Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જય સ્વામીનારાયણ.. અમેરિકાના ન્યુજર્સીમાં ગુરૂકુળનો મહોત્સવ

રાજકોટના દેવકૃષ્ણદાસજી સ્વામી સહીતના સંતો હાજરી આપશે : યજ્ઞ, અભિષેક, અન્નકુટ, હિંડોળા, આરોગ્ય શિબિર વગેરે આયોજન

રાજકોટ, તા., ર૮: અમેરિકાના ન્યુજર્સી ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ યુ.એસ.એ. ને આંગણે પંચાબ્દી મહોત્સવ ઉજવાશે. અમેરિકાના ટોપટેન જિલ્લામાં સ્થાન પામેલ બર્ગન કાઉન્ટીના પરામસ ટાઉનમાં આવેલ ગુરુકુલનો પ્રારંભ સને ૨૦૧૩માં થયેલ. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવેલ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ન્યૂજર્સીના ભકતોને ચાર વખત પધારી દર્શન સત્સંગનો લાભ ૧૯૭૮ થી ૧૯૮૬ દરમ્યાન આપેલ હતો.

અમેરિકાથી શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર અહીંના ભકતોએ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશાનુસાર ચર્ચ ખરીદેલ. જેને શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે જીર્ણોદ્ઘાર કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરાવેલ.

સવા એકર ભૂમિમાં નિર્માણ પામેલ ન્યૂજર્સીના પરામસ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ યુ.એસ.એ. માં સત્સંગ ઉપરાંત બાળકો, યુવાનોને ગુજરાતી,હિન્દી શીખવાડાય છે, સંગીત તથા ભારતીય સંસ્કૃતિના માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ વગેરે સંસ્કારો સંતો તથા યુવાનો આપે છે.

વિશેષમાં અહીં શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામી, શ્રી આનંદ સ્વામી, શ્રી રઘુવીરદાસજી, શ્રી ભગવત સ્વામી વગેરે સંતો દ્વારા ભારતીય તહેવારો પ્રમાણે વિવિધ ઉત્સવો તો ઉજવાય છે, ત્યારે અહીંના બાળકોને તેમજ જરૂરિયાત વાળા લોકોને ફૂડબેંક દ્વારા ભોજન, ટોયસ્ટોલ દ્વારા રમકડાં, એજયુકેશનકીટ વગેરે અર્પણ કરતું હોય છે. હેલ્થકેમ્પો દરવર્ષે યોજાય છે.

પાંચ પાંચ વર્ષથી યોજાતા સેવા તથા ભકિતમય, સંસ્કારમય આયોજનને વધુ ઉજાગર કરવા પાંચાબ્દી મહોત્સવ ઉજવાશે તા- ૭-૮-૯ સપ્ટેમ્બર-૨૦૧૮ ના યોજાનાર આ પંચાબ્દી મહોત્સવમાં શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી નારાયણપ્રસાદ સ્વામી, શ્રી કૃષ્ણપ્રિય સ્વામી, શ્રી હરિપ્રિય સ્વામી, શ્રી કેશવ સ્વામી, શ્રી ભકિત સ્વામી, શ્રી કૃષ્ણસ્વરૂપ સ્વામી, શ્રી ત્યાગવલ્લભ સ્વામી, શ્રી ધર્મનંદન સ્વામી, શ્રી મધુસુદન સ્વામી, વગેરે ૨૫ સંતો ભારતથી પધારશે.

આ પંચાબ્દી ઉજવણી પ્રસંગે હેલ્થકેમ્પ, ફૂડબેંક, ટોયસ્ટોલ ઉપરાંત બાળકોના કલચર પ્રોગ્રામ, ડ્રામા,નૃત્યો થશે. એ સાથે સંતો દ્વારા સત્સંગ-કથાવાર્તાનો લાભ મળશે. તથા શ્રી મહાવિષ્ણુયાગ, ભગવાન શ્રી સ્વામિનારાયણનો અભિષેક, અન્નકૂટ, સમુહપૂજા વગેરે રાજકોટના પવિત્ર ભૂદેવ શ્રી કિશોર મહારાજ કરાવશે. બાલ,યુવા,ભકિત મહિલા મંચ, હિંડોળા ઉત્સવ તેમજ વચનામૃત દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે પાઠ,પૂજન થશે. તા- ૮ સપ્ટેમ્બરે રાત્રે ૮-૧૫ કલાકે શા સ્ત્રી મધુસુદનદાસજી સ્વામીનો સત્સંગ હાસ્યરસનો ભકિતભાવ ભર્યો ડાયરો યોજાશે.

આ પ્રસંગે અમેરિકાના ડલાસથી શ્રી ધીરુભાઈ બાબરીયા, કેલીફોર્નીયાથી શ્રી મનુભાઈ પટોળીયા, શિકાગોથી શ્રી પોપટભાઈ રાદડિયા, મગનભાઈ વેકરીયા, આટલાન્ટાથી શ્રી ઘનશ્યામભાઈ ઢોલરીયા, વોશિંગ્ટનથી શ્રી ધીરુભાઈ કોટડીયા, તેમજ ન્યુયોર્ક,ફિનિકસ,સાન એન્ટોનિયો, પેન્સિલવેનિયા, બોસ્ટન, સિનસિનાટી, ઓસ્ટીન વગેરેથી ભકતો પધારશે.

આ ઉત્સવને ઉજવવા તન-મન-ધનથી  ચતુરભાઈ વઘાસીયા, જયભાઈ ધડુક,  ભાવેશભાઈ વિરાણી, દીપુભાઈ ગજેરા,  પ્રવીણભાઈ તથા સુરેશભાઈ વેકરીયા, પ્રિન્સિપાલ  વિશાલભાઈ ગોંડલીયા,  વલ્લભભાઈ વાનાણી, દિલીપભાઈ પટેલ વગેરે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

(3:31 pm IST)