Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

" ચાલો ઇન્ડિયા ૨૦૧૮" : અમેરિકાના ન્યૂજર્સીમાં 31 ઓગ.થી 2 સપ્ટે.2018 દરમિયાન યોજાનારા મહોત્સવને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડિઓ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો

વિદેશની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિને ઉજાગર કરનાર ચાલો ઇન્ડિયા ન્યૂજર્સીમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવી ભારત અને ગુજરાતનું ગૌરવ વધારશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબ માતૃભૂમિને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં નિમિત્ત બનશે : આયોજકો શ્રી સુનિલભાઈ નાયક, શ્રી પ્રફુલભાઇ નાયક તથા સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી

દિપ્તીબેન જાની દ્વારા - ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં 31 ઓગ.થી 2 સપ્ટે 2018 દરમિયાન AIANA આયોજિત ' ચાલો ઇન્ડિયા ૨૦૧૮ ' ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડિઓ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 2006 ની સાલમાં 'ચાલો ગુજરાત ' થી શરૂ કરાયેલ આ મહોત્સવ એક જ દસકામાં 'ચાલો ઇન્ડિયા ' માં રૂપાંતર પામી શક્યો છે તે આનંદ તથા ગૌરવની  વાત છે.

 તેમણે આ ચાલો ઇન્ડિયા મહોત્સવને ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ, ઉદ્યોગ તથા વેપાર, તેમજ કલા અને પ્રવાસનના સુગમ સમન્વય સમાન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું  હતું કે વિદેશની ધરતી ઉપર માતૃભૂમિનું નામ રોશન કરવા બદલ તથા સેવા કાર્યમાં સક્રિય સહયોગ બદલ AIANA ટીમના શ્રી સુનિલભાઈ નાયક, શ્રી પ્રફુલભાઇ નાયક તથા તમામ સભ્યો અભિનંદનના અધિકારી છે.

 આ મેળાવડામાં 50 હજારથી વધુ પ્રવાસીઓ, 250 થી વધુ કલા કસબીઓ, તથા જુદા જુદા ક્ષેત્રોના એક હજાર કરતા પણ વધુ મહાનુભાવો હાજરી આપશે. તથા ન્યૂજર્સીમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવશે. શ્રી વિજયભાઈએ આ તકે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો માતૃભૂમિને પરમ વૈભવના શિખરે પહોંચાડવાનો સંકલ્પ યાદ કરાવ્યો હતો. તથા જણાવ્યું હતું કે ચાલો ઇન્ડિયા તેમના આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધશે. તેમજ ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત તથા વિશ્વને પ્રેરણા આપશે તેવી મને શ્રદ્ધા છે.

 અંતમાં તેમણે ફરી એકવાર ચાલો ઇન્ડિયાના આયોજકોને જય જય ગરવી ગુજરાત, તથા ભારત માતાકી જયના નારા સાથે ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.
હવે આ ચલો ઇન્ડિયા ઇવેન્ટ વિષે સામાન્ય જાણકારી મેળવી લઇએ. ૩૧ ઓગ.થી ૨ સપ્ટેં.૨૦૧૮ શુક્ર, શનિ, તથા રવિવાર દરમિયાન એન.જે.એકસ્પો સેન્ટર, એડિસન ન્યુજર્સી મુકામે AIANA દ્વારા યોજાનારી આ ચલો ઇન્ડિયા ૨૦૧૮ ત્રિદિવસિય ઇવેન્ટ. આ અગાઉ ચલો ગુજરાતના નામે ઓળખાતી હતી. જે હવે વિસ્તૃત ફલક સાથે ચલો ઇન્ડિયા નામથી યોજાશે. તેમાં  ૭ પ્રકારના જુદા જુદા દૃશ્યો તથા તહેવારો જોવા મળશે. તથા આ ઇવેન્ટ માં અનેક નામાંકિત હસ્તીઓ હાજરી આપશે. આ ત્રિદિવસિય ઇવેન્ટમાં 5૦ હજાર જેટલા મુલાકાતીઓ ઉમટી પડવાની ધારણાં છે જેમાં ભારતીયો ઉપરાંત વિદેશીઓના પણ સ્વાગત માટે શ્રી સુનિલ નાયક તથા તેમની ટીમ કટિબઘ્ઘ છે.

 

(11:51 am IST)