Gujarati News

Gujarati News

News of Monday, 13th April 2020

સરકારી મહેમાન

કોરોના સામે જંગે ચઢેલા ગુજરાતના પાંચ IAS આજે લોકોના પ્રિય હીરો બની રહ્યાં છે

રાજ્યમાં એસ જગદીશન, એસઆર રાવ અને કેશવ વર્મા એક સમયે લોકપ્રિયતાની ટોચે હતા : ડો. જ્યંતિ રવિ, શિવાનંદ ઝા, અશ્વિનીકુમાર અને વિજય નહેરા પર લોકોની નજર મંડાયેલી છે : કેન્દ્રના આદેશોનું ગુજરાતના વહીવટી તંત્રમાં પાલન કરાવતા અનિલ મુકિમ પણ એક યોદ્ધા છે

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આખી સરકાર કામ કરી રહી છે પરંતુ સૌથી વધુ જે લોકો કામ કરી રહ્યાં છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીઓની ટીમ છે. પાર્ટીએ તેમના ધારાસભ્યો તેમજ સંસદસભ્યોને પણ લોકોની સાથે રહીને કામ કરવાનો આદેશ આપ્યો છે. વિશ્વના પાંચ વિકસિત દેશો આજે કોરોના પોઝિટીવનો આંકડો લાખને પાર કરી ગયા છે ત્યારે વિશ્વની બીજાનંબરની વસતી ધરાવતા ભારત દેશમાં પોઝિટીવ કેસોની સંખ્યા હજી 10 હજાર સુધી પહોંચી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસથી દેશમાં પોઝિટીવ કેસોનો આંકડો નિયંત્રિત થયેલો દેખાઇ રહ્યો છે. કોરોના સબંધિત કામગીરીમાં તો આખી ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે પરંતુ કેટલાક એવા હીરો છે કે જેઓ દિન-રાત જોયા વિના લોકોની ફિકર કરીને આ મહામારીને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરી રહ્યાં છે. વાયરસનું સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે વિચલિત થયા વિના આ યોદ્ધાઓ કામ કરી રહ્યાં છે.

 

રાજાનું કામ શું હોઇ શકે, રાજા રાવણને જુઓ...

પ્રસિદ્ધ રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકા પર ચઢાઇ કરી યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરતાં હોય છે ત્યારે લંકેશ એટલે કે રાવણ નૃત્ય મહોત્સવમાં મગ્ન હોય છે. રાવણના મુગુટ અને મંદોદરીના કાનના પહેરણનો તેજ લિસોટો જ્યારે ભગવાન રામની છાવણી પર પડે છે ત્યારે રામ વિભિષણને પૂછે છે કે લંકા તરફથી આવતો તેજ લિસોટો શું છે ત્યારે વિભિષણ કહે છે કે – ભગવાન, એ રાવણની સંગીત લીલામાંથી બહાર આવેલો તેજ લિસોટો છે. પ્રદેશ પર યુદ્ધ મંડરાયેલું હોય અને રાજા ભયભીત બની જાય તો તેની જનતા વધારે ભયભીત બને છે. રાવણ  લંકાની જનતાને યુદ્ધનો ભય દર્શાવવા માગતો નથી. રાવણે તેના દૂતોને પણ કહ્યું હોય છે કે ભલે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય, જનતામાં યુદ્ધનો ભય પેદા થવો જોઇએ નહીં. આપણાં શાસકો પણ આવું જ કંઇ કરી રહ્યાં છે. ભલે કોરોનાના સંક્રમણનો ભય છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકોને આશ્વાસન આપે છે કે લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં રહો, સુરક્ષિત રહો,, બહું જલદીથી આપણે પાછા આપણા કામે લાગી જઇશું. આજે નહીં તો કાલે કોરોનાની વિદાય નિશ્ચિત છે.

વિશ્વમાં કોરોના પોઝિટીવના 18 લાખ કેસ...

વિશ્વમાં કોરોનાની સ્થિત જોઇએ તો કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 18 લાખ થઇ છે. મૃત્યુઆંક 1.10 લાખ થયો છે, જ્યારે પોઝિટીવ કેસમાંથી સાજા થયેલી દર્દીઓની સંખ્યાનો આંકડો 4.10 લાખ પર પહોંચ્યો છે. જો કે હજી 51000 દર્દીઓ સિરીયસ અને ક્રિટીકલ કંડીશનમાં છે. વિશ્વમાં સૌથી વધુ 5.50 લાખ કેસો અમેરિકામાં છે અને સૌથી વધુ 21000 મોત પણ અમેરિકામાં જ થયાં છે. બીજાક્રમે 1.65 લાખ કેસ અને 17000 મોત સાથે સ્પેન આવે છે. ઇટાલીમાં કેસોની સંખ્યા 1.55 લાખ છે અને મોત 20000ની આસપાસ છે. ફ્રાન્સમાં કેસોની સંખ્યા 1.31 લાખ છે અને મોત 14000 છે. જર્મનીમાં કેસોની સંખ્યા 1.28 લાખ છે અને મોત 2900 છે. ચાઇનામાં કેસોની સંખ્યા 82000 સ્ટેબલ છે અને કુલ મોતનો આંકડો 3340 દર્શાવવામાં આવે છે. યુકેમાં 80,000 કેસ અને 9900 મોત છે. ઇરાનમાં 71000 કેસ છે અને 4400 મોત છે. વિશ્વમાં એકમાત્ર પર્યટન સ્થળ ભૂતાન એવું છે કે જ્યાં છેલ્લા બે મહિનાથી માત્ર પાંચ કેસ છે જે પૈકી બે પોઝિટીવ કેસ સાજા થતાં હવે ત્યાં માત્ર ત્રણ કેસ છે. કોઇ મૃત્યુ નથી. યમનમાં પણ માત્ર એક જ એક્ટિવ કેસ છે.

એસ જગદીશન અને એસઆર રાવ હીરો હતા...

રાજ્યના વહીવટી પાંખના સનદી અધિકારીઓને સામાન્ય જનતા ઓળખતી હોતી નથી પરંતુ કોરોનાના સંક્રમણ સમયે પાંચ એવા અધિકારી સામે આવ્યા છે જેઓને આખું ગુજરાત ઓળખતું થયું છે. વર્ષો પહેલાં રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર એસ જગદીશન હતા ત્યારે તેમને રાજકોટની જનતા ઓળખતી હતી. લોકભોગ્ય કામ કરીને તેઓ જનતાના હીરો બની ગયા હતા. તેમની જ્યારે બદલી થઇ ત્યારે રાજકોટની જનતા અને જગદીશનની આંખોમાં આંસુ હતા. એવી જ રીતે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એસઆર રાવ જનતાની નજરમાં હીરો હતા. સુરતમાં જ્યારે પ્લેગનું આક્રમણ હતું ત્યારે જનતાની વચ્ચે રહીને સુરતને સ્વચ્છ કરવામાં તેમણે એવું કામ કર્યું કે તેઓ લોકોના પ્રિય ઓફિસર બની ગયા હતા. સુરતનું એક એક બાળક પણ એસઆર રાવને ઓળખતું હતું. એસઆર રાવ એ ઓપરેશન હેલ્થકેર અને ઓપરેશન ડિમોલિશન નામ હેઠળ સુરતને સ્વચ્છ અને ટ્રાફિક સમસ્યાથી મુક્ત બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો. અમદાવાદમાં કેશવ વર્મા જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેમણે પણ ગેરકાયદે દબાણોનો સફાયો કરીને લાલ દરવાજા જેવા ભીડભાડયુક્ત વિસ્તારને મુક્ત કર્યો હતો. અમદાવાદની ખુબસુરતી આજે કેશવ વર્માને આભારી છે. જનતાના રીયલ હીરો તરીકે કેટલાક જિલ્લા કલેક્ટરો પણ કામ કરી રહ્યાં છે પરંતુ તેઓ પડદા પાછળના કસબી છે.

કોરોના સામે યુદ્ધે ચઢેલા પાંચ સમયના કસબીઓ, કે જેમને જનતા ઓળખે છે...

રાજ્યના પોલીસ વડા, શિવાનંદ ઝા...

1979માં પટણા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ 1983ની બેચમાં આઇપીએસ થયાં છે. શિવાનંદ ઝા એ ગોધરા રમખાણો અને અગાઉની રથયાત્રા સમયે થયેલા તોફાનો દરમ્યાન અમદાવાદના એડીશનલ પોલીસ કમિશનર તરીકે ઉત્તમ કામગીરી કરી છે. ગયા વર્ષે મુખ્યસચિવ તરીકે નિવૃત્ત થયેલા જેએન સિંહ અને શિવાનંદ ઝા સ્કૂલ સમયના ખાસ મિત્રો છે. આજે વિશ્વ પર આવી પડેલી મહાઆફતમાં ગુજરાતના પોલીસ વડા તરીકે શિવાનંદ ઝા તેમના સુઝબુઝ વાળા નિર્ણયો અને ટીમ લીડર તરીકેની કુશળ આવડતને કારણે લોકોના અભિનંદન મેળવી રહ્યા છે. લોકડાઉનના સમયમાં લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપતાં પોલીસ વડા આખી ગુજરાત પોલીસનું નેતૃત્વ સંભાળી રહ્યાં છે. તેઓ એપ્રિલ 2020માં વયનિવૃત્ત થાય છે પરંતુ તેમને એક્સટેન્શન આપવામાં આવી શકે છે. તાજેતરમાં તેમનો જન્મદિન હતો છતાં પરિવાર સાથે રહેવાની જગ્યાએ તેઓ કોરોનાગ્રસ્ત ગુજરાતમાં પોલીસની સાથે અને સરકારની સેવામાં રહ્યાં છે.

આરોગ્ય અગ્રસચિવ, ડો, જ્યંતિ રવિ...

સ્વભાવે સરળ અને શુદ્ધ ગુજરાતીમાં વાત કરતાં 1991ની બેચના આ મહિલા અધિકારી આજે ગુજરાતના પ્રત્યેક ઘરમાં જાણીતા બન્યાં છે. સવારે 10,30 કલાકે અને સાંજે 7.30 કલાકે તેમને સાંભળવા માટે લોકો ટીવી સામે બેસી જાય છે. ઇ ગવર્નન્સમાં તેમણે પીએચડી કર્યું છે. ન્યૂકિલિયર ફિઝીક્સમાં તેઓ એમએસસી થયાં છે. હાર્વર્ડમાં એમપીએ કર્યું છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તેઓ ચેવનિંગ સ્કોલર છે. ફિઝીક્સમાં તેઓ બીએસસી છે. 2002ના રમખાણો સમયે તેઓ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. તેઓ સારા વહીવટકર્તા હોવા છતાં કડક ઓફિસરની છાપ ધરાવે છે. તેમની ખૂબી એવી છે કે તેઓ 11 ભાષાઓ જાણે છે. એક ગુજરાતી બોલી ના શકે તેવું શુદ્ધ ગુજરાતી બોલે છે. તેઓએ ગુજરાતીમાં પણ ભજનો ગાયા છે. મેરૂ તો ડગે પણ મન ન ડગે તે તેમનું પ્રિય ભજન છે. સનદી સેવામાં જોડાયા પહેલાં તેઓ આકાશવાણીમાં યુવાવાણી, ઇંગ્લિશ ટોક્સ જેવા કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. મોટેરા સૂર્યમંદિરના ઉત્તરાર્ધ મહોત્સવમાં તેમણે કથક નૃત્યો પણ કર્યા છે. તેમના કંઠે ગવાયેલું મહીસાસુર મર્દની સોશ્યલ મિડીયામાં ખૂબ વાયરલ થયું છે.

મુખ્યમંત્રીના સચિવ, અશ્વિનીકુમાર...

સરકારમાં આ અધિકારી એવા છે કે જેઓ પ્લાનિંગ પ્રમાણે ચાલે છે. 1997ની બેચના તેઓ ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર છે. આઇઆઇટી કાનપુરથી કેમિકલ એન્જીનિયરીંગમાં તેઓ બીટેક થયેલા છે. લંડનની કિંગ્સ કોલેજમાંથી તેમણે પબ્લિક સર્વિસિઝ, પોલિસી અને મેનેજમેન્ટમાં તેમણે માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. અશ્વિનીકુમારની મેથ્સમાં માસ્ટરી છે. કુશળ મેનેજમેન્ટ તેમનો વિષય છે. મિતભાષી અને દૂરદેશીતા તેમનામાં છલકે છે. પ્રેમાળ અને સંવેદનશીલ પણ છે. સિનિયર અને જૂનિયર વચ્ચે હંમેશા કોઓર્ડિનેશન જાળવે છે. ટીમવર્કમાં કામ કરવું તે તેમનું મુખ્ય જમા પાસું છે. કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉન સમયે સંયમથી કામ કરી રહ્યાં છે. ગુજરાતના પ્રત્યેક પરિવારને જીવનજરૂરીયાતની ચીજવસ્તુ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. તેઓ અત્યારે પ્રવક્તાના રોલમાં છે. દંભ નહીં પાદર્શકતાના તેઓ માલિક છે. ઇતિહાસ અંગે તેમનું જ્ઞાન અદ્દભૂત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમણે કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. લોકડાઉનમાં પ્રજાલક્ષી જે નિર્ણયો લેવામાં આવે છે તેની જાણકારી મિડીયા મારફતે તેઓ વહેતી કરે છે. સીએમ ડેશબોર્ડની જવાબદારી પણ તેઓ નિભાવે છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે કોઓર્ડિનેશન કરીને જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે સીધો સંવાદ કરે છે.

અમદાવાદ કમિશનર, વિજય નહેરા...

મૂળ રાજસ્થાનના પરંતુ ગુજરાત કેડરના અધિકારી વિજય નહેરા એક સમયે રાજકોટમાં બહું જ પોપ્યુલર રહ્યાં છે. મહત્વની બાબત એવી છે કે સૈનિકનું સંતાન હોવા છતાં તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી સહાયની મદદથી સરકારી સ્કૂલમાંથી મેળવ્યું છે. 2001માં તેઓ સનદી અધિકારી બન્યાં છે. આઇઆઇટી બોમ્બેમાંથી તેમણે કેમેસ્ટ્રી વિષયની ઉપાધિ મેળવી છે. તાજેતરમાં તેમણે અમેરિકાના બર્કેલી શહેરમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની ગોલ્ડમેન સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. ગુજરાતના ગૃહ વિભાગમાં, મુખ્યમંત્રીના સચિવ તરીકે તેમજ વડોદરા અને અમદાવાદના કલેક્ટર જેવી જગ્યાએ તેમણે સેવાઓ આપી છે. વડોદરામાં 2009માં નરેન્દ્ર મોદીના સમયમાં 12000 જેટલા સિનિયર સિટીઝન્સને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના હેઠળ જોડીને તેમણે રાજ્યનો બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ પણ મેળવ્યો છે. એટલું જ નહીં ચૂંટણી પંચે પણ તેમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપ્યો હતો. કહેવાય છે કે 1990 સુધી વિજય નહેરા પરિવાર સાથે ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હતા. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે શહેરને શિસ્તબદ્ધ રાખવામાં તેમનો મહત્વનો ફાળો છે. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયા સાથે તાલમેલ રાખીને શહેરને કોરોનાથી સંક્રમણ મુક્ત કરવાનો તેમનો પ્લાન છે. અમદાવાદમાં પીરાણા ડમ્પીંગ સાઇટને દૂર કરવા પહેલીવાર તેમણે 300 કરોડનું બજેટ ફાળવ્યું છે અને આ કચરાના પર્વતને 15મી ઓગષ્ટ 2022 સુધીમાં દૂર કરવાનું વચન આપ્યું છે. તેમણે લો ગાર્ડન પાસે હેપી સ્ટ્રીટનું નિર્માણ કરી અમદાવાદીઓને ખુશ કરી દીધા છે. કોરોના સંક્રમણ સમયે નમસ્તે અમદાવાદ નામથી ઝૂંબેશ ચલાવી લોકોને હાથ નહીં મિલાવવા અને ઘરમાં રહેવા અપીલ કરી છે, જે પોપ્યુલર બની છે. હવે સમગ્ર અમદાવાદમાં ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ તેમણે કર્યો છે.

અનિલ મુકિમને તો ભૂલાય તેમ નથી...

ગુજરાત કેડરના મૂળ અમદાવાદના સનદી અધિકારી અનિલ મુકિમ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે. તેમણે મેનેજમેન્ટ સાથે બીકોમ અને એલએલબી કર્યું છે. ગુજરાતમાં નાણા વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી મોદી તેમને દિલ્હી લઇ ગયા હતા પરંતુ ગુજરાતમાં વહીવટી સ્થિતિ નબળી થતાં દિલ્હીથી તેમને ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે લાવવામાં આવ્યા છે. 1985 બેચના અધિકારી વહીવટી તંત્ર પર મજબૂત પક્કડ ધરાવે છે. રાજ્યની બ્યુરોક્રેસીમાં તેઓ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ખોટું ચલાવી લેતા નથી અને સાચું કહેવાની હિંમત ધરાવે છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવાઓ આપી ચૂક્યાં છે. ડિસેમ્બર 2019માં તેઓ ચીફ સેક્રેટરી બન્યાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2002 થી 2007 સુધી તેમણે સીએમ કાર્યાલયમાં ફરજ બજાવી છે. હાલ કોરોના સામેની લડાઇમાં તેમના ભાગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનની જવાબદારી છે. અનિલ મુકિમ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થાય છે પરંતુ તેમને વધુ ત્રણ કે છ મહિનાનું એક્સટેન્શન મળે તેવી સંભાવના છે. કેન્દ્ર તરફથી આવતી તમામ સૂચનાઓનું તેઓ ગુજરાતના વહીવટી તંત્રમાં પાલન કરાવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:50 am IST)
  • દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ : રબારી પાળાની ૫૫ વષી્યઁ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ.:દ્ધારકામા પોઝિટિવ કેસ ની સંખ્યા ૫ થઇ access_time 7:30 pm IST

  • રાજસ્થાનઃ હકીકતે ગેહલોત પાસે ૧૦૯ નહિ પણ ૯૯ જ ધારાસભ્યો છેઃ ૯૯માંથી ૯ર જ જયપુરથી જેસલમેર પહોંચ્યાઃ ર૦૦ સભ્યોના ગૃહમાં ૧૦૧નું સંખ્યાબળ જરૂરી છેઃ સીપીએમના ધારાસભ્યના ટેકા પર સરકાર ટકી છે access_time 3:54 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ પ્રજાલક્ષી કાર્યોને કરશે સમર્પિત:સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની લેશે મુલાકાત.:રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાશે. access_time 10:25 pm IST