Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ધંધુકાની વિશેષ અદાલતમાં ઝવેરચંદ મેઘાણીએ 'સિંધુડો'માંથી કાવ્યનું ગાયન કર્યુ'તું

અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ — ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ — ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 'સિંધુડો'માંથી  'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ' ('છેલ્લી પ્રાર્થના') ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત વિશાળ માનવ મેદની તથા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની થઈ. ઝવેરચંદ મેઘાણીને ૨ વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રખાયા. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.     મહાત્મા ગાંધીએ વાઇસરોયને ખાસ પત્ર લખીને ધ્યાન દોર્યુ હતું : 'ગુનો કર્યાનું કહેવાય છે તે સમયે તો કવિ રાણપુરમાં પોતાને ઘર ઘસઘસાટ ઊંઘતા હતા.'એ સમયે 'ડાક બંગલા'તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં 'રેસ્ટ-હાઉસ'માં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં ૨૦૧૧માં 'મેઘાણી ઓટલો'પ્રસ્થાપિત થયો છે. આ ઐતિહાસિક ઘટનાને નિરૂપતું માહિતીસભર પ્રદર્શન તથા ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર અને હસ્તાક્ષર કોતરેલી કાળા ગ્રેનાઈટમાં સોનેરી અક્ષરોવાળી આકર્ષક તકતી પણ ૨૦૧૩માં પ્રસ્થાપિત થયાં છે. આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ પ્રસંગની ૮૮મી જયંતી છે ત્યારે ર્ીંશૌર્યભૂમિ' ધંધુકા સ્થિત આ ઐતિહાસિક સ્થળ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.   

સમર્થ સાહિત્યકાર-સંશોધક, સ્વાતંત્ર-સેનાની તેમ જ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. એમનાં રચિત  શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટીશ સરકાર પણ ચોંકી ગઈ હતી. મહાત્મા ગાંધીએ એમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવપૂર્ણ બિરુદથી નવાજયા હતા.

બરવાળા મહાજનના આગેવાન ભાઈઓની ધરપકડ કરીને અંગ્રેજ સરકારની પોલીસે ધંધુકા ખાતે અટકમાં રાખ્યા હતા. ઝવેરચંદ મેઘાણી આ ભાઈનોને મળવા અને તેમને અભિનંદવા ધંધુકા પહોચ્યા અને બરવાળાની અદભુત જાગૃતિની અનેક વાતો કરીને બરવાળાને બિરદાવ્યું. છૂટા પડવાની તૈયારી કરતા હતા ત્યાં પોલીસ-ઈન્સ્પેકટર પઠાણ આવ્યા અને ઝવેરચંદ મેઘાણી સાથે હાથ મિલાવી કહ્યું : 'તમને કલમ ૧૧૭ હેઠળ હું ગિરફતાર કરું છું.''આભાર'ઝવેરચંદ મેઘાણીએ કહ્યું. બીજી જ મિનિટે તેમને સરકારી મોટરમાં બેસાડીને પોલીસ-સ્ટેશને લઈ ગયા. ઝવેરચંદ મેઘાણીનાં પત્ની દમયંતીબેન ત્યાં હાજર હતાં, તેમણે 'ઈન્કિલાબ ઝિન્દાબાદ' ની ઘોષણા કરી.ધરપકડના સમાચાર ફેલાતા ગયા તેમ ગામેગામ હડતાળો પડી. રાણપુરમાં તો સોપો પડી ગયો. સાંજે જંગી સરઘસ નીકળ્યું અને ત્રણ-ચાર હજારની જનમેદની રાણપુરના નદીપટ પર સભાના રૂપમાં ફેરવાઈ ગઈ. ઝવેરચંદ મેઘાણીની ધરપકડ સામે વિરોધ પ્રદર્શિત કરતાં આક્રોશભર્યાં ભાષણો થયાં. નદીની રેતમાં વિદેશી કાપડની હોળી દમયંતીબેનને હાથે પ્રગટાવવામાં આવી. 

'નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છેં ખબર છે આટલી કે માતની હાકલ પડી છે' પંકિતઓ આવી ત્યાં તો કોર્ટના ઓરડામાં, ઓરડાનાં દ્વારોમાં ને ફરતી ઓંસરીમાં હૈયેહૈયું દળાય તે રીતે ભીડાભીડ ઊભેલાં ભાઈ-બહેનોએ અત્યાર સુધી માંડ દાબી રાખેલ ડૂસકાં પથ્થરને પણ પીગળાવે તેવી રીતે હીબકવા લાગ્યાં ને મહાપરાણે રોકેલાં રૂદનના અચાનક છૂટી પડેલા સ્વરો સર્વત્ર સ્પષ્ટ સંભળાઈ રહ્યા.ઝવેરચંદ મેઘાણીનાં વાંકડિયાં કાળાં જુલફાં, ઉન્નત મસ્તક, લાલઘેઘૂર આંખો, ઊંચા પહોળા હાથ એક ભવ્ય ચિત્ર ઉપસાવતાં હતાં. પ્રાર્થના પૂરી થતાં એ ખુરશી પર બેસી ગયા. અદાલતમાં ચુપકીદી છવાઈ ગઈ. કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોથી કંપતું રહ્યું. મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ પણ આંસુભીની થઈ ગઈ. ફેંસલો બીજા દિવસ પર મુલતવી રાખવામાં આવ્યો હતો.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@yahoo.com

(12:05 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • સ્વિત્ઝરલેન્ડમાં મુશળધાર વરસાદ : સૈમસન શહેરમાં પહાડ ફાટતા કાટમાળનું પૂર:અનેક મકાનો ઝપટમાં :કાટમાળ 50 ફૂટની ઉંચાઈ સુધી ઉછળ્યો:કાટમાળ સાથે કાદવ પણ ઉછળીને રસ્તા પર ફેલાઈ રહ્યો છે:કાટમાળનું પુર ત્રણથી 4 કિલોમીટર વહ્યું access_time 12:29 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST