Gujarati News

Gujarati News

News of Monday, 28th January 2019

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૯મી જાન્યુઆરીએ કોંગ્રેસના પ્રતિનિધિઓને તથા રાષ્ટ્રને સંબોધન કરવાના હતા તે કાર્યક્રમ સલામતીના કારણોને લઇને મુલ્તવી રાખવામાં આવ્યો છેઃ કોંગ્રેસના પ્રતિનિધિઓને ત્રણ અઠવાડીયાની મુદતમાં અમેરીકાની સરહદે સુરક્ષા અંગે દિવાલ બાંધવા માટે તથા તેના ખર્ચ અંગેની ૫.૭ બીલીયન ડોલરની પ્રપોઝલ તાત્કાલીક ધોરણે તૈયાર કરવા આપેલી તાકીદઃ અમેરીકાના પ્રમુખ દમદાટી આપવાના બદલે વ્યવહારીક રીતે કાર્યકર કરે એવું સૌ અમેરીકન પ્રજા ઇચ્છી રહી છે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરિકાની દક્ષિણ સરહદે મેકસીકોની સરહદ આવેલ છે અને ત્યાં આગળ તેની સુરક્ષા માટે દિવાલ બાંધવા માટે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના નેતાઓ પાસે ૫.૭ બીલીયન ડોલર જેટલી માતબર રકમની માંગણી કરી હતી પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના સ્પીકર નેન્સીય પલોસી તથા તેમના સાથીઓ આ નાણાં આપવા માટે સંમત ન થતા ગયા મહીનની ૨૨મી ડીસેમ્બરના મધ્યરાત્રીથી કેન્દ્ર સરકારના કેટલાક અગત્યના ખાતાઓમાં તાળાબંધી જાહેર કરવામાં આવી હતી અને તેનો જરૂરી અંત આવે તે માટે બંન્ને પક્ષો તરફથી જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ અંગે ડેમોક્રેટીક પાર્ટીના સ્પીકર નેન્સીપલોસીએ પ્રમુખશ્રી તેમજ રીપબ્લીક નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પહેલા સરકારી ખાતાઓમાં હાલમાં તાળાબંધી ચાલે છે તેનો અંત લાવો અને જે ખાતાઓમાં તાળાબંધીની અસર થયેલી છે તે કાર્યવત બને તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ અને જયાં સુધી તાળાબંધી દુર ન થાય ત્યાં સુધી અમો લેશમાત્ર ચર્ચા હાથ ધરવાના નથી એવું સ્પીકર નેન્સી પાલોસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

એક તરફ તાળાબંધી ચાલુ હોવાથી તેના અનેક પ્રકારની અસરો જે તે ખાતાઓમાં જોવા મળી હતી અને તેની સાથે સાથે રાષ્ટ્રની હવાઇ યાત્રામાં એરપોર્ટ પર એટીએસના કર્મચારીઓની હાજરી તથા એરટ્રાફિક કન્ટ્રોલર કે જેઓ એરપોર્ટ પર વિમાનના આવન જાવનની સંભાળ રાખે  છે તેઓને વધુ પડતા કામના દબાણના લઇને તેઓને ફરજ બજાવવામાં પડતી મુશ્કેલીઓ, તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફરજીયાત પણે પગાર ન મળતાં ફુડ બેંકની લાઇનમાં ઉભા રહી પરિવારના સભ્યો માટે ખોરાકાની વ્યવસ્થા કરવાની તથા આર્થિક ક્ષેત્રે પણ તેની ગતિ ધીમી પડી જતાં તેમજ રીપબ્લીકન પાર્ટીનાજ સભ્યોએ તાળાબંધી કરાતા તેઓની પાર્ટીમાં બળવો પોકર્યો હતો માટે આવી પરિસ્થિતિ તેમજ અન્ય કારણોને ધ્યાનમાં લઇને ૩૫માં દિવસે તાળાબંધી દુર કરવાનો નિર્ણય અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરતાં સર્વત્ર જગ્યાએ રાહતની લાગણીઓ પ્રસરી જવા પામી હતી પરંતુ તેની સાથે સાથે ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં અમેરીકાની સરહદે સુરક્ષા અને સલામતી માટે દિવાલ માટે જરૂરી ખર્ચની રકમ ૫.૭ બીલીયન મંજુર કરવા ચિમકી આપી હતી અને તેમ કરવામાં જો કોંગ્રેસના નેતાઓ નિષ્ફળ જશે તો પછી બીજી વખત તેઓ સરકારી ખાતાઓમાં તાળાબંધી જાહેર કરશે અને તે ન કરી શકાય તો પછી રાષ્ટ્રિય કટોકરી જાહેર કરીને લશ્કરના જવાનો પાસે સરહદો પર દિવાલ બાંધવાનુ કાર્ય હાથ પર લેશે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ કાલે વાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સરકારી વટીવટી તંત્રના ખાતાઓમાં ૧૫મી ફેબ્રુઆરી પણ તાળાબંધીની જે જાહેરાત કરી તેને અમેરીકન પ્રજા હાસ્યાસ્પદ ગણે છે કારણ કે તેમણે એક વખત ૩૫ દિવસની તાળાબંધીનો અનુભવ લઇ લીધો હતો અને તે દ્વારા કેવા પ્રકારની સ્થિતિ સામનો કરવા પેડેલ છે તેનો અંદાજ તેમને આવી ગયેલ છે તો પછી આવા પ્રકારની જાહેરાત કરવા પાછળનો તેમનો હેતુ શો હોઇ શકે તે કલ્પી શકાય એવી બીના નથી.

વિશેષમાં તેમણે તાળાબંધી જો જાહેર ન કરી શકાયતો પછી રાષ્ટ્રિય કટોકટી જાહેર કરવાની વાતો કરી અને લંશ્કરના માણસો પાસે સરહદે દિવાલના ચણતરનું કાર્ય શરૂ કરશે એવી જાહેરાત કરી હતી પરંતુ રાષ્ટ્રિય કટોકટીની જાહેરાત કરાતા તેને ન્યાયની અદાલતમાં પડકારવાનું નક્કી કરવામાં આવેલ છે અને તે અંગેની તમામ તૈયારીઓ લગભગ થઇ ચુકેલ છે.

અમેરીકાના પ્રમુખ હાલમાં વારંવાર એવું જણાવે છે કે ચુંટણી પ્રચારમાં સરહદે દિવાલ બાંધવા માટે જનતાએ તેમને મન્ડેટ આપેલ છે પરંતુ આ અંગેનો ખર્ચ મેકસીકો સરકાર ભોગવશે એવી કરેલી તેમની જાહેરાત અંગે તેઓ મૌન રહે છે કારણકે મેકસીકોના સત્તાવાળાઓએ દિવાલના ખર્ચ અંગે એક પણ પાઇ આપવાની ચોકખી ના પાડેલ છે.

આ ૩૫ દિવસ માટે ચાલેલ તાળાબંધીના પ્રકરણમાં અમેરીકાના પ્રમુખશ્રીનું રેટીંગ એકદમ નીચલી સ્તરે ઉતરી જવા પામેલ છે અને તેમણે હાથે કરીને પોતાના ઘા કરીને તેને હચમચાવી નાખેલ છે અને હાલમાં રઘવાયા બનીને ગમે તેવા હાસ્યાસ્પદ ઉચ્ચારણો કરે છે કે જેના પર પ્રજાને લોશમાત્ર વિશ્વસ રહેવા પામેલ નથી.

ત્રણ અઠવાડીયાના સમયગાળા દરમ્યાન હાલના પરિસ્થિતિ અનેક વળાંકો લેશે અને તેનાથી અમો અવર નવર અમારા વાંચક વર્ગને માહિતગાર કરતા રહીશુ આ અહેલાવ પરિપૂર્ણ થયા બાદ ૨૯મી જાન્યુઆરીના રોજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોંગ્રેસના પ્રતિનિધિઓ તથા રાષ્ટ્રને સંબોધન કરનાર હતા તે કાર્યક્રમ હાલ તુરત મુલ્તવી રહેલ છે.

(8:04 pm IST)