Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મહાત્મા અને મેઘાણીની પ્રથમ મુલાકાતની ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું ગૌરવ રાણપુરને પ્રાપ્ત થયું

'ગાંધી વંદના' માટે વિજયભાઇ રૂપાણીએ પિનાકીભાઇ મેઘાણીને શુભેચ્છા પાઠવી

રાજકોટ તા. ૧ : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ ખાતે 'ગાંધી વંદના' માટે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.     ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લાગણીભેર લખે છે : 'રાષ્ટ્રને આઝાદીરૂપી અમીરાતની ભેટ આપવામાં બહુમૂલ્ય યોગદાન નોંધાવનાર 'મોહન'અને 'મેઘાણી'ની પ્રથમ મુલાકાત એક ઐતિહાસિક ઘટના છે અને આનું સાક્ષી બનવાનું ગૌરવ બોટાદ જિલ્લાના રાણપુરને પ્રાપ્ત થયું છે. જયારે બે મહાપુરુષોનો મેળાપ આ ધરા પર થયો હશે ત્યારની ઘડી અભૂતપૂર્વ બની રહી હશે. 'રાષ્ટ્રીય શાયર'ની કલમે આલેખાયેલાં દેશપ્રેમ અને શૌર્યભાવથી નીતરતાં ગીતો દ્વારા આ બિરૂદ આપનારને અંજલિ આપવાનો અવસર અલૌકિકતાની અનુભૂતિ કરાવનાર બની રહેશે. ગાંધી-મૂલ્યો અને સ્વાતંત્ર-સેનાનીઓના બલિદાનથી નવી પેઢીને પરિચિત કરાવીને દેશભકિતની ભાવના જાગૃત કરવાનો ઉદેશ અભિનંદનીય છે. દેશપ્રેમનો પ્રતિઘોષ કરનાર આ પ્રસંગ ભવ્ય બની રહે તેવી અંતઃકરણની શુભેચ્છાઓ.' ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા ગાંધીજીની મનોવ્યથા-મનોદશાનું સચોટ નિરૂપણ કરતું અને ઝવેરચંદ મેઘાણીએ રાણપુરમાં જ રચેલું અમર કાવ્ય 'છેલ્લો કટોરો'ની પણ પંકિતઓ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટાંકી છે.

૨ ઓકટોબર ૨૦૧૮ ને મંગળવારે — સવારે ૯.૩૦ વાગે — રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે 'ગાંધી વંદના'– 'ખમા ખમા લખવાર'સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો રજૂ કરશે.એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી. રાણપુર સુધરાઈએ ગાંધીજીને 'માનપત્ર' અર્પણ કરેલું. 'સૌરાષ્ટ્ર' પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો. આથી પ્રેરાઈને હાલની એ. ડી. શેઠ હોસ્પીટલથી સવારે ૮.૪૫ વાગે 'ગાંધી ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.  નવી પેઢી મહાત્મા ગાંધીના જીવન-મૂલ્યો-વિચારોથી તથા આપણા સ્વાતંત્ર-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર-સેનાનીઓએ આપેલ આહૂતિ અને બલિદાનથી પરિચિત-પ્રેરિત થાય તેમ જ દેશભકિતની ભાવના જાગૃત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આ પ્રેરક આયોજનો કરાયાં છે.આ બન્ને કાર્યક્રમોમાં સહુ ભાવિકોને જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), ગોવિંદસંગ ડી. ડાભી (મો. ૯૮૨૫૪૧૧૫૬૯)નો સંપર્ક કરી શકાશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્રમોને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.

:: આલેખન ::

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(3:55 pm IST)
  • વલસાડ:મોગરવાડી વિસ્તારની ઘટના :પાંચ વર્ષીય બાળકી સાથે શારિરીક અડપલાંનો કિસ્સો આવ્યો પ્રકાશમાં:બાળકી સાથે અડપલાં કરનાર વ્યક્તિને લોકોએ મારમારી પોલીસને હવાલે કર્યો:પોલીસે આરોપી વધુ તપાસ હાથ ધરી:આરોપીનું મેડિકલ કરાવી ફરિયાદ લેવાની તજવીજ ચાલુ access_time 6:14 pm IST

  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST