરૂષો અને 1.14 કરોડ મહિલાઓ કામ કરતી નથી. એનો સીધો મતલબ એ થયો કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં કામ નહીં કરનારા વર્ગનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 2.03 કરોડ લોકો મુખ્ય કામ કરનારા વર્ગમાં આવે છે જ્યારે 44.02 લાખ લોકો સિમાંત કામ કરનારો વર્ગ છે. રાજ્યમાં સર્વેના આંકડા કહે છે કે 70 લાખ મહિલાઓ કોઇને કોઇ કામ કરી રહી છે.

સોલાર અને વિન્ડનો પુરતો ઉપયોગ થતો નથી...

ગુજરાતમાં સરકારી નહીં પણ ખાનગી કંપનીઓ વધુ વીજ ઉત્પાદન કરી રહી છે. રાજ્યની વીજ સ્થાપિત ક્ષમતા 19555 મેગાવોટ છે જે પૈકી સરકારી વીજળી માત્ર 5517 મેગાવોટ છે જ્યારે ખાનગી વીજ ઉત્પાદન 7207 મેગાવોટ સુધી પહોંચી ગયું છે. રાજ્યના સ્વતંત્ર વીજ ઉત્પાદકો પાસેથી 2604 મેગાવોટ અને કેન્દ્રની ગ્રીડમાંથી 4227 મેગાવોટ વીજળી મળે છે. બીજી તરફ માથાદીઠ વીજ વપરાશ 1991ના 429 યુનિટથી વધીને 2007 યુનિટ થયો છે. વીજળીનો વપરાશ વધતો જાય છે ત્યારે ગુજરાત સરકારની વીજ કંપનીઓનું ઉત્પાદન સતત ઘટતું જાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવાનું બંધ કરી બિન પરંપરાગત વીજળીનો આગ્રહ રાખી સોલાર, રૂફટોપ સોલાર અને વિન્ડ પાવર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. નેશલન ઇન્સ્ટીટ્યુટ ઓફ વિન્ડ એનર્જીના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં પવન ઉર્જાની ઉત્પાદન ક્ષમતા 35000 મેગાવોટ છે જેની સામે માત્ર 6033 મેગાવોટની સ્થાપિત ક્ષમતા મેળવી શકાઇ છે. સોલાર વીજળી માટે ગુજરાતમાં 45000 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 2440 મેગાવોટ મેળવી શકાઇ છે. રૂપાણીનો પ્રયાસ સારો છે પરંતુ સોલાર અને વિન્ડમાં હજી પણ ખાનગી ઉદ્યોગોને વધારે પ્રલોભનોની જરૂરિયાત છે.

રાજ્યમાં બે લાખ ગેસ ફ્યુઅલ વાહનો છે...

ગુજરાતમાં સાબરમતી ગેસ અને ગુજરાત ગેસ મારફતે સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન તેમજ પીએનજી નેટવર્ક શરૂ કરવામાં આવેલું છે. આ બન્ને જીએસપીસીની સહયોગી કંપનીઓ છે. સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં 925 શહેરોના 11.41 લાખથી વધુ ઘરેલું ગ્રાહકો, 280 સીએનજી સ્ટેશનો, 12341 વાણિજ્યિક અને નોન કોમર્શિયલ ગ્રાહકો તેમજ 3069 ઔદ્યોગિક ગ્રાહકોને પીએનજી સપ્લાય મળે છે. આ કંપનીઓ અંદાજે 280 સીએનજી સ્ટેશનો દ્વારા ઓટોમોબાઇલ સેક્ટર માટે સીએનજી ગેસ પુરો પાડી રહી છે જે પ્રતિ દિન 2.00 લાખ વાહનો, રાજ્ય પરિવહનની બસો, કાર અને ઓટોરીક્ષાઓને ગેસ પૂરો પાડે છે.

પ્રાથમિક સ્કૂલોમાં ગુણવત્તાનું વધતું પ્રમાણ...

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધર્યું હોવાનો રાજ્યના શિક્ષણ વિભાગે દાવો કર્યો છે. આ દાવા અનુરૂપ શિક્ષણ વિભાગ કહે છે કે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ પુરૂં પાડતી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 45055 છે અને તેમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 90.12 લાખ જેટલી છે. રાજ્ય સરકાર છેલ્લા આઠ વર્ષથી ગુણોત્સવનું આયોજન કરે છે. સરકારે પહેલો ગુણોત્સવ 2009માં શરૂ કર્યો હતો. એ સમયે એ-પ્લસ ગ્રેડવાળી સ્કૂલોની સંખ્યા માત્ર પાંચ અને એ ગ્રેડવાળી સ્કૂલો 265 હતી. શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં આઠ વર્ષમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના આઠમા ગુણોત્સવમાં એ-પ્લસ ગ્રેડ ધરાવતી સ્કૂલોની સંખ્યા વધીને 3207 થઇ છે જ્યારે એ ગ્રેડની સ્કૂલોએ 22400નો આંકડો પાર કર્યો છે. શિક્ષણ વિભાગના આંકડા જો સાચા હોય તો ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં પ્રાથમિક સ્કૂલોની ગુણવત્તા સુધરી છે. શિક્ષકો અને બાળકોની હાજરી બાયોમેટ્રીક્સ પદ્ધતિથી પૂરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું હોવાથી સરકારને આશા છે કે હજી વધુમાં વધુ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધરી શકે છે.

ગુજરાતમાં કારખાનાની સ્થિતિ હજી સારી છે...

ગુજરાતના તમામ કારખાનાં (ઉદ્યોગ)ના મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે. ઉદ્યોગોની વાર્ષિક મોજણીના આંકડા પ્રમાણે રાજ્યમાં હાલની સ્થિતિએ 27,000 જેટલા મોટા અને મધ્યમ કારખાનાં છે જે 18 લાખ લોકોનો રોજગારી પુરી પાડે છે. આ કારખાનાઓમાં સ્થાયી મૂડીની રકમ 7 લાખ કરોડ રૂપિયા છે અને ઉત્પાદનનું મૂલ્ય 14 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખું મૂલ્ય ઉમેરાયું છે. આ કારખાનાં મુખ્યતેવ કોલસો, પેટ્રોલિયમ પેદાશો, રસાયણ અને રાસાયણિક પેદાશો, ફાર્માસ્યુટીકલ દવા, કાપડ, યંત્ર સામગ્રી, મૂળ ધાતુનું ઉત્પાદન તેમજ ખનીજ પેદાશોનું ઉત્પાદન કરે છે. કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કારખાનાં કાપડ ઉદ્યોગમાં આવેલા છે. આ સેક્ટરમાં ત્રણ લાખ કારીગરો કામ કરી રહ્યાં છે. આખા દેશમાં કુલ કારખાનાંની સંખ્યા 2.50 લાખ થવા જાય છે જેમાં 1.50 કરોડ લોકો રોજગાર મેળવી રહ્યાં છે. 33 લાખ કરોડ રૂપિયાની કુલ મૂડી છે જેની સામે 74 લાખ કરોડનું ઉત્પાદન મૂલ્ય નોંધાયું છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 11.45 લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખુ મૂલ્ય ઉમેરાયું છે.

સરકારી નેટધારકોની સંખ્યા માત્ર 3 લાખ...

ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને ડિજીટલ બનાવ્યું નથી, કેમ કે સમગ્ર રાજ્યના જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં ફ્રી વાઇફાઇ સુવિધા મળી નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના તાજેતરના આંકડાથી ફલિત થાય છે કે ભાજપની સરકારે 2012માં તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે કે પાંચ વર્ષના અંતે એટલે કે 2017માં આખું ગુજરાત વાઇફાઇ બની જશે પરંતુ વચનને વર્ષ પૂર્ણ થયાં છે થતાં ભાજપની સરકાર માત્ર 55 શહેરોમાં ફ્રી વાઇફાઇ ઇન્ટરનેટ સુવિધા આપી શકી છે. રાજ્યના 55 શહેરોમાં 302 જગ્યાએ ઇન્ટરનેટની ફ્રી સુવિધા લોકોને મળી રહી છે. આખા રાજ્યની 6.50 કરોડની વસતીમાં માત્ર 3 લાખ લોકો સરકારી ફ્રી ઇન્ટરનેટની સુવિધા મેળવી રહ્યાં છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ખેડબ્રહ્માથી ફ્રી વાઇફાઇ સુવિધાનો પ્રારંભ કર્યો હતો અને એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ખેડબ્રહ્મા સૌ પ્રથમ વાઇફાઇ એક્સેસ સ્થળ બન્યું છે પરંતુ તપાસ કરતાં સરકારને ખબર પડી છે કે ખેડબ્રહ્મામાં ફ્રી વાઇફાઇ સુવિધા બંધ થઇ ચૂકી છે. લોકો સરકારી ઇન્ટરનેટના સ્થાને પોતાના મોબાઇલનું નેટ વાપરી રહ્યાં છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:20 am IST)
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST