Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

શિકાગોમાં પૂજય ગુરૂદેવ ચિત્રભાનુજીની આરસની અર્ધ પ્રતિમાની થયેલી અનાવરણ વિધીઃ પ્રમોદાબેન ચિત્રભાનુજી તથા તેમના પરિવારના સભ્‍યોએ આપેલી હાજરીઃ સમગ્ર શિકાગો અને તેની આજુબાજુના રાજયોમાં વસવાટ કરતા તમામ ભારતીય પરિવારના સભ્‍યોમાં પ્રસરેલી આનંદની લાગણીઃ સતીષભાઇ અને કિન્નાબેન તથા રવીન્‍દ્રભાઇ અને પલ્લવીબેન કોબાવાલાના વરદ હસ્‍તે થયેલી અનાવરણ વિધી

 (કપિલા શાહ દ્વારા)શિકાગો :  સોસાયટી ઓફ  મેટ્રોપોલીટન શિકાગોના જૈન જિનાલયના રપ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના  સંચાલકોએ ગયા મહિનામાં આનંદ અને ઉલ્લાસથી  દસ દિવસ દરમ્‍યાન રજત જયંતિ મહોત્‍સવનું આયોજન કરેલ અને આ દિવસો દરમ્‍યાન  વીસ જેટલા મહાનુભાવો શિકાગોના આંગણે પધાર્યા હતા અને તેમણે વિવિધ   પ્રવચનો કર્યા હતા અને જૈન સમાજના  લગભગ તમામ સભ્‍યોએ તેનો સારો એવો લાભ લીધો હતો.

રજત જયંતિના દિવસો દરમ્‍યાન  જૈન સોસાયટી શિકાગો સાથે જેમનો વર્ષો જુનો નાતો સંકળાયેલો રહેલ છે એવા પરમ પૂજય ગુરૂદેવ ચિત્રભાનુજીનું જીવંત સ્‍મારક રચવાનો સત્તાવાળાઓએ નિર્ણય કરતાં જૂન માસની  ૩૦મી તારીખને  શનિવારે તેમની આસરની અર્ધ પ્રતિમાની અનાવરણ વિધી કરવામાં આવી હતી અને તેનો લાભ સતીષભાઇ અને કિન્નાબેન શાહ તેમજ રવીન્‍દ્રભાઇ અને પલ્લવીબેન કોબાવાલાએ લીધો હતો. આ  પ્રસંગે પૂજય ગુરૂદેવ ચિત્રભાનુજીના ધર્મપત્‍ની પ્રમોદાબેન  તથા તેમના  પૂત્ર  દર્શનભાઇ તેમજ પરિવારના તમામ સભ્‍યોએ  હાજરી આપી હતી.

૯૭ વર્ષની જૈફ વયે પહોંચેલા પૂજય ગુરૂદેવનો જન્‍મ રાજસ્‍થાન રાજયમાં આવેલ પાલી ડીસ્‍ટ્રીકટના તખ્‍તગઢ ગામમાં થયો હતો અને ર૦ વર્ષની વયે દિક્ષા અંગીકાર  કરી હતી અને તેમનું નામ મુનીચંદ્ર પ્રભાસાગરજી રાખવામાં આવ્‍યું હતું. તેમણે સળંગ ર૯ વર્ષ સુધી સાધુપણું જીવન વિતાવ્‍યા બાદ સને. ૧૯૭૦ માં જીનીવામાં યોજવામાં આવેલ બીજી ધાર્મિક  કોન્‍ફરનસમાં  ભાગ લેવા માટે આમંત્રણ મળતાં જૈન ધર્મનો વિદેશોમાં વધુ પ્રચાર થાય તે માટે તેમણે સાધુપણાંને તિલાંજલી આપીને એક સામાન્‍ય શ્રાવક તરીકે નવું જીવન શરૂ કર્યુ અને  જોગાનુજોગ ૧૯૭૧ ની સાલમાં પ્રમોદાબેન સાથે લગ્નગ્રંથી્‌ થી જોડાયા અને ત્‍યારબાદ અમેરીકા આવ્‍યા અને ન્‍યૂયાર્કના મેનહટન વિસ્‍તારમાં જૈન મેડીટેશન ઇન્‍ટરનેશનલ સેન્‍ટરની  સ્‍થાપના કરી અને તેઓ જૈન  આચાર્ય મુનિ સુશીલકુમારના સમાગમમાં આવ્‍યા અને તે બંન્‍ને મહાનુભાવોએ  અમેરીકામાં જૈન ધર્મનો પ્રચાર શરૂ કર્યો. અને અત્રે ભીન્ન ભીન્ન રાજયોમાં  વસવાટ કરતાં જૈન પરિવારના સભ્‍યો એક છત્ર છાયાં હેઠળ એકત્રિત થાય તેવા તેમના સઘન પ્રયાસો રહ્યા હતા. અને તેથી તેમણે અમેરિકામાં જૈન એસોસીએશન્‍સ ઇન નોર્થ અમેરીકા નામની સંસ્‍થાની સ્‍થાપના કરી અને આજે સમગ્ર જગ્‍યાએ  તે જૈનાના હુલામણા નામથી ઓળખાય છે.

શિકાગોના જૈન સેન્‍ટર સાથે તેમનો અનેરો નાતો રહ્યો છે અને તેમના માર્ગદર્શન હેઠળ આ સંધે અનેક પ્રકારની હરફાળ પ્રગતિ કરેલ છે. આ બીનાને ધ્‍યાનમાં લઇને શિકાગો જૈન સંધના સંચાલકોએ રજત જયંતિના મહોત્‍સવ પ્રસંગે તેમની યાદગીરી કાયમ માટે રહે તે માટે તેમની આસરની અર્ધ પ્રતિમા તૈયાર કરવાનો નિર્ણય  કર્યો હતો. અને તેમનું જીવંત સ્‍મારક સોસાયટીમાં કાયમનું  સંભારણું બની રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આજથી સવાસો વર્ષ પહેલા શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું આયોજન ડાઉન ટાઉન વિસ્‍તારમાં સને ૧૮૯૩ ની સાલમાં કરવામાં આવ્‍યું હતુ અને તે વેળા  આ પરિષદમાં ભાગ લેવા માટે મહુવાના રહીશ વિરચંદ રાઘવજી ગાંધી એક જૈન વિધ્‍વાન તરીકે શિકાગો પધાર્યા હતા અને તેમના અત્રેના આગમનને  સને ૧૯૯૩ ની સાલમાં ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેમની સ્‍મૃતિ કાયમ માટે જળવાઇ રહે તે અંગે મહુવાના જૈન સંધના સંચાલકોએ શ્રી વિરચંદ રાઘવજી ગાંધીની આસરની અર્ધ પ્રતિમાજી જૈન સંધને ભેટમાં  અર્પણ કરી હતી અન તેની અનાવરણ વિધિ તે સમયે (૧) કિશોર અને રશ્‍મી શાહ (ર) રવિન્‍દ્ર અને પલ્લવી કોબાવાલા તેમજ (૩) બિપીન અને રેખાબેન શાહ ના વરદહસ્‍તે  કરવામાં આવી હતી અને હવે આ સેન્‍ટરમાં બીજી આસરની અર્ધ  પ્રતિમા ગુરૂદેવ ચિત્રભાનુજીની પ્રસ્‍થાપિત થતાં  સમગ્ર જૈન સંઘમાં અનેરા ઉત્‍સાહની લાગણીઓ પ્રસરી રહેલી જોવા મળેલ છે.

જૈન સંઘ શિકાગોના સભ્‍યોને એવી આશા હતી કે તેમના જીવંત સ્‍મારકના ઉદઘાટન પ્રસંગે હાજરી આપશે પરંતુ તેમની નાદુરસ્‍ત તબીયતના કારણે તેઓ શિકાગો પૉરી ન શકતાં સભ્‍યોમાં નિરાશાની લાગણી પ્રસરેલી જોવા મળતી હતી પરંતુ તેમના પત્‍નિ  પ્રમોદાબેનની હાજરીથી સભ્‍યોએ આનંદ પ્રાપ્ત કર્યો હતો.

(11:19 pm IST)