Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળઃ ઝવેરચંદ મેઘાણીએ રચ્યુ'તું હૃદયસ્પર્શી કાવ્ય

આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાવર અને શિવરામ રાજગુરૂને તા. ૨૩ માર્ચ ૧૯૩૧ના ફાંસી આપી'તીઃ વાલ્મિકી સમાજ દ્વારા 'શહિદ વંદના'

રાજકોટ તા. ૨૧ : આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હૃદયસ્પર્શી કાવ્ય 'ફૂલમાળ' રચેલું. 'વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણાં ત્રણ રૂખડાં હો જી. વીરા ! એની ડાળિયું અડી આસમાન : મુગતિનાં ઝરે ફૂલડાં હો જી. વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ : પે'રીને પળ્યો પોંખણે હો જી.  વીરા ! તારું વદન હસે ઊજમાળ, સ્વાધીનતાને તોરણે હો જી. ભગતસિંહને જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈ પ્રત્યે ખૂબ લાગણી હતી. પોતાની માતાની જેમ 'બેબે'કહી પ્રેમથી સંબોધતા. ફાંસીને દિવસે વાલ્મીકિ સમાજના આ સફાઈ કામદારભાઈની હાથની બનેલી 'રોટી'ખાવાની અંતિમ ઈચ્છા ભગતસિંહે વ્યકત કરેલી. વાલ્મીકિ સમાજની આ 'રોટી'નું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ.આથી પ્રેરાઈને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી છેલ્લા સાત વર્ષથી સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા 'શહીદ વંદના'નું આયોજન થાય છે.મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવભર્યા બિરૂદથી નવાજેલાં એવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત 'સૌરાષ્ટ્રની રસધાર'માં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હાથે પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.

શહીદ ભગતસિંહનાં જીવનનાં કેટલાંક પ્રેરક પ્રસંગો

૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭નાં રોજ બ્રિટિશ ઈન્ડિયાનાં પંજાબ પ્રાંતનાં લાયલપુર જિલ્લાનાં બંગા ગામે (હાલ પાકિસ્તાન) ભગતસિંહનો જન્મ થયો. જોગાનુજોગ તે જ દિવસે તેમના કાંતિકારી પિતા સરદાર કિશનસિંહ અને કાકા સરદાર અજિતસિંહ, સરદાર સ્વર્ણસિંહ જેલમાંથી મુકત થયા. નવજાત શિશુને ભાગ્યવંતુ માનીને દાદીમાએ તેનું નામકરણ ભગતસિંહ કર્યુ.મોટા થઈને પોતે શું કરશે તેના જવાબમાં બાળ ભગતસિંહ સહજભાવે કહેતા : 'મોટો થઈને હું અંગ્રેજોને આપણા દેશમાંથી તગેડી મૂકીશ'ખેતરમાં અન્યોને કામ કરતા જોઈને બાળ ભગતસિંહે પણ જમીનમાં બિયારણ અને રોપાંઓ સાથે નાની લાકડીને રોપતા નિર્દોષભાવે કહયુ કે તે જમીનમાં બંદૂક રોપે છે જે આગળ જતા અંગ્રેજ સરકાર સામે જંગમાં કામ લાગશે.૧૩ એપ્રિલ ૧૯૧૯માં અમૃતસરનાં જલિયાંવાલા બાગ ખાતે શાંતિપૂર્ણ રીતે એકઠા થયેલા હજારો નિર્દોષ લોકો પર કોઈપણ પૂર્વ ચેતવણી વગર અંગ્રેજ ફૌજી અફસર જનરલ ડાયરનાં હુકમથી અંગ્રેજ ફૌજે કાયરતાપૂર્વક અને નિર્દયી રીતે આડેધડ ફાયરીંગ કરીને હજારોનાં જાન લીધા. આ કરૂણ બનાવે બાર વર્ષનાં ભગતસિંહનાં બાળમાનસ પર ભારે અસર કરી હતી. એક વાર કોઈને પણ કહ્યા વગર બાળ ભગતસિંહ લાહોરથી અમૃતસર ગયા અને જલિયાંવાલા બાગની રકતરંજિત માટીને માથે લગાડીને મૃતાત્માઓને અંજલિ આપી. થોડી માટી એક શીશીમાં ભરીને સાથે ઘેર પણ લેતા આવ્યા અને રોજ તેને પુષ્પો અર્પણ કરતા.૧૯૨૮માં લાહોર ખાતે સાયમન કમીશનનો વિરોધ કરતા અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાની લાલા લજપત રાય પર અંગ્રેજ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જેમ્સ સ્કોટનાં હુકમથી પોલીસ નિર્દયી રીતે લાઠીઓ વડે ટૂટી પડી. ગંભીર રીતે ઘવાયેલા લાલાજીનું થોડા દિવસો પછી અવસાન થયુ. આસી. પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જહોન સોન્ડર્સનો વધ કરીને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને સાથીઓએ લાલાજીની શહાદતનો બદલો લીધો. આ સમાચાર જાણીને ભગતસિંહના ચિંતિત પિતા સરદાર કિશનસિંહે તેમના પત્નીને કહયુ કે તેઓને સંદેહ છે કે પુત્ર ભગતસિંહ આ હત્યાકાંડમાં સંડોવાયો હશે. માતા વિદ્યાવતીએ ગર્વથી કહયુ કે તેઓને ખાત્રી છે કે લાલાજીની શહાદતનો બદલો ભગતસિંહ અને તેના સાથીઓએ જ લીધો હશે.ભગતસિંહને ફિલ્મો જોવાનો અનહદ શોખ હતો. સાથીઓ મજાક કરતા કે ભગતસિંહ કોઈક વખત સીનેમા-ગૃહમાં ફિલ્મ જોતા જ પોલીસને હાથે પકડાય જાશે !    માતા વિદ્યાવતીને ફાંસી પછી પોતાનું મૃત શરીર લેવા ન આવવાની ભગતસિંહે વિનંતિ કરી હતી. તે વખતે પુત્રની શહાદત પર હૈયાફાટ રૂદન કરતી માતાનાં આંસુઓ લોકોની નજરે પડશે. શૂરવીર પુત્રની બહાદુર માતાને આઝાદી પછી પંજાબ સરકારે 'પંજાબ માતા'નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજયા હતા.

શહીદ ભગતસિંહની  અંતિમ પળો

ફાંસીનાં સમયે સંત્રી ભગતસિંહને લેવા આવ્યો ત્યારે તેઓ કોટડીમાં લેનિનની જીવન કથા વાંચી રહ્યા હતા. ભગતસિંહે તેને થોડી વાર થોભી જવા કહ્યુ : 'એક કાંતિકારીનું બીજા કાંતિકારી સાથે મિલન થઈ રહ્યુ છે.' છેલ્લા કેટલાંક ફકરા વાંચીને ભગતસિંહ સંત્રી સાથે નીકળી પડ્યા. સુખદેવ અને રાજગુરુ પણ કોટડીમાંથી બહાર આવી ગયા હતા. તેઓને બેડીઓ પહેરાવવામાં ન આવે અને મોઢે કાળું કપડું ઢાકવામાં ન આવે તેવી ઈચ્છા ભગતસિંહ વ્યકત કરી જે માન્ય રાખવામાં આવી. ત્રણેય એકબીજાને ગળે મળ્યા અને એકબીજાના ખભા પર હાથ નાખીને ફાંસીનાં માંચડા તરફ ચાલવા લાગ્યા. ભગતસિંહે ગીત લલકાર્યુ : 'મરકર ભી દિલસે ન નીકલેગી કભી વતન કી ઉલફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ-એ-વતન આયેગી' ત્રણેય ફાંસીનાં ફંદાની નીચે ઉભા રહ્યા. અંતિમવાર 'ઈન્કિલાબ જિંદાબાદ'ના ગગનભેદી નારા લગાવ્યા.  ફાંસાને પકડીને ચૂમ્યા અને જાતે જ ગળામાં નાખીને, ૨૩ માર્ચ ૧૯૩૧ના સાંજે ૭ અને ૩૩ મિનીટે, હસતે મુખે વતન માટે ફના થઈ ગયા.  અમર વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની અનન્ય શહાદત આઝાદીની લડતની તવારીખમાં હમેશાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(4:18 pm IST)