Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

''બાલ સંસ્કાર શિબિર'': 'પાવર ઓફ ફેઇથ' વિષયને કેન્દ્રમાં રાખી અમેરિકાના ડલાસમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળમાં યોજાઇ ગયેલો ત્રિદિવસિય પ્રોગ્રામઃ ભાવિ પેઢીના જીવનમાં આત્મ વિશ્વાસ સાથે માતા-પિતા,સંતો,તથા ભગવાન ઉપર શ્રધ્ધા દૃઢ કરવાનો હેતુઃ જુદા જુદા શહેરોના ૧૪૬ બાળકોએ શિબિરનો લાભ લીધો

ટેકસાસઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની ડલાસ શાખામાં નાતાલની રજાઓમાં ૯મી 'બાલ સંસ્કાર શિબિર'નું આયોજન કરવામાં આવેલું. તા.૨૩ થી ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન યોજાયેલ આ ૩ દિવસની શિબિરમાં ડલાસ ઉપરાંત આટલાન્ટા, સાન એન્ટોનીયો, ઓસ્ટીન, વેકો, ડેનવર, બોઇઝી, બ્રોસીલ સીટી વગેરે શહેરોના ૧૪૬ બાળકો-બાલિકાઓએ ભાગ લીધો હતો. આ આખી શિબિર 'પાવર ઓફ ફેઇથ' (શ્રદ્ધાની શકિત) વિષય ઉપર રાખવામાં આવેલી. જેમાં બાળકોને જીવનમાં સ્વયં ઉપર, માતા-પિતા ઉપર, સંતો ઉપર અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી શા માટે જરૂરી છે અને શ્રદ્ધા કેવી રીતે રાખવી તેને વિવિધ પ્રેજન્ટેશન, પ્રોજેકટસ અને એકિટવિટીઝ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

સવારમાં ૭:૩૦ વાગ્યે સમૂહમાં પ્રાતઃપૂજા કર્યા બાદ ૩૦ મીનીટ યોગાસનો કરાવાતા. ત્યારબાદ નાસ્તો કરીને ૧૦ થી ૧૨ વાગ્યા સુધી 'ઘનશ્યામ કલાસ'(ધો.૧ થી ૩) 'હરિકૃષ્ણ કલાસ' (ધો.૪ થી ૭) 'નીલકંઠ કલાસ'(ધો.૮ થી ૧૨) એમ ત્રણ ગ્રૂપમાં દિકરા-દિકરીઓના ૬ કલાસમાં 'પાવર ઓફ ફેઇથ'ની પ્રવૃતિ થતી. બપોરે થાળ-માનસીપૂજા કરી પ્રસાદ લીધા બાદ ૩:૩૦ સુધી ગુરૂકુલના વિશાળ ખુલ્લા મેદાનમાં ફૂટબોલ,ક્રિકેટ,બાસ્કેટ બોલ જેવી વિવિધ રમતો રમાતી. ત્રણ વાગ્યે માનસીપૂજા અને કીર્તનભકિત બાદ ફ્રૂટનો પ્રસાદ લઇ સવારના સેશનમાં જે શિખ્યા હોય તેનું ૪:૩૦ થી ૫:૩૦ સુધી રીવિઝન અને પ્રોજેકટ અભિવ્યકિત કરી દિવસ પૂર્ણાહુતિનો કાર્યક્રમ થતો.

જેમાં પ્રથમ દિવસે આટલાન્ટાથી આવેલા બાળકોએ 'ટેકિલા ભકત અભયસિંહજી'નું નાટક ખૂબ જ સુંદર રીતે રજુ કરેલું. બીજા દિવસે નીલકંઠ કલાસના બળકોએ 'ભગવાન અને વિજ્ઞાન' વિષય ઉપર સુંદર ચર્ચા કરેલી. ત્યારબાદ બધા બાળકોને ક્રિસમસ ડેકોરેશન બતાવવા માટે ફિલ્ડ ટ્રીપ કરાવવામાં આવેલું. અંતિમ દિવસે બાળકોએ 'પાવર ઓફ ફેઇથ' વિષય ઉપર કિવઝ અને વિવિધ નાટકો રજૂ કરી સહુને કરેલા. દરેક કાર્યક્રમમાં શા. મુકુંદસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ.ભગવતચરણદાસજી સ્વામી હાજર રહી બાળકોને પ્રેરણા આપતા રહેતા.

આ શિબિરના સમગ્ર આયોજનમાં વધુ શાંતિપ્રિયદાસજી સ્વામી, નિરજભાઇ બાબરીયા, સોહિલભાઇ વિરાણી અને કેયુરભાઇ પટેલના માર્ગદર્શન પ્રમાણે ઉત્સાહી કિશોરો રિષિ વિરાણી, શ્રેયશ સાકરીયા, જીજ્ઞેશ માંગરોળીયા, ચિંતન વોરા, માનત બાબરીયા, સાહિલ-સોહમ માંગરોળીયા, શિવમ શેલડીયા અને આટલાન્ટાથી આવેલા શ્રી કિશોરભાઇ સાવલીયા તથા શ્યામ જારસાણીયા તથા દિકરીઓની પ્રવૃતિઓમાં અમી પટેલ, નિમિષાબેન વિરાણી, ડોલીબેન પટેલ અને આરોહી સાવલિયાએ પ્રસંશનીય સેવા બજાવેલી. ત્રણેય દિવસ બાળકોને ભાવતા ભોજન જમાડવાની શ્રદ્ધા ભરી સેવા ડલાસ, આટલાન્ટા અને સાન એન્ટોનિયોના ભકિત મહિલા મંડળના બહેનોએ ઉઠાવેલી. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(8:29 pm IST)