Gujarati News

Gujarati News

News of Monday, 24th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

સૂર્યાસ્તની તૈયારી હતી. તેને જોતા આચાર્યશ્રી એક વૃક્ષ નીચે બેઠા હતા. અમે તેમની પાસે ગયાં. તેમની આંખો કરૂણાભરી હતી. તેમણે સૂર્ય તરફ ઇશારો કરી કહ્યું, ''સૂર્યાસ્તની જેમ જ આજે ધર્મ પણ અસ્ત થઇ રહ્યા છે. મનુષ્યના બધાં દુઃખોના  મૂળમાં આ જ દૂર્ઘટના છે.''

સૂર્ય ડૂબ્યો અને તેમની હૃદયવેદનાથી છુપાયેલી વાણીએ તે સાંજને ઘણી ઉદાસ કરી મૂકી. અમે કાંઇ બોલી ન શકયાં. ચૂપ રહ્યાં. તેઓ ફરી બોલ્યા, પણ અમારી સાથે નહીં. પોતે જ પોતાની સાથે બોલતા હોય એમ અમને લાગ્યું.

તેમણે કહ્યું, ''અને કારણ, સદ્ધર્મ નથી, તે છે.  ધર્મ અને શુભની શકિતઓ એક નથી. એટલે અપરાજેય ધર્મ અધર્મ સામે હારેલો દેખાય છે. આથી વધુ હાનિ આપણને કશાથી નથી થઇ. આજ સુધી આ ચાલ્યું પણ હવે વધુ વખત નહીં ચાલે. માનવ જીવનમાં એક એવી ક્ષણ આવી લાગી છે કે શુભ અને સત્યની બધી શકિતઓ ભેગી થશે અથવા તો માનવતાનો નાશ થશે. અશુભ સાથેના આ અંતિમ અને નિર્ણયક યુદ્ધમાં શુભની બધી શકિતઓ ભેગી થઇને જ સફળતાની આશા રાખી શકશે.''

આ વિચારે અમારાં હૃદય ઘેરી લીધાં. અમને એ સાચું લાગ્યું. ધર્મના નામે ધર્મનો સંઘર્ષ ઘણો  અજુકતો લાગે છે. ધર્મોમાં વિરોધ હોય. એ અસંભવ હોવું જોઇએ. પણ અત્યારે એથી ઊલટું છે. તેમનામાં મેળ જ અસંભવ છે. ધર્મોની વાતને બાજુએ રાખો, એક જ ધર્મના પંથો અને સંપ્રદાયોમાં જે વેરઝેર અને ઊંચાં મન છે. વૈમનસ્ય છે, તેથી ખૂબ નવાઇ લાગે છે. જરૂર કયાંક કોઇ પાયાની ભૂલ છે.

મેં તેમને પૂછયૂં, ''જેને કારણે એકબીજા ધર્મમાં વિરોધ છે તેનાં મૂળમાં શું છે ?''

તેમણે કહ્યું, ''અહંકાર, કેવળ અહંકાર! ધર્મનો ધર્મ સાથે કોઇ વિરોધ નથી. વિરોધ તો કહેવાતા ધર્માનુયાયીઓની અહંતામાં છે. અહંકાર જ લડે-લડાવે છે. તેથી જ એક ધર્મના અનુયાયી પણ અનેક અહંતાનાં કેન્દ્રો રચી જુદા પડેછે. સંસારમાં બધી જુદાઇ-વિરોધનું કેન્દ્ર તથા કારણ અહંકાર જ છે. બધા મેળ અને પ્રેમનું કારણ અહંનો ત્યાગ છે. ખરૂ પૂછો તો અહં જ અધર્મ છે. ધર્મ ઝઘડતા નથી. ધર્માનુયાયીમાં જે અધર્મ છે, તે લડાવે છે. જયાં સુધી ધાર્મિકતા જીવનથી નહીં, પણ જન્મથી નકકી થઇ થશે ત્યાં સુધી આ સ્વાભાવિક જ છે. ધર્મના ધાર્મિક ઘડતર વિના જ લોક ધાર્મિક બની જાય છે. એ જ બધા ઉપદ્રવનું મૂળ છે. જો ધર્મનો નિર્ણય જન્મથી ન હોત, અને જીવનથી હોત તો ધર્મના નામે થયેલ કલંકોમાંથી ઇતિહાસ મુકત રહે. જેમને માટે ધર્મ જીવિત અનુબળ નથી, તેઓ જ અપરિષ્કૃત વ્યકિતઓ ધર્મોમાં રહેલા ખાડાને ખોદનાર છે.''

તેઓ થોડીવાર શાંત રહ્યા, ફરી બોલ્યા, ''બહારની અધાર્મિક વ્યકિતઓ ધર્મની કોઇ હાનિ નથી કરતી. પણ અંદરથી અધાર્મિક વ્યકિતઓ જ નુકશાન કરે છે, ધર્મમાં સંકટ હંમેશા અંદરનું જ છે. જો કે અજ્ઞાનતાને કારણે માણસો હંમેશા તેને બહારનું માને છે. તેથી જ તેઓએ બહારથી રક્ષણ ઊભું કર્યું  અને અંદર માટે નિશ્ચિ રહ્યા. મને લાગે છે. કે બહાર કોઇ દુશ્મન જ ન હતા. તેથી અંદરના દુશ્મનોએ અંતે ધર્મોનો નાશ કર્યો. અંદરના અધાર્મિક માણસો ધર્મને સાધનાની જેમ નહીં પણ એક સંગઠનની  જેમ પકડીને ચાલ્યા ત્યારથી તેઓ ક્રમે ક્રમે તેને એક સામાજિક અને રાજનૈતિક રૂપ આપવામાં સફળ થયા અને તેમની સફળતા જ ધર્મની નિષ્ફળતા થઇ.

''ધર્મ સંગઠન નથી. સંગઠન માત્ર, કોઇના વિરોધમાં ઊભાં થયા છે. ધૃણા તેમનો પ્રાણ છે. વિરોધ અને વેર-ઝેર વિના તે જીવી ન શકે. ધર્મ તો સાધના છે. તે તો પોતાના જીવન-પરિવર્તનનું વિજ્ઞાન છે. તેનો સંબંધ સમૂહ સાથે નથી, વ્યકિત સાથે જ છે. તેથી જ બધા ધર્મ, સંગઠનના રૂપમાં એકબીજાના વિરોધી છે પણ સાધનાની દૃષ્ટિએ એક જ સત્ય સુધી પહોંચાડવાનો સહયોગી માર્ગ છે.''

વચ્ચે જ કેટલાક બીજા માણસો આવ્યા હતા. તેઓમાંથી એક પૂછયું, ''તમે બધા ધર્મીને સમાન અને એક કહો છો?''

તેઓ હસ્યા અને કહ્યું, ''ધર્મ તો એકજ છે. સત્ય એકજ હોઇ શકે, પણ એ એક સત્ય સુધી (તે પરમ અનુભૂતિ સુધી) પહોંચવાના માર્ગ અનેક હોઇ શકે. ખરી રીતે તો જેટલા પહોંચનાર છે, તેટલા દરેકે પોતાનો માર્ગ કરવાનો રહે છે. તૈયાર રસ્તા નથી, જે જયાં છે તેણે ત્યાંથી શરૂઆત કરવાની છે. એકના જેવી શરૂઆત બીજાની ન હોઇ શકે. પ્રારંભ જુદા પણ અંત સૌનો એક જ છ ે. વ્યકિતગત ચિત્ત જુદાં છે; તેથી જ પ્રારંભ ભિન્ન છે. ધર્મ એક છે. તેથી જ અંત સમાન છે.

ધર્મોમાં ભિન્નતા એ ધર્મની નથી. આપણા વ્યકિતત્વની ભિન્નતા છે. એ જ સંપ્રદાયોની ઉત્પત્તિનું કારણ છે. સંપ્રાદાય સત્યને કારણે નહીં, આપણે લીધે જુદા છે. પણ યાદ રાખો કે જુદા પડવું એટલે વિરોધી થવું એમ નથી. એક જ સ્થળે પહોંચવાના રસ્તા જુદા હોઇ શકે તેથી તેઓ  વિરોધી છે એમ ન કહેવાય. બલ્કે તેમને સહયોગી કહેવા જોઇએ, કારણ તેઓ એક જ સ્થળે પહોંચાડે છે.ધર્મના સંપ્રદાયોને આ સહયોગનો બોધ થાય તો ખુબ સારૂ ફળ આપે.''

રાત્રિ થઇ, અંધારૂ ઘેરાયું, આકાશમાં કેટલાંક તારા ચમકયા. તેમણે કહ્યું ''જેમ તારા ભિન્ન છે પણ તેમાંથી નીકળતો પ્રકાશ એક છેતેમ જ સંપ્રદાય ભિન્ન છે પણ તેમાં જે ધર્મ છેે, તે એક જ છે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:04 am IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ :પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST