Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સરકારી મહેમાન

અમદાવાદનો રિયલ ‘રાંચો’ એટલે રણછોડલાલ છોટાલાલ: ‘બાબુમાંથી બિઝનેસમેન’ બન્યા હતા

ડાકોરજીના ધામમાં જન્મ થયો એટલે ઇશ્વરના આશીર્વાદ મળ્યા કહી પિતાએ ‘રણછોડ’ કહ્યો : અમદાવાદને ‘ભારતનું માન્ચેસ્ટર’ બનાવવાનું ગૌરવ રાવ બહાદુર રણછોડલાલ ને જાય છે : મ્યુનિસિપાલિટીમાં તેમના ડ્રેનેજ, સ્વચ્છતા અને પાણીના સુધારાઓ બ્રિટનમાં વખણાયા હતા

એક સમય હતો જ્યારે અમદાવાદમાં 81 મિલો ધમધમતી હતી જેમાં પહેલી કાપડની મિલના સ્થાપક એવા રણછોડલાલ છોટાલાલને આજે પણ લોકો યાદ કરે છે. તેમણે 20 વર્ષ સુધી જકાત અને દફતર ખાતામાં નોકરી કરી હતી. સમાચારપત્રો, પુસ્તકો અને નિષ્ણાંતો પાસેથી જ્ઞાન મેળવીને તેમણે કાપડ મિલનું પ્રયોજન કર્યું હતું અને તેના માટે બ્રિટનથી મશીનરી મંગાવી હતી પરંતુ ભારત આવતાં પહેલાં ખંભાતના દરિયામાં ડૂબી ગઇ અને તેમનો ઇજનેર કોલેરામાં મૃત્યુ પામ્યો હોવા છતાં હિંમત હાર્યા વિના પ્રયાસ ચાલુ રાખ્યા અને શાહપુરમાં ભાવિ માન્ચેસ્ટરનો પાયો નાંખ્યો હતો. કોઇએ લખ્યું છે કે આ જહાજ ડૂબી ગયું ન હોત તો ભારતની પહેલી મિલ મુંબઇમાં નહીં અમદાવાદમાં સ્થપાઇ હોત. આ મિલ માટે ખંભાતમાંથી 200 ગાડાં ભરીને મશીનરી અમદાવાદમાં લાવવામાં આવી હતી.

એક અખબારે લખ્યું -- બાબુ બન ગયા બિઝનેસમેન...

રણછોડલાલ એ અમદાવાદનો રિયલ રાંચો હતો. એક અખબારે લખ્યું હતું કે બાબુ બન ગયા બિઝનેસમેન... તેમને ગુજરાતમાં મિલ ઉદ્યોગના જનક કહેવામાં આવે છે. અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરનો ખિતાબ આપ્યો હતો. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમણે માતબર રકમ દાનમાં આપી હતી. રાવ બહાદુરે 1959ના વર્ષમાં અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપના કરી હતી અને આ કંપનીએ 1861માં 30મી મે ના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી. બેરોનેટ ઉદયન ચીનુભાઇના પૂર્વજ રણછોડલાલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ હતા. પ્રમુખપદે તેમણે કરેલા ઉમદા કાર્યો આજના કોર્પોરેટરો માટે અનુકરણિય છે.

શહેરની વસતી ગીચતા દૂર કરવા માગતા હતા...

રણછોડલાલે અમદાવાદની સુખાકારીમાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે. ભગવાનલાલ બાહશાહે 1899માં લખેલા પુસ્તકમાં ઉલ્લેખ છે કે રાવ બહાદુરને સરકારે 1985માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનાવ્યા હતા. એ સમયે તેઓ ગુજરાતમાં સૌથી વધુ ધનવાન વ્યક્તિ હતા. લોકોની તંદુરસ્તી જાળવવા માટે તેમણે શહેરનું ગંદુ પાણી ડ્રેનેજથી બહાર લઇ જવાની, શહેરના લોકોને શુદ્ધ પાણી આપવાની તેમજ શહેરીની ગીચતા ઓછી કરવાના પ્રયાસો કર્યા હતા. એ જમાનામાં તેમણે એવું સૂચન કર્યું હતું કે અમદાવાદ શહેરની નજીક કાંકરિયા તળાવ આવેલું છે તેનું પાણી પીવામાં ઉપયોગ કરી શકાય તેમ છે. રાવ બહાદુરે 1883માં નોંધ કરી હતી કે લંડનની વસતી એક એકરે 52 અને મુંબઇની વસતી એક એકરે 49 લોકોની છે જ્યારે અમદાવાદ વસતી એક એકરે 88 લોકોની છે. શહેરની વસતી ગીચતા દૂર કરવાના તેઓ કટ્ટર હિમાયતી હતા. તેમણે તેમના પગલાં દ્વારા પ્લેગની બિમારીને અમદાવાદમાં પ્રવેશવા દીધી ન હતી.

અમદાવાદ 1 મિલ થી 81 મિલોની સફરનું સાક્ષી...

ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને શ્રેષ્ઠીઓએ અમદાવાદને નવી ઓળખ ભારતના માન્ચેસ્ટરની આપી હતી. અમદાવાદ જેના નામ સાથે જોડાયું હતું કે ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર શહેર એના સુતરાઉ કાપડ માટે વિશ્વભરમાં જાણીતું હતું. મર્સી નદીના કિનારે આ શહેર વસ્યું હતું જ્યારે અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું શહેર છે. બન્ને શહેરોની હવા સુતરાઉ કાપડ માટે માફક આવતી હતી. અમદાવાદમાં એક તરફ મજૂરવર્ગ અને બીજી તરફ કપડાંના વેપારીઓ એમ બે ભાગ પડી ગયા હતા. અમદાવાદની પહેલી ટેક્સટાઇલ મિલના સ્થાપક રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ એટલે કે રણછોડલાલ રેંટિયાવાળા હતા. રણછોડલાલે પહેલી મિલ સ્થાપ્યા પછી અમદાવાદમાં ધડાધડ 33 ટેક્સટાઇલ મિલો સ્થપાઇ હતી જે આંકડો 81 સુધી પહોંચી ગયો હતો. મિલના કાળાં ધૂમાડા ઓકતી ચીમનીઓ અમદાવાદની ઓળખ બની ચૂકી હતી.

ગુજરાતની સાઠોદરા નાગર જ્ઞાતિના હતા...

રાવ બહાદુરના સંસ્મરણોનું એક પુસ્તક ઇન્ડિયન સિવિલ સર્વિસિઝના અધિકારી એસએમ એડવર્સ એ લખ્યું હતું જેમાં જણાવાયું હતું કે રણછોડલાલ એવી કોમમાંથી આવતા હતા કે જે કોમની મૂળભૂત વૃત્તિ અને પ્રણાલિકા સરકારી નોકરી કરવાની હતી. ગુજરાતની સાઠોદરા નાગર જ્ઞાતિ, જેમાં દયારામ, છોટમ, વ્રજલાલ શાસ્ત્રી, હરિલાલ ધ્રુવ, કેશવલાલ ધ્રુવ, મણિલાલ દ્વિવેદી, મસ્તકવિ બાલાશંકર કંથારિયા, નર્મદાશંકર મહેતા, રત્નમણિરાવ જોટે 'મલયાનિલ', યશોધર મહેતા, હરિપ્રસાદ શાસ્ત્રી જેવા સાહિત્ય અને વિદ્યાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા તેમજ બ્રિટિશ હકુમતમાં ને તેની પહેલાં અને પછીના રજવાડાંમાં રાજકારભારમાં દિવાન પદ સુધીના ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરી જનારા મહાનુભાવોના પૂર્વજ રણછોડલાલ હતા, જેમને ભાલે કાપડ મિલ ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં ગુજરાતમાં પહેલ કરી સિદ્ધિ મેળવવાનું શ્રેય લખાયેલું છે.

તપસ્વીએ કહ્યું સાત પેઢીમાં જાહોજલાલી રહેશે...

રણછોડલાલના જન્મ બાબતમાં પણ એવું કહેવાય છે કે તેમનો જન્મ માતપિતાની પાછલી અવસ્થામાં ગિરનારની યાત્રા દરમિયાન એક તપસ્વીના આશીર્વાદને કારણે થયો હતો. રણછોડલાલના દાદી પાટણમાં સતી થયેલા અને ચિતા પર ચઢતી વખતે પોતાના દીકરા છોટાલાલને કહેલું કે તારી સાત પેઢીમાં જાહોજલાલી રહેશે. પાટણ જતાં રસ્તામાં ડાકોરજા દર્શન કરવા છોટાલાલ ફેમિલી ગયું ત્યારે ત્યાં તેમની પત્નીએ 29મી એપ્રિલ 1932ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. દીકરો ડાકોરમાં જન્મે એટલે રણછોડરાયની કૃપા એમ સમજી આ પુત્રનું નામ રણછોડલાલ પાડવામાં આવ્યું હતું. 1828 સુધી છોટાલાલે પાટણમાં નિવાસ કર્યો અને રણછોડલાલ જ્યારે છ વરસની ઉંમરના હતા ત્યારે ગાયકવાડી રાજ્યની  બ્રિટિશ હકૂમતે કબજે લીધેલા અમરેલી ખાતે લશ્કરના પગાર અધિકારી એટલે કે બક્ષી તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એપ્રિલ 1832 સુધી ચાલી. દરમિયાન છોટાલાલે અમદાવાદમાં દેસાઇની પોળમાં મકાન ખરીદ્યું હતું. 1841 પછી તેઓ વડોદરા જઈને સ્થાયી થયા હતા.

ગુજરાતી, સંસ્કૃત, પર્શિયન, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ...

રણછોડલાલનું બાળપણ સામાન્ય રહ્યું છે. મોટી ઉંમરે છોટાલાલના ઘરમાં દીકરો પ્રાપ્ત થયો હોવાથી તેઓ લાડકોડમાં ઉછર્યા હતા. રણછોડલાલના શિક્ષણની શરૂઆત અમરેલીની એક ખાનગી સ્કૂલમાં છ વરસની ઉંમરે થઇ હતી, ત્યારબાદ અમદાવાદમાં તુળજારામ માસ્તરની નિશાળમાં ગુજરાતી અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ તો કર્યો જ પણ એમના પિતાની દોરવણી હેઠળ પર્શિયન ભાષા પણ તેઓ ભણ્યા હતા. દેવોની ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત બિંદુ વ્યાસ પાસે ભણ્યા. આગળ જતાં અંગ્રેજી શીખવા માટે એક પોર્ટુગીઝ સ્કૂલમાં અને ત્યારબાદ ટ્યુશન રાખીને એમણે આ ભાષાનો અભ્યાસ હાથ ધર્યો. આમ રણછોડલાલે ગુજરાતી, સંસ્કૃત, પર્શિયન અને અંગ્રેજી ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. માત્ર આઠ વરસની નાની ઉંમરે એમને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવ્યા અને એ જ વરસે બાપુજી મનસુખરામ જે અમદાવાદના સદર અમીનના હોદ્દે કાર્યરત હતા એવા અત્યંત ધનિક વ્યક્તિની પુત્રી જેઠીબા સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. નાની ઉંમરે જેઠીબા એક તેજસ્વી અને બુદ્ધિમાન હતા. અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતી આ તરુણી નિયમિત દેવદર્શને જતી અને મફત દવાઓ અને ખાધાખોરાકીની ચીજવસ્તુઓ તેમજ કપડાં વગેરેનું દાન કરતી હતી.

10 રૂપિયાનો પગાર છેલ્લે 150 રૂપિયા થયો હતો...

ક્યારેક જીવનમાં અણગમતી ઘટના બને તો પણ એને ઇશ્વરની ઇચ્છા સમજી માથે ચડાવવાની રણછોડલાલની સ્થિતપ્રજ્ઞતા કાબિલે તારીફ હતી. માસિક રૂપિયા 10ના પગારે કસ્ટમ ખાતામાં તેમણે નોકરીની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી માસિક 20 રૂપિયા મળતા હતા. તેઓ જ્યારે દફતરદાર બન્યા ત્યારે તેમનો પગાલ મહિને 150 રૂપિયા થયો હતો. ખંત, નિષ્ઠા અને કાર્યદક્ષતા ધ્યાને આવતાં અંગ્રેજ ઉપરી અધિકારીના ધ્યાનમાં આવ્યા હતા. સરકારી નોકરીમાં જીવન વિતાવવું તેમને ગમ્યું નહીં. તેમને ઇંગ્લેન્ડની માફક યંત્રસંચાથી ભારતમાં ઉદ્યોગ સ્થાપવાના વિચાર આવતા હતા. તેમણે તેમના મિત્ર મેજર ફુલ જેમ્સની મદદથી ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગની માહિતી ભેગી કરી હતી.

અમદાવાદના ઉદ્યોગપતિઓ મિલ શરૂ કરવા પ્રેરાયા...

રણછોડલાલે 1861માં પહેલી, 1872માં બીજી, 1877માં ત્રીજી મિલ શરૂ કરી હતી. એમની સફળતાથી પ્રેરાઇને અમદાવાદનાં શ્રીમંતો એક પછી એક આ ઉદ્યોગમાં પડવા માંડ્યા. જોત જોતાંમાં અમદાવાદ મુંબઇ પછી દેશનું બીજા નંબરનું ઔદ્યોગિક શહેર બની ચૂક્યું હતું. અમદાવાદના ભારતના માન્ચેસ્ટરનો ઇલકાબ અપાવવાનું શ્રેય રણછોડલાલને જાય છે. સમૃદ્ધ બનેલા અમદાવાદમાં રણછોડલાલે ત્રણ પેઢી જોઇ હતી. એક સમયે કેટલાક અમદાવાદીઓને રણછોડલાલની સુધારવાદી નીતિ સામે વાંઘો હતો. મ્યુનિસિપાલિટીની બેઠકમાં તેમનો હુરિયો પણ બોલાવવામાં આવતો હતો. એક સમયે ઉશ્કેરાયેલી ભીડે તેમની પર પથ્થરમારો કર્યો હતો પરંતુ ઘોડેશ્વાર પોલીસ તેમને બચાવીને ઘર સુધી લઇ ગઇ હતી. આજે અમદાવાદમાં ડ્રેનેજ અને પાણી માટેના નળ એ રણછોડલાલે વાવેલું બીજ છે. લંડનની સેનેટરી કોન્ફરન્સમાં તેમના સ્વચ્છતાના કાર્યોની નોંધ લેવામાં આવી હતી. 1896માં ભારતમાં ઉત્પાદિત થયેલા સુતરાઉ માલસામાન પર નાંખવામાં આવેલી કાઉન્ટર વેલિંગ ડ્યુટીનો તેમણે વિરોધ કર્યો હતો. આ સાથે 1884-85માં નિમાયેલા ઇન્ડિયન ફેક્ટરી કમિશન દ્વારા સૂચવવામાં આવેલા ફેક્ટરી એક્ટમાં સુધારાઓનો પણ વિરોધ કર્યો હતો. બ્રિટીશ સરકાર દ્વારા આપવામાં આવેલા માન અને સન્માન છતાં પોતાના દેશવાસીઓની આશા અને અપેક્ષાઓ પ્રત્યે તેમની સહાનુભૂતિ રહેતી હતી.

માત્ર મિલ માલિક નહીં, સેવાના ભેખધારી પણ બન્યાં...

યશોધર મહેતાના શબ્દોમાં કહીએ તો, 'રણછોડલાલ મિલમાં ય જતાં, મ્યુનિસિપાલિટીમાં ય જતાં ને પ્રાર્થના સમાજમાં ય જતાં હતા. મિલનો ઉદ્યોગ ફાલ્યો અને ફળ્યો. મ્યુનિસિપાલિટીમાં તેમનું નામ ન ભૂલાય તેમ લખાયું. પ્રાર્થના સમાજમાં તે ભાષણો આપતા પણ ઘેર આવીને પંચાયતન દેવોની પૂજા કરતા હતા. છેવટે તે ધારાસભામાં પણ ગયા. ઘરમાં નિત્ય દેવપૂજા-મૂર્તિપૂજા કરતા, પણ એક વખત દેવ અને પૂજાના પાત્રો ચોરાઈ ગયા ત્યાર પછી આવી બાહ્યપૂજા એમણે જીવનના છેલ્લા વર્ષોમાં છોડી દીધી હતી. આમ છતાં ભોજન પહેલાં નિત્ય સંધ્યાવંદન અને વૈશ્યદેવનું બ્રાહ્મણોચિત આહ્નીક શરીર ચાલ્યું ત્યાં સુધી કરતા રહ્યા. તેમણે દેશભરમાં અનેક તીર્થસ્થાનોની જાત્રાઓ કરી અને તીર્થસ્થાનોએ યાત્રાળુઓ માટે મોટા ઘાટ બંધાવ્યા. અમદાવાદની 110 વર્ષ જૂની આરસી ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટનું નામ જેમના પરથી પડ્યું છે તે રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ 26મી ઓક્ટોબર 1898ના રોજ અવસાન પામ્યા હતા.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:20 am IST)
  • બગસરા નગરપાલિકામાં ભાજપના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો:પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા access_time 9:19 pm IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST