Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

''આવ્યા માના નોરતા'': અમેરિકામાં IACFNJના ઉપક્રમે ભારતના લોકપ્રિય તહેવાર ''નવરાત્રિ ઉત્સવ''ની ભવ્ય ઉજવણી કરાશેઃ ૪ તથા ૫ ઓકટો અને ૧૧ તથા ૧૨ ઓકટો ૨૦૧૯ દરમિયાન થનારી ઉજવણી અંતર્ગત ગરબા, દાંડીયારાસ, સનેડો, ભાંગરા સહિત લાઇવ મનોરંજન સાથે મહેશ મહેતાની ટીમ ખેલૈયાઓને ગરબે ધુમાવશેઃ શણગારેલા સ્ટેજ ઉપર મુકાનારી અંબામાની મૂર્તિ સમક્ષ રોજ આરતી કરી પ્રસાદ વિતરણ કરાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.સ્થિત ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી (IACFNJ)ના ઉપક્રમે આગામી ૪ તથા ૫ ઓકટો તેમજ ૧૧ તથા ૧૨ ઓકટો ૨૦૧૯ના રોજ ભવ્ય નવરાત્રિ ગરબા પ્રોગ્રામ યોજાશે.

સાઉથ બ્રન્સવીક મુકામે યોજાનારા નવરાત્રિ ઉત્સવનો સમય રાત્રિના ૮-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધીનો રહેશે. જે અંતર્ગત પ્રથમ ૩ દિવસ એટલે કે ૪,૫ તથા ૧૧ ઓકટો.ના રોજ ક્રોસરોડસ સાઉથ મિડલ સ્કૂલ,૧૯૫,મેજર રોડ, મોનમાઉથ જંકશન ખાતે તથા છેલ્લા દિવસે ગરબા તથા શરદ પૂર્ણિમા ઉત્સવ સાઉથ બ્રન્સવીક હાઇસ્કુલ, ૭૫૦ રિજ રોડ, મોનમાઉથ જંકશન ન્યુજર્સી ખાતે ઉજવાશે.

IACFNJ દ્વારા છેલ્લા દસકા જેટલા સમયથી ઉજવાતો નવરાત્રિ ઉત્સવ સેન્ટ્રલ જર્સી વિસ્તારમાં ભારે લોકપ્રિય થઇ ચૂકયો છે. જેમાં ભારતના જુદા જુદા વિસ્તારોના બે હજાર ઉપરાંત વતનીઓ ઉમટી પડી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે ઉત્સવમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે.  તથા રાત્રિના ૯-૩૦ વાગ્યા પહેલા પ્રવેશ મેળવી લેનાર માટે ચોક્કસ એન્ટ્રી મળી શકશે. IACFNJ આયોજીત આ ઉત્સવ સૌથી મોટો, પારિવારિક,સલામત, તથા વ્યવસ્થિત આયોજન સાથે વખણાઇ ચૂકયો છે.

ઉત્સવમાં ફરી એક વાર સુપ્રસિધ્ધ મહેશ મહેતા અને તેના કલાકારોનું ગૃપ, બોલિવુડ તથા સ્થાનિક સિંગર્સ તેમજ મ્યુઝીશીઅન્શ ખેલૈયાઓને ગરબે ધુમાવશે તથા પરંપરાગત ગરબા, દાંડીયારાસ, સુવિખ્યાત સનેડો, ભાંગરા સાથે સતત પાંચ કલાક સુધી ત્રણે દિવસ લાઇવ મનોરંજન માણવાની તક મળશે. તેમજ દરેક ઉમરના ખેલૈયાઓ પોતપોતાની વેશભૂષા તથા વસ્ત્ર પરિધાન સાથે ડાન્સ તથા ગરબાનો આનંદ માણી શકશે. તથા ભારતના દરેક પ્રાંતના વતનીઓ ફલોર ઉપર ગરબા માણવાનો લાભ મેળવશે.

પ્રોગ્રામમાં હાઇસ્કુલના તથા જુદા જુદા રિલીજીયન ગૃપના બાળકો ખાસ આકર્ષણરૂપ બની રહેશે. ચારે દિવસ અંબા માતાજીની આરતી થશે તથા પ્રસાદ વિતરણ કરાશે અંબામાની મૂર્તિ સાથે સેન્ટ્રલ સ્ટેજ શણગારાશે. જુદા પ્રકારના ફુડ સ્ટોલ્સ,આઇસ્ક્રીમ, પાન, વસ્ત્રો, જવેલરી સ્ટોલ્સની વ્યવસ્થા કરાઇ છે.

ઉજવણીમાં શામેલ થવા સ્થાનિક વ્યાવસાયિકો, કોમ્યુનીટી લીડર્સ, સ્થાનિક તથા સ્ટેટ કક્ષાના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાજનો ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીન ઇતિહાસનો આનંદ માણશે ઉત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા IACFNJ ચેરમેન શ્રી હિતેશ પટેલ, પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ, વાઇસ પ્રેસિડન્ટ શ્રી મહેશ પટેલ, તથા શ્રી દેવેન પટેલ, સેક્રેટરી શ્રી મેક શાહ, ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી સુશ્રી સુરભિ અગરવાલ તથા ટ્રસ્ટીસ શ્રીરાઓજી પટેલ, શ્રી જોઇન્ટ સેક્રેટરી સુશ્રી સુરભિ અગરવાલ તથા ટ્રસ્ટીસ શ્રી રાઓજી પટેલ, શ્રી રેવો નાવાણી શ્રી જાધવ ચૌધરી તથા શ્રી મુર્થી યેરામલ્લીના માર્ગદર્શન હેઠળ વોલન્ટીઅર્સટીમ જહેમત ઉઠાવી રહી છે.

વિશેષ માહિતિ www.IACFNJ.org અથવા info@iacfnj.org દ્વારા મળી શકશે તેવું શ્રી તુષાર પટેલની યાદી જણાવે  છે.

 

(9:59 pm IST)