Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

સરકારી મહેમાન

યે તો કમાલ હો ગયા: 52 IAS અને 125 GAS કેડરના ઓફિસરોની ઘટ, 22 ડેપ્યુટેશન પર

"અભયમ" ગુજરાતમાં રોજના 2 બળાત્કાર, 3 અપહરણ, 14 મહિલા ગૂમ, છેડતીના 3 બનાવો : ટાટા નેનો કાર-- આપેલા વચન પાળ્યા નહીં, 5954 કરોડનું રોકાણ છતાં સાણંદ તરસ્યું રહ્યું છે : પાંચ વર્ષમાં 94 કરોડ ખર્ચ કર્યો છતાં રણોત્સવ અને નવરાત્રીમાં વિદેશી ટુરિસ્ટ ઓછા આવે છે

ગુજરાતના વહીવટી તંત્રમાં 52 જેટલા આઇએએસ અને 125 જીએએસ ઓફિસરોની જગ્યા ખાલી પડેલી છે. આ જગ્યાઓ પર સામાન્ય રીતે કેન્દ્ર સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ- DOPT નિયુક્તિ કરતી હોય છે. ગુજરાત સરકારમાં અધિકારીઓની ઘટના કારણે બીજા અધિકારીઓને વધારાના હવાલા આપવામાં આવે છે તેથી વહીવટમાં અસર થાય છે. હાલ રાજ્યના 22 જેટલા આઇએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર ગુજરાત બહાર વિવિધ જગ્યાએ ફરજ બજાવે છે. એટલે કે રાજ્યમાં 72 અધિકારીઓ ઓછા છે. સરકારનો સામાન્ય વહીવટ વિભાગ કહે છે કે, સીધી ભરતી એટલે કે RR પ્રમાણે આઠ અધિકારીઓની ફાળવણી પ્રક્રિયા ચાલી રહી છે. જો કે ડેપ્યુટેશન એક સરકારી પ્રક્રિયાનો ભાગ હોઇ કોઇપણ રાજ્યએ ઓફિસરોને મોકલવા પડે છે. બીજી તરફ રાજ્યની વહીવટી સેવા GAS માં મંજૂર મહેકમ પ્રમાણે 290 ઓફિસરો જોઇએ પરંતુ આ કેડરમાં ઓફિસરોની ખાલી જગ્યાનો આંકડો 125 થાય છે.

અભયમ હોવા છતાં મહિલા અત્યાચાર વધે છે...

ગુજરાતમાં 48 મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાની સલામતી માટે ટોલ ફ્રી અભયમ નંબર 181 હોવા છતાં મહિલા પરના અત્યાચારના બનાવો વધી રહ્યાં છે. રાજ્યના ગૃહ વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં મહિલા અત્યાચારના મુખ્ય બનાવો પૈકી અપહરણના 7973 બનાવો બન્યાં છે. 26907 મહિલાઓ ગૂમ થઇ છે. 5970 મહિલાઓની છેડતીની ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં પાંચ વર્ષમાં બળાત્કારની 4365 ઘટનાઓ સામે આવી છે. એટલે કે રોજની બે મહિલા પર બળાત્કાર થાય છે. રોજના ત્રણ અપહરણ થાય છે. સરેરાશ રોજની 14 મહિલાઓ ગૂમ થાય છે અને રોજના છેડતીના બનાવો ત્રણ બને છે. રાજ્યમાં એક તથ્ય એવું પણ સામે આવ્યું છે કે મહિલા પોલીસ સ્ટેશન હોવા છતાં અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ ત્યાં જતી નથી, કારણ કે ફરિયાદ કરનારી મહિલા ખુદ આરોપી હોય તેવી રીતે તેને ટ્રીટ કરવામાં આવે છે.

રોડ બનાવો ડામર વિના, લઇ જાવ ફુલ પેમેન્ટ...

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ -ગુડા- એ એક સ્કીમ બહાર પાડી છે જે આખા દેશમાં કદાચ યુનિક હશે. ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં કરવામાં આવેલા માર્ગના કામોમાં જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તેમાં ડામરનો ઉપયોગ થતો નથી અને રૂપિયા ડામરના ચૂકવાય છે. આ કોન્ટ્રાક્ટરોએ બનાવેલા ડામરના રોડમાં ડામર જ અદ્રશ્ય છે, પરિણામે ગુડાની સોસાયટીઓમાં લોકોને એવા માર્ગ મળ્યા છે જેને મ્યુઝિયમમાં મૂકી શકાશે. માત્ર કપચી અને માટીનું મિશ્રણ વાહનચાલકોની આંખમાં વાગે છે. ટાયર પણ સ્લીપ થઇ જાય એ નફામાં...ગુડાના વહીવટકર્તાને સલામ છે, જે ચીજ વપરાઇ નથી તેના બીલો બનાવીને પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આ ખૂબસુરત નજારો જોવો હોય તો ગુડા ને દરવાજે કોઇક દિવસ પધારજો...

લોકસભાની ચૂંટણી આવી રહી છે- કરો યા કરવા દો...

લોકસભાની ચૂંટણી આવી રહી છે. માર્ચના પહેલા સપ્તાહમાં ભારતનું ચૂંટણી પંચ તબક્કાવાર ચૂંટણીઓ જાહેર કરશે. જે દિવસે જાહેરાત થશે તે દિવસથી આખા દેશમાં આચાર સંહિતાનો અમલ કરવો પડશે. એટલે કે કેન્દ્ર કે રાજ્ય- કોઇ સરકાર જનતાને લોભામણી કોઇ જાહેરાત કરી શકશે નહીં. ગુજરાત સરકાર પાસે પણ માંડ દસ દિવસ બચ્યાં છે. રાજ્યમાં હજી વહીવટી તંત્રની બદલીઓ કરવાની બાકી છે. જેમના બદલીના ઓર્ડર થયા નથી તેમને દસ દિવસની રાહ જોવાની છે, કેમ કે તે પછી ચૂંટણી પંચ બદલીઓની ફાઇલ હાથ પર લેવાનું છે. પંચે તો રાજ્ય સરકારોને ચેતવણી આપી દીધી છે કે 28ની ફેબ્રુઆરી અંતિમ તારીખ છે. એ પછી સરકાર ચૂંટણી પંચની મંજૂરી વિના બદલીના કોઇ ઓર્ડર કરી શકશે નહીં.

ખનીજ ચોરી- ડ્રોન ઉડાવો તો પણ રોકાશે નહીં...

ગુજરાતમાં વિવિધ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરવામાં આવે છે. ખાસ કરીને નદીની રેતીમાં સૌથી વધુ ગેરકાયદે ખોદાણ થાય છે. સરકાર દંડ વસૂલ કરે છે અને ફરી પાછું કૌભાંડ થઇ જાય છે. છેલ્લા પાંચ વર્ષનો હિસ્ટ્રી જોઇએ તો ખનીજ વિભાગે 34000 જેટલા કેસ કર્યા છે. આ કેસોની સંખ્યા દર વર્ષે સરેરાશ 7000ની આસપાસ છે. સરકારે પાંચ વર્ષમાં 225 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. રૂપાણી સરકારે ખનીજોના ગેરકાયદે ખનનને રોકવા માટે ખનીજ વિસ્તારમાં ડ્રોન કેમેરા ઉડાડ્યા છે. સરકારનો દાવો છે કે તેનાથી ચોરી પકડાઇ જાય છે, પરંતુ સરકાર એ પણ જાણે છે કે ચોર ને ચાર આંખ હોય છે. પહેરો લગાવો કે કેમેરા ગોઠવો ચાલાકી સામે બધું નકામું છે.

ટાટા સામે પગલાં નહીં લઇ શકાય- તેવું ઠરાવ કહે છે...

ટાટા મોટર્સની સિંગુર થી સાણંદની સફર ગુજરાત માટે મોંઘી સાબિત થઇ છે. 2008માં એક લાખ રૂપિયાની નેનો કાર ગુજરાતમાં બનશે તેનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. સરકારે મોટા ઉપાડે સાણંદની 1100 એકર જમીન ટાટાને મફતના ભાવમાં આપી દીધી હતી. એટલું જ નહીં બીજા હજારો કરોડના ઇન્સેન્ટીવ અને લોનની સુવિધા કરી આપી હતી. એ વખતે જે કરાર થયા હતા તેમાં એક એવી પણ શરત હતી કે કંપની સામે સરકાર શરતભંગના કોઇપણ જાતના પગલાં લઇ શકશે નહીં. વાત છે નેનો કારની— તો કંપનીએ સાણંદમાં 5954 કરોડનું મૂડીરોકાણ કર્યું છે, જેની સામે કંપનીએ પાંચ વર્ષમાં 71,083 નેનો કાર બનાવી છે. જો કે દાવો કર્યો હતો કે પહેલા સ્ટેજમાં વર્ષે 2.50 લાખ અને બીજા સ્ટેજમાં 5 લાખ નેનો બનશે. ગુજરાત મેં એક સૌદા ઐસા ભી હુઆ હૈ!

રણોત્સવ અને નવરાત્રીમાં વિદેશીઓ ઓછા આવે છે...

ગુજરાતમાં સરકાર દર વર્ષે ઉત્સવો કરે છે પરંતુ વળતર મળતું નથી. સરકારનો આશય વિદેશી ટુરિસ્ટને એકત્ર કરવાનો હોય છે પરંતુ આ ઉત્સવોમાં ટારગેટ પ્રમાણે વિદેશી ટુરિસ્ટ આવતા નથી. રાજ્યમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રી એમ ત્રણ ઉત્સવોમાં સરકારે પાંચ વર્ષમાં 94.18 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેની સામે પાંચ વર્ષમાં રણોત્સવમાં માત્ર 38, પતંગોત્સવમાં 430 અને નવરાત્રીમાં માત્ર 65 વિદેશી પ્રવાસીઓ આવ્યાં છે. આ વિદેશીઓ માટે સરકારે છ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ત્રણ ઉત્સવોની ઉજવણીમાં ગુજરાતી પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. સરકારના વિદેશી પ્રવાસીઓને ખેંચી લાવવાના પ્રયાસો સફળ રહ્યાં નથી, એ ટુરિઝમ વિભાગના આંકડા બતાવી જાય છે.

સરકારની વીજ ડ્યુટીનો આંકડો વર્ષે 4000 કરોડ...

ગુજરાતમાં લોકોને વીજડ્યુટીમાં રાહત આપવામાં આવે તો હજારો નવા ઉદ્યોગો સ્થપાઇ શકે છે. રાજ્યમાં બેકારીનો પ્રશ્ન પણ હલ થઇ શકે, કેમ કે રાજ્ય સરકાર પ્રતિવર્ષ સરેરાશ 4000 કરોડ રૂપિયા માત્ર વીજ ડ્યુટીમાંથી ઉઘરાવે છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રેસિડેન્ટ વિસ્તારોના વીજ ગ્રાહકોએ તેમના વીજબીલમાં 4949 કરોડ રૂપિયાની ડ્યુટી ભરી છે. એવી જ રીતે ઉદ્યોગોએ જે ડ્યુટી ભરી છે તેનો આંકડો જોઇએ તો રાજ્યમાં 2000 કરતાં વધુ નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવે તેમ છે. ઉદ્યોગોની વીજડ્યુટીનો પાંચ વર્ષનો આંકડો 15337 કરોડ રૂપિયા થવા જાય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

(8:46 am IST)
  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST