Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સરકારી મહેમાન

બહેનની સરકારમાં બનાવેલી જળ પોલિસીમાં ખામી હોવાથી સરકાર નવી પોલિસી બનાવશે

તાલુકા સરકાર, સિંગલ વિન્ડો, ફાઇલ ટ્રેકિંગ બધું છે પણ અરજદારને જાણ નથી: મિશન 150 પ્લસ ફેઇલથી ગુજરાતને જ નહીં મોદીને સૌથી વધુ નુકશાન થયું છે : ઓફિસરો પછી મિનિસ્ટર્સ અને ધારાસભ્યોના પગાર એટલે- રાતોરાત લંબી દાઢી

ગુજરાતમાં સિંચાઇનું અને પીવાનું પાણી છે પરંતુ સરકાર પાસે નિર્ધારિત પોલિસીના અભાવના કારણે ઉનાળામાં પાણીની તંગી સર્જાઇ છે. સચિવાલયના એક અધિકારીએ કહ્યું હતું કે પોલિસી પેરેલિસિસના કારણે જળાશયોમાં પાણીના તળિયા દેખાયા છે. 2015માં સરકારે પાણી વપરાશ અને વિતરણની પોલિસી બનાવી હતી પરંતુ આજદિન સુધી તેનો અમલ થઇ શક્યો નથી, પરિણામે દુકાળ જેવી સ્થિતિમાં લાંબાગાળાના ક્યા પગલાં લેવા અને ટૂંકાગાળામાં શું કરવું તેના કોઇ નિયમો ઘડી શકાયા નથી. આ વોટર પોલિસીમાં રાજ્યના સ્થાનિક, રાજ્યવ્યાપી અને રાષ્ટ્રીય જળસ્ત્રોતને ધ્યાનમાં રાખીને રાજ્યની સોશિયલ, ઇકોનોમિક અને ઇકોલોજીકલ જરુરીયાતોને ધ્યાને લઈ લોકભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પાણીના રિસાયકલિંગની પણ આ પોલિસીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે સરકાર એવું વિચારે છે કે નવી વોટર પોલિસી બનાવવામાં આવે કારણ કે જૂની પોલિસીમાં લોંગટર્મનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. પાણીના દુકાળના સમયમાં સરકાર નવી પોલિસી બનાવી રહી છે પરંતુ જો પાણી બચશે તો તેનો અમલ થઇ શકશે નહીં તો આવનારા ઉનાળામાં તેનું પ્લાનિંગ વિચારવું પડશે.

સરકારના અરજદારોને સમયસર ન્યાય મળતો નથી...

ગુજરાત સરકારમાં મંત્રીમંડળની જવાબદારી વહેંચવામાં આવી છે પરંતુ મંત્રીઓ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલનો અભાવ હોય તેવું જણાઇ આવે છે. વિભાગના અધિકારીઓ રાજકીય આદેશોને માની રહ્યાં નથી તેમ જિલ્લાનું વહીવટી તંત્ર સચિવાલયના બ્યુરોક્રેટ્સનું માનતા નથી પરિણામે વિભાગો અને મંત્રીઓની ઓફિસોમાં પેન્ડિંગ ફાઇલોના ઢગલા ખડકાયા છે. એક કેબિનેટ મંત્રીના અંગત સ્ટાફે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે સામાન્ય લોકો કે જેઓ સચિવાલય સુધીના ધક્કા ખાય છે ત્યારે તેમને ન્યાય મળતો નથી ત્યારે અફસોસ થાય છે. સરકારના વહીવટી તંત્રનું કોમ્પ્યુટરાઇઝેશન થયું છે છતાં જિલ્લા વહીવટી તંત્ર હાર્ડકોપીનો આગ્રહ રાખે છે. મોદી સરકારે તાલુકા સરકારનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો પરંતુ અહીં તો સચિવાલયનો કન્સેપ્ટ પણ અરજદારોને સમયસર ન્યાય આપી શકતો નથી. વહીવટી તંત્રની ગતિશિલતામાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ નિકળી ગયા છે. ગુજરાતના પાડોશી રાજ્યોના વહીવટી તંત્ર પર નજર કરીએ તો ત્યાં અસરકારક અને પારદર્શી સિંગલ વિન્ડો સિસ્ટમ અને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ થયો છે તેથી અરજદારોને ઝડપી નિર્ણય મળી જાય છે. ગુજરાતમાં આ બન્ને સિસ્ટમ છે પરંતુ અરજદારો માટે તે ગુપ્ત રાખવામાં આવે છે. ફાઇલ ક્યાં પહોંચી અને ક્યારે શું નિર્ણય લેવાયો છે તે અરજદારોને જોવા મળી શકતું નથી.

99 બેઠકોએ રાજ્યસભાના ત્રણ સભ્યોને છિનવી લીધા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટારગેટ પ્રમાણે 150 પ્લસ બેઠકો ન મળતાં જે નુકશાન થયું છે તે માત્ર ગુજરાત ભાજપને જ નથી પરંતુ કેન્દ્રની મોદી સરકારને સૌથી વધુ નુકશાન થયું છે. ઓછી બેઠકોના કારણે આવનારા બે વર્ષમાં ભાજપના રાજ્યસભામાં ત્રણ બેઠકોનું સીધું નુકશાન ગયું છે. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળતાં ગુજરાત ભાજપના મોતિયા મરી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશના નેતાઓને તે સમયે ખખડાવ્યા પણ હતા કે મારા ગયા પછી ગુજરાત ભાજપની હાલત તમે લોકોએ એટલી નાજૂક બનાવી દીધી છે કે ડગલે ને પગલે તે દેશભરમાં નડી રહ્યું છે. વિધાનસભામાં ભાજપની ઓછી બેઠકોના કારણે રાજ્યસભાની 2018માં આવેલી ચૂંટણીમાં ભાજપના ચાર પૈકી માત્ર બે સભ્યો મનસુખ માંડયિવા અને પુરૂષોત્તમ રૂપાલા જ રિપિટી થયા છે. એક સભ્ય શંકર વેગડને ટીકીટ આપી નથી જ્યારે બીજા સભ્ય અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને ઉત્તર પ્રદેશ મોકલવાની ફરજ પડી છે. હવે 2020માં પણ આવો જ ખેલ થયો છે. 2020માં એપ્રિલ મહિનામાં ભાજપના  ચિનુભાઇ ગોહિલ, મહંત શંભુપ્રસાદ તુંડિયા અને લાલસિંહ વડોદિયા નિવૃત્ત થઇ રહ્યાં છે. કોંગ્રેસ પાસે એકમાત્ર મધુસુદન મિસ્ત્રીની બેઠકે છે તે 2020ના એપ્રિલમાં ખાલી પડે છે. આ વર્ષમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસની એક સત્તાવાર બેઠક તો છે જ પરંતુ વધારાની બીજી એક બેઠક મળશે ત્યારે ભાજપને ફરી એકવાર એક સભ્યને ટીકીટ આપવાનો ઇન્કાર કરવો પડશે.

ઓનલાઇન શોપિંગનો વધતો ક્રેઝ મુશ્કેલી સર્જશે...

ભારતમાં અને ગુજરાત ભરમાં ફેલાયેલા શોપિંગ મોલ કેમ સૂના પડી રહ્યાં છે તેનું મુખ્ય કારણ ઓનલાઇન શોપિંગનો વધતો જતો ક્રેઝ છે. વૈશ્વિક બજારમાં કોઇપણ બ્રાન્ડની કોઇપણ ચીજવસ્તુ તમારે ખરીદવી હોય તો એટલી બઘી એપ્લિકેશન શરૂ થઇ છે કે જેઓ બજારમાં મળતી ચીજો કરતાં 50 ટકા ઓછા દામથી તેને વેચી રહ્યાં છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને થઇ રહ્યો છે. ગ્રાહકો કપડાં અને જૂતાંની ખરીદી તો ઓનલાઇન કરે છે. એ ઉપરાંત આભૂષણો, ઘરવખરી તેમજ છોડ માટેના તૈયાર કુંડા પણ હવે તો ઓનલાઇ મળે છે. સ્માર્ટફોન અને ટેલિવિઝનના ઓનલાઇન વેચાણમાં તો 2017માં ઝડપી વૃદ્ધિ થઈ હતી. ફોન અને ટીવી માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર થવાના કારણે અગાઉના વર્ષ કરતાં વેચાણમાં વધારો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ ફોનના વેચાણમાં છેલ્લા વર્ષમાં 70 ટકા અને ટીવી માટે ઓનલાઇન વેચાણમાં એક વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ચાઇનાની યુઝ એન્ડ થ્રોની પોલિસી ઓનલાઇનને વધારે અસર કરે છે તેથી ઝોક એપ્લિકેશન પર વધારે જાય છે.

નફો ઘટ્યો પણ પ્રવાસીઓની સંખ્યા વધી ગઇ...

ગુજરાતમાં પ્રવાસનના હેતુથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં 65 લાખનો વધારો થયો છે, જો કે આગલા વર્ષના 36.79 કરોડના નફા સામે 2016-17ના વર્ષમાં 24.60 કરોડનો નફો કર્યો છે. પ્રવાસન નિગમના વિધાનસભામાં રજૂ થયેલા છેલ્લા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના 1978થી કરી હતી. પહેલાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત હતી પરંતુ 2005 પછી ખુશ્બુ ગુજરાત કી એડના કારણે પ્રવાસીઓની સંખ્યા સતત વધતી રહી છે. અહેવાલમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતના પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષે 281.80 લાખ હતી તે વધીને 324 લાખ થઇ છે. ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓની સંખ્યા જે 93.99 લાખ હતી તે વધીને 114.76 લાખ થઇ છે. એવી જ રીતે બિન નિવાસી ભારતીયો તેમજ વિદેશીઓની સંખ્યા 7.32 લાખથી વધીને 9.24 લાખ થઇ છે. આમ કુલ ગયા વર્ષના 383.11 લાખ પ્રવાસીઓની સંખ્યાનો આંકડો ચાલુ વર્ષે 448 લાખ એટલે કે 4.48 કરોડ પહોંચ્યો છે. ગયા વર્ષની તુલના કરીએ તો તમામ પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં 16.94 ટકાનો વધારો થયો છે.

જાણો, લોકસભાની ચૂંટણી માટે કેટલા લેવાશે...

ગુજરાતમાં 2019માં આવી રહેલી લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે 247 કરોડ રૂપિયાની આવશ્યકતા રહેશે. આ ખર્ચ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવનાર છે. સામાન્ય વહીવટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે વિધાનસભા 2017માં ચૂંટણી પંચને ગુજરાત સરકારે 210 કરોડ આપ્યા હતા તે ખર્ચાઇ ગયા છે. રાજ્ય ચૂંટણી આયોગ, ચૂંટણી અધિકારીઓ, મતદાર યાદીઓ સહિતના ખર્ચનો આ રકમમાં સમાવેશ થાય છે. સરકાર આ રકમને અનુદાન કહે છે. 2017-18માં સરકાર પાસેથી ચૂંટણી પંચની કામગીરી માટે 320.16 કરોડનો ખર્ચ થવાનો હોવાના અનુમાનના આધારે રકમ માગવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીમાં ચૂંટણી પંચે 309.93 કરોડનું ખર્ચ કર્યું છે. ચૂંટણી પંચે ચાલુ વર્ષે મતદાર જાગૃતિ ફેલાવવા માટે 2.70 કરોડનો ખર્ચ મંજૂર કરાવ્યો હતો પરંતુ હકીકતમાં આ ખર્ચનો આંકડો વધીને 4.60 કરોડ થયો છે. જ્યારે આગામી વર્ષે 50 લાખનો ખર્ચ કરાશે.  રાજ્યની મતદાર યાદીઓની તૈયારી માટે આગામી વર્ષ માટે 42.87 કરોડનો ખર્ચ માગ્યો છે. આગામી વર્ષે મતદારોને ઓળખપત્રો આપવા માટે 2.20 કરોડનો ખર્ચ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ ચૂંટણીમાં ઇવીએમ અને વીવીપેટ મશીનો રાખવા માટે વખારોનું બાંધકામ કરવા 100 કરોડ છૂટા કરવામાં આવશે.

ધારાસભ્યો અને કેબિનેટ મંત્રીઓને જલસા છે...

ગુજરાતના 182 ધારાસભ્યો જેમાં અધ્યક્ષ અને મંત્રીમંડળના સભ્યોનો સમાવેશ થાય છે તેમનો કુલ પગાર ખર્ચ 15.43 કરોડ થવાનો અંદાજ છે. માર્ચ 2019ના અંતે આપણા ધારાસભ્યોને આટલા રૂપિયાનો પગાર મળશે. છેલ્લા એક વર્ષમાં ધારાસભ્યોનો પગાર ખર્ચ 30.82 ટકા વધ્યો છે. વિધાનસભાના વિરોધપક્ષના નેતાનો વાર્ષિક પગાર ખર્ચ બે વર્ષ પહેલાં 70.8 લાખ હતો તે વધીને માર્ચ 2019ના અંતે 93.03 લાખ થશે. એકમાત્ર વિપક્ષના નેતાના પગારમાં એક વર્ષમાં 15.14 ટકાનો વધારો થયો છે. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો પગાર ખર્ચ જે બે વર્ષ પહેલાં 32.65 લાખ હતો તે વધીને 47.60 લાખ થશે એટલે કે તેમના પગારમાં 46.46 ટકાનો વધારો છે. ભાજપના મુખ્ય દંડક અને તેના મહેકમનો પગાર ખર્ચ બે વર્ષ પહેલાં 1.31 કરોડ હતો તે આવનારા વર્ષમાં વધીને 1.46 કરોડ થશે એટલે કે તેમના પગારમાં એક વર્ષમાં માઇનસ 4.29 ટકાનો ઘટાડો છે. ધારાસભ્યોની જેમ ગુજરાત સરકારના મંત્રીમંડળના ખર્ચમાં એક વર્ષમાં 17.73 ટકાનો વધારો થયો છે. આ ખર્ચ વધીને હવે 5.70 કરોડ થયું છે. ગયા વર્ષએ આ ખર્ચ 4.28 કરોડ રૂપિયા હતું જેમાં 85.92 લાખનો વધારો થયો છે.

મંત્રીઓ કરતાં તેમના સ્ટાફનો પગાર ખર્ચ ચારગણો...

ગુજરાત સરકારમાં મંત્રીઓને જે પગાર મળે છે તેના કરતાં તેમની ઓફિસમાં કામ કરતા પીએ અને પીએસ સહિતના સ્ટાફનો પગાર વધારે જોવા મળ્યો છે. તેમના અંગત સ્ટાફનો પગાર ખર્ચ મંત્રીઓના પગાર ખર્ચના ચાર ગણો વધારો છે. સામાન્ય વહીવટ વિભાગના આંકડા પ્રમાણે મંત્રીઓના વાર્ષિક પગાર ખર્ચ 5.70 કરોડ રૂપિયા છે પરંતુ તેમની ઓફિસમાં કામ કરતા અંતગ સ્ટાફનો વાર્ષિક પગાર ખર્ચ 21.17 કરોડ છે. બે વર્ષ પહેલાં આ ખર્ચ 17.78 કરોડ હતો જેમાં ચાર કરોડનો વધારો થયો છે. 2016-17માં મંત્રીઓનો પગાર ખર્ચ 4.84 કરોડ હતો ત્યારે અંગત સ્ટાફનો ખર્ચ 17.78 કરોડ હતો. 2017-18ના સુધારેલા અંદાજ પ્રમાણે અંગત સ્ટાફનો ખર્ચ વધીને 21 કરોડ થયો છે. જ્યારે આગામી વર્ષ એટલે કે માર્ચ 2019 સુધીમાં મંત્રીઓના અંગત સ્ટાફનો ખર્ચ વધીને 21.17 કરોડ થવાનો અંદાજ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘાટ કરતાં ઘડામણ મોંધુ પડે છે. આ કહેવત અહીં કામ લાગે છે. મંત્રીઓ કરતાં તેમના અંગત સ્ટાફના ખર્ચમાં ચાર ગણો વધારો થયો છે. જો કે આ અંગત સ્ટાફમાં કાયમી ઓફિસર હોય તેના પગાર અને ભથ્થાંનો સમાવેશ થાય છે.

નીચલી કોર્ટોમાં 15.95 લાખ કેસ પેન્ડિંગ છે...

ગુજરાતની નીચલી અદાલતોમાં હજી પણ 15,95,011 કેસો પેન્ડીંગ છે અને આ પેન્ડીંગ કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ શરૂ કરી છે. પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષથી પેન્ડીંગ કેસોમાં જ્યાં મુદ્દત આપવામાં આવી હોય ત્યાં જસ્ટીસને એસએમએસ મોકલવામાં આવશે. નીચલી કોર્ટમાં જે કેસો પેન્ડીંગ છે તેમાં 15 ટકા કેસો એટલે કે 2,44,657 કેસ જિલ્લા, મેજીસ્ટ્રીયલ અને સિવિલ કોર્ટમાં એક દાયકાથી પેન્ડીંગ છે. આ કેસોનો નિકાલ કરવા પણ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષથી પડતર રહેલા કેસોમાં સપ્તાહથી વધારે મુદ્દત નહીં આપવાની સૂચના આપવામાં આવી છે. જો કોઇ જસ્ટીસ જૂના કેસોની સુનાવણી સપ્તાહમાં ન કરે તો તેમને એસએમએસ મોકલવામાં આવશે. એ ઉપરતાં તેમને બાકી રહેલા કેસોની યાદી પણ મોકલાશે. ગુજરાતની નીચલી અદાલતોમાં 16.5 ટકા એટલે કે 2,63,119 કેસ પાંચ થી દસ વર્ષ જૂના છે. સમગ્ર ભારતમાં 22,57,996 કેસ છે જે છેલ્લા દસ વર્ષથી વધારે વખતથી નીચલી અદાલતોમાં પેંડિંગ છે. જે દેશની નીચલી અદાલતોના બાકી કેસોના 8.52% ગણી શકાય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(9:19 am IST)