Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કાલે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાથેના સંભારણા

રાજકોટ, તા.૬: કલકત્તા ખાતે સ્થાયી થયેલ મોટા ભાઈ લાલચંદ મેઘાણીની બીમારીને કારણે ૧૯૧૮ના મે માસમાં ઝવેરચંદ મેઘાણીને ઓચિંતાનું કલકતા જવાનું થયું. કલકત્તા-રોકાણ લંબાયું ને ૧૯૧૮માં જીવણલાલ એન્ડ કંપની નામના એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. બજારમાં ફરતાં 'સાઈનબોર્ડ' વાંચીને બંગાળી ભાષા શીખ્યા. ફરજ બજાવતા બચે તે અંગત સમય દરમિયાન બંગાળી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિ સાથે પરિચય કેળવતા જઈ તેનો આસ્વાદ માણવા માંડયો. પરિણામે કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે સવિશેષ આદરભાવ કેળવાયો.

ટાગોરનું અતિ લોકપ્રિય કાવ્ય 'નવવર્ષા' કવિવરના જ સ્વમુખે ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૦માં કલકત્તા ખાતે સાંભળ્યું ને ખૂબ સ્પર્શી ગયું. હૃદયમાં સતત ઘૂંટાયા કર્યુ. ૧૯૪માં ટાગોરના નિધન પછી છેક ૧૯૪૪માં, આ કાવ્યના અનુસર્જનરૂપે, આજે પણ લોકમુખે રમતું રહેલું અતિ લોકપ્રિય અને ઝમકદાર ગીત 'મોર બની થનગાટ કરે' ('નવી વર્ષા') પ્રગટ થયું.

'કુરબાનીની કથાઓ'

૧૯૦૦માં પ્રગટ થયેલ 'કથા ઉ કાહિની' નામના કવિવર રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકમાં શીખ, રજપુત, બૌધ્ધ, મરાઠા ઈત્યાદિ તવારીખોમાંથી લીધેલા સ્વાર્પણ અને ત્યાગના સુંદર ભાવના-પ્રસંગો ઓજસ્વી કથાગીતો રૂપે આલેખાયા છે. આ પૈકી અઢાર પાણીદાર ઘટનાઓને ૧૯૨૨માં પ્રગટ થયેલ પોતાની સહુપ્રથમ કૃતિ 'કુરબાનીની કથાઓ'માં ઝવેરચંદ મેઘાણીએ ગદ્યરૂપે ઉતારી છે. ટાગોરનું ઋણ સ્વીકારતાં ઝવેરચંદ મેઘાણી નોંધે છેઃ 'આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભૂલી શકું ?'

ટાગોર સાથે મેળાપ

૧૯૩૩ના અંતમાં મુંબઈ આવેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ઝવેરચંદ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદ માણવા ખાસ ભલામણ કરનાર હતા — અગાઉ એમને સાંભળી ચૂકેલા એમના અંતરંગ સાથી અને ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝ. એ પ્રમાણે ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણી પૂર્વ-આયોજિત મુલાકાતના દિવસે નિર્ધારિત સમયે, સવારના ૭-૩૦ના ટકોરે, ટાગોરના ઉતારે — સર દોરાબજી તાતા પેલેસ પહોંચી ગયા. મુલાકાત માટે અડધા કલાકનો સમય ફાળવાયેલો હતો. શૌર્ય-શૃંગાર રસે છલકતા ગુજરાતના લોકસાહિત્યની રસપ્રદ વાતો ઉપરાંત લોકગીતો ઝવેરચંદ મેઘાણી પાસેથી સાંભળીને ટાગોરના મુખ પર પ્રસન્નતા છવાઈ. ગુજરાતનાં અને બંગાળનાં લોકગીતોના ઝવેરચંદ મેઘાણીએ રજૂ કરેલ તુલનાત્મક સમન્વયથી ટાગોર ઝૂમી ઊઠ્યા. નિર્ધારિત સમય તો કયાંય રહ્યો — તેનાથી ત્રણ ગણો સમય ટાગોરે ઝવેરચંદ મેઘાણીને માણતાં ખુશી ખુશી સાથે વિતાવ્યો !  'ના છડિયાં હથિયાર' ગાયું ત્યારે ટાગોર અને નંદલાલ બોઝ બન્નેએ કહ્યું કે, અમારે ત્યાં આવું નથી !' સાહિત્યના બેઉ મર્મી વચ્ચેનો રસસંવાદ સોળે કળાએ ખીલેલો હતો તે જ વખતે બરાબર મુલાકાત-ખંડમાં ત્રાટકયું એક વાવાઝોડું — સરોજિની નાયડુ. સાક્ષાત આકાશની વીજળી સમા એ કવયિત્રીની ટાગોર સાથે નવ વાગે મુલાકાત અગાઉથી ગોઠવાયેલી હતી !  પરિસ્થિતિને પામી જતાં એમને, જો કે, વાર ન લાગી.  'આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતાં મારો જીવ નથી ચાલતો. મારો સમય હું મેઘાણીને ફાળવું છું.' મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના બિરૂદથી નવાજયા છે તેવા ઝવેરચંદ મેઘાણીનાં રાષ્ટ્રીય-ગીતો પણ સાંભળવા ગુરૂદેવને ગમશે, એટલી છેલ્લી ભલામણ કરીને કવયિત્રી પાછાં વળી ગયાં. છૂટા પડતી વેળાએ ટાગોરે હૃદય ખોલ્યું: 'કાઠિયાવાડ ફરી આવવા દિલ તો બહુ છે; પણ હવે તો કોણ જાણે ...  પણ એમ કર : તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરીશું. જરૂર આવ તું. પણ, હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.' આ મુલાકાત પછી ટાગોરે નંદલાલ બોઝ મારફત ઝવેરચંદ મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસરનું નિમંત્રણ મોકલ્યું હતું.

શાંતિનિકેતન

૧૯૪૧માં શાંતિનિકેતન જઈને ઝવેરચંદ મેઘાણીએ આપેલાં લોકસાહિત્ય વિષેનાં એમનાં વ્યાખ્યાનોએ ત્યાં ઉપસ્થિત દેશવિદેશના સેંકડો વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા. માનપત્ર અર્પણ થયું, તેનો નમ્રભાવે સ્વીકાર કરતી વેળાના 'આ તો પ્રેમપત્ર છે' એવા  હૃદયસ્પર્શી, સ્વયંસ્ફૂર્ત ઉદ્ગાર થકી શ્રોતાઓ સહુનાં દિલ જીતી લીધાં. એ દિવસોમાં કવિવરનું સ્વાસ્થ્ય અતિ નાદુરસ્ત હતું: અશકત, પથારીવશ; 'વણેન્દ્રિયની અને ચક્ષુની શકિત ક્ષીણ થયેલી. નંદલાલ બોઝ અને ગુરુદિયાલ મલ્લિકે કહ્યું' 'ચાલો કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે; પણ તમને મળીને રાજી થશે.'  ઝવેરચંદ મેઘાણીએ કહ્યું: 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે.' બન્નેના અતિ આગ્રહને વશ થઈને ઝવેરચંદ મેઘાણી ગુરુદેવના તે વખતના નિવાસ 'શ્યામલી'નાં પગથિયાં સુધી જઈ, ત્યાંથી ચરણ-રજ લઈને પાછા ફર્યા.  'ગુરૂદેવને કહેજોઃ મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે.' ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ ટાગોરનું નિધન થતાં ઝવેરચંદ મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવભીની તેવી જ વિશિષ્ટ અંજલિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું: 'તમે કવિ હતા. 'કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરશું'. ૧૯૪૪માં કવિવરની ત્રીજી પુણ્યતિથિએ ટાગોર-કાવ્યો પર આધારિત ૬૪ રવીન્દ્ર-અનુકૃતિઓનો સંગ્રહ શ્નરવીન્દ્ર વીણાલૃ ગુજરાતીમાં પ્રગટ થયો. લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન અને સન્માન્ય વિવેચક પ્રો. ફિરોઝ સી. દાવરે આ સંગ્રહ માટે ઉચ્ચારેલા શબ્દો કેટલા મર્મગ્રાહી હતા !  ‘This is not translation. It’s transfusion.'કવિવર રવીન્દ્રનાથ ટાગોરને અંજલિરૂપે તેમનું રચિત હૃદયસ્પર્શી એક બંગાળી પદ :'નીરવ યિનિ તાઃહાર પાયે, નીરવ વીણા દિબ ધરિ'. 'મારે ગાવાનાં  ગાન સઘળાં સમાપ્ત થયે  નિઃશબ્દ મારી વીણાને હું  એ સદૈવ-નીરવને ચરણે  ધરી દઈશ.

આલેખન  પિનાકી નાનકભાઈ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો.૯૮૨૫૦૨૧૨૭૯)

(3:47 pm IST)
  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST