Gujarati News

Gujarati News

News of Friday, 25th January 2019

અમેરીકાની સેનેટમાં આજે ગુરૂવારે બે દરખાસ્તો રજુ કરવામાં આવી જેમાં દિવાલ અંગે જરૂરી નાણાંની મંજુરી તથા તાળાબંધી દુર કરવાની દરખાસ્ત અંગે મતદાન થતા બન્ને દરખાસ્તો મંજુર થઇ શકી ન હતીઃ સરહદે દિવાલ બાંધવા માટેની દરખાસ્ત અંગે થયેલા મતદાનની તરફેણમાં ૫૦ મત વિરૂદ્ધ ૪૭ મતે પરાજય થયો હતો તથા તાળાબંધી દૂર થાય તે દરખાસ્તની તરફેણમાં ૫૨ મત વિરૂદ્ધ ૪૪ મતો મળતા તેનો પણ પરાજય થયો હતોઃ અમેરીકાના પ્રમુખે ત્રણ અઠવાડીયા માટે તાળાબંધી દુર કરવા શરતી ઓફર રજુ કરી હતી પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓને તે માન્ય ન હોવાથી હવે આ સમગ્ર પ્રકરણ કેવો વળાંક લે છે તે તો આવનારો સમય જ કહેશે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકન સરકારના કેટલા ખાતાઓમાં તાળાબંધી કરવામાં આવેલ છે અને તેને આજે ૩૪મો દિવસ ચાલે છે. આ તાળાબંધીનો જલ્દીથી અંત આવે અને સરકારી ખાતાઓ કાર્યવંત બને તે માટે આજે ગુરૂવારે સેનેટમાં બે દરખાસ્તો રજુ કરવામાં આવી પરંતુ ખેદ સાથે જણાવવાનું કે આ બન્ને દરખાસ્તોનો પરાજય થયો હતો તેથી સરકારી વહીવટી તંત્રમાંથી તાળાબંધી તાત્કાલીક અસરથી પૂર્ણ થાય એવી આશા રાખતા સેનેટરોના પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે અને સમગ્ર જગ્યાએ ઘોર નિરાશાના વાદળો છવાયેલા જોવા મળે છે.

સેનેટમાં જે દરખાસ્તો આજે રજુ કરવામાં આવી તેમાં પહેલી દરખાસ્ત એ હતી કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાની દક્ષિણ વિભાગની સરહદ જે મેકસીકોને અડીને આવેલી છે ત્યાં આગળ દિવાલ બાંધવા માટે જે ખર્ચની જોગવાઇ પ.૭ બીલીયન ડોલરની માંગણી છે તેને મંજુરી આપવાની હતી અને આ દરખાસ્ત અંગે મતદાન થતા તેની તરફેણમાં પ૦ જેટલા રીપબ્લીકન પાર્ટીના સેનેટરોએ મતદાન કર્યુ હતું, જ્યારે તેની વિરોધમાં ડેમોક્રેટીક પાર્ટીના ૪૭ જેટલા સેનેટરોએ મતદાન કર્યુ હતું. સામાન્ય રીતે સેનેટમાં કોઇપણ દરખાસ્ત અથવા બીલ પસાર કરવા માટે ૬૦ જેટલા મતોની આવશ્યકતા રહે છે. આ પહેલી દરખાસ્તને બન્ને બાજુએથી તેટલા મતો ન પ્રાપ્ત થતા તેનો પરાજય થયો હતો. આ દરખાસ્તને અમેરીકાના પ્રમુખે ટેકો આપયો હતો પરંતુ મતદાન વખતે જરૂરીયાત મુજબના મતો પ્રાપ્ત ન થતા આ દરખાસ્ત પસાર થઇ શકી ન હતી.

હવે બીજી દરખાસ્ત ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોના ટેકાવાળી સેનેટમાં રજુ કરવામાં આવી હતી અને તેમાં આવતા ફેબ્રુઆરી માસની ૮મી સુધી સરકારી તંત્રમાં હાલમાં તાળાબંધી છે તે કામચલાઉ (ટેમ્પરરી) રીતે ઉઠાવી લેવી પરંતુ તેમાં સરહદ પર દિવાલ બાંધવાનો જે ખર્ચની રકમનો તેમાં સમાવેશ થતો નથી તે અંગે મતદાન થતા તેની તરફેણમાં પ૨ જેટલા મતો પડ્યા હતા. જ્યારે તેની વિરોધમાં રીપબ્લીકન પાર્ટીના ૪૪ જેટલા સેનેટરોના મતો પડ્યા હતા. આથી આ બન્ને દરખાસ્તો અંગે સ્વાભાવીક રીતે આગળ પગલા ન ભરી શકાય. અમેરીકાના પ્રમુખને સરહદે દિવાલ બાંધવા માટે ખર્ચના નાણાંની જોગવાઇ તથા ફેબ્રુઆરી માસની ૮મી તારીખ સુધી તાળાબંધી દૂર થાય એવી બન્ને દરખાસ્તોનો સેનેટમાં પરાજય થતા હાલમાં ૩૪માં દિવસથી તાળાબંધી ચાલુ રહેશે એવું હાલના વાતાવરણ પરથી માલુમ પડી રહ્યું છે.

આ અંગે થયેલા મતદાનની વિગતોમાં જાણવા મળે છે તેમ ડેમોક્રેટીક પાર્ટીના એક સેનેટરે સરહદ પર દિવાલ બાંધવા માટે જે ખર્ચની દરખાસ્ત રજુ કરવામાં આવેલ જેને પ૦ મતો મળેલ છે તેમં આ સેનેટરનો મત આવી જાય છે. રીપબ્લીકનોનો ૪૯ મતો તેમજ ૧ મત ડેમોક્રેટીક સેનેટરનો મળી કુલ્લે પ૦ મતો થવા જાય છે. જ્યારે બીજી દરખાસ્ત કે જેમાં ટેમ્પરરી તાળાબંધી દુર કરવા માટેની હતી. તે દરખાસ્તમાં છ રીપબ્લીકન પાર્ટીના સેનેટરોએ મતદાન કરતા કુલ્લે પ૨ મતો આ દરખાસ્તને મળેલા છે. મતોની ગણતરી પૂર્ણ થઇ ગયા બાદ સેનેટરોનું એક નાનું ગ્રુપ કે જેના સભ્યોએ સરકારમાં તાળાબંધી ચાલે છે તેનો અંત તાત્કાલીક ધોરણે ઓવી એવી લાગણીઓ વ્યકત કરી હતી. આ વેળા સેનેટના બહુમતી પક્ષના નેતા મીચ મેકોનલ તથા લઘુમતી પક્ષના નેતા ચક શ્યુમર એમ બન્ને વ્યકિતઓ અંગત મંત્રણાઓમાં પરોવાયેલા હતા.

ઘણા લાંબા સમયથી સરકારી તંત્રમાં તાળાબંધી ચાલી રહેલ છે અને તેનાથી મોટાભાગના ચુંટાયેલા નેતાઓ અકળાયેલા છે. પરંતુ પાર્ટીની શિસ્તને લઇને તેમન મોં બંધ થઇ ગયેલા છે. હવે જાણવા મળે છે કે ડેમોક્રેટીક પક્ષના હાઉસના ચુંટાયેલા નેતાઓ એક દરખાસ્ત તૈયાર કરી રહ્યા છે અને તે અંગે શુક્રવારે (કાલે) તેની માહિતીઓ અમેરીકન પ્રજાને આપશે. સરહદોની સુરક્ષા હોવી જોઇએ એવું ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પણ ઇચ્છી રહ્યા છે. પરંતુ તે વ્યવહારિક એ તે અંગે ચર્ચા પણ થવી જોઇએ પરંતુ આ અંગે લેશમાત્ર કંઇપણ થયું હોવાના સમાચાર સાંપડ્યા નથી માટે વ્યાજબી ગણી શકાય નહીં. આ અંગે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જીદ છોડીને વ્યવહારૂ માર્ગ અપનાવે એવું અમેરીકન પ્રજા પણ ઇચ્છી રહી છે.

આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી દરખાસ્ત રજુ કરી છે જેમાં તેમણે ત્રણ અઠવાડીયા માટે સરકારી તંત્રમાંથી તાળાબંધી દુર કરવા જણાવ્યું છે પરંતુ દિવાલના ખર્ચ માટે ડાઉન પેમેન્ટની માંગણી કરેલ છે. પરંતુ આ શરત ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓને માન્ય નથી તેથી હવે તાળાબંધી દુર થાય તે અંગે કેવા પ્રકારના પગલા ભરવામાં આવે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે.

(6:16 pm IST)