Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જાન્‍યુઆરી માસની રરમી તારીખને સોમવારે સાંજે સેનેટ અને હાઉસના સભ્‍યોએ જે બીલ પસાર કરેલ તેના પર હસ્‍તાક્ષર કરતા બંધ પડેલ કેન્‍દ્ર સરકારનુ વહીવટી તંત્ર કાર્યવંત બન્‍યુઃ બંન્‍ને પાર્ટીના રાજકીય આગેવાનોને પરસ્‍પર અવિશ્વાસની લાગણી હોવાથી સમગ્ર બીના ટલ્લે ચઢી ગઇ હતી પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતા મીચ મેકોનલે સેનેટરોને યોગ્‍ય ખાત્રી આપતા તેમના વકતવ્‍ય પર ભરોશો રાખી ડેમોક્રેટીક પક્ષના ૩૩ જેટલા સભ્‍યોએ હકારાત્‍મક વલણ અપનાવી બીલને મત આપ્‍યોઃ ચીલ્‍ડ્રન હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પ્રોગ્રામ આગામી છ વર્ષ સુધી કાર્યવંત રહેશેઃ આગામી ફેબ્રુઆરી માસની ૮ મી તારીખ સુધીજ ડેમોક્રેટીક પાર્ટીનો શરતી ટેકો રહેશે અને ત્‍યાર બાદ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ અન્‍ય માર્ગો શોધવા પડશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ગયા શુક્રવારની મધ્‍યરાત્રીથી ફેડરલ ગવર્નમેન્‍ટના ખર્ચાની મંજુરીના અભાવે સમગ્ર સરકારી વહીવટી તંત્ર કામ કરતું સ્‍થગીત થઇ ગયુ હતું અને તેને કાર્યવંત બનાવવા માટે રીપબ્‍લીકન પાર્ટી તેમજ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટના નેતાઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા અને છેવટે જાન્‍યુઆરી માસની ૨૨મી તારીખને સોમવારે મધ્‍યાન્‍હે સ્‍થીગત થયેલ ફેડરલ ગવર્નમેન્‍ટનું તંત્ર કાર્યવંત બને તે માટે મતદાન થતા તેની તરફેણમાં ૮૧ મતો સેનેટમાં મળતા રાજકીય આગેવાનોમાં રાહતની લાગણીઓ પ્રસરેલી જોવા મળતી હતી. સેનેટના પ્રસ્‍તાવને જે ૮૧ મતો મળ્‍યા હતા તેમાં ૪૮ મતો રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરોના તેમજ ૩૩ જેટલા મતો ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોના હતા.

ગયા શુક્રવારથી કેન્‍દ્ર સરકારનું વહીવટી તંત્ર ખર્ચાની મંજુરીના અભાવે સ્‍થગીત થઇ ગયેલુ હતુ અને બંન્‍ને પાટીના સેનેટરોને એક બીજામાં લેશમાત્ર વિશ્વાસ ન હતો કારણકે આ અંગે અવનવા સમાચારો વારંવાર જાણવા તથા જોવા મળતા હતા. ડમોક્રેટીક પાર્ટીના નેતાઓ માટે ઇમીગ્રેશન તેમજ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહુડ એરાયવલ્‍સનો જે પ્રોગ્રામ ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસથી અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક વહીવટી હૂકમ દ્વારા રદ કર્યો હતો અને તેથી આઠ લાખ જેટલા લોકોનું ભાવી અંધકારમય બની જવા પામ્‍યું હતું પરંતુ હવ ેઆ સમગ્ર પ્રશ્ન અદાલતને આંગણે હોવાથી નામદાર ન્‍યાયાધીશે કામ ચલાવ ધોરણે આ કેસનો ચુકાદો ન આવે ત્‍યાં સુધી તેને ચાલુ રાખવાનો હૂકમ કરેલ છે અને જે લોકોની વર્ક પરમીટ પૂર્ણ થઇ ગયેલી હશે તેવા લોકો પોતાની વર્ક પરમીટ રીન્‍યુ કરાવી શકે છે અને ગયા શનિવારથી તેનો અમલ પણ શરૂ ચુકેલ છે.

સોમવારે સેનેટમાં રીપબ્‍લીકન પાર્ટીના બહુમતી પક્ષના નેતા મીચ મેકોનલે તમામ સેનેટરોને કેન્‍દ્ર સરકારનુ વહીવટી તંત્ર કાર્ય કરતુ બંધ થઇ ગયેલ છે તે કાર્ટ કરતુ થાય તે દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા વિનંતી કરી હતી તેની સાથે સાથે તેમણે ડાકાના સમગ્ર પ્રશ્ન અંગે સેનેટમાં જરૂરી ચર્ચા હાથ ધરી તે અંગે મતદાન કરવા દેવામાં આવશે એવી કરેલી જાહેરાત પર સૌ સભ્‍યોએ વિશ્વાસ રાખી બંધ પડેલુ સરકારી તંત્ર કાર્યવંત બને તે માટે તેની તરફેણમાં મતદાન કર્યુ હતું.

સેનેટમાં મતદાન પૂર્ણ થયા બાદ સોમવારે સાંજના હાઉસમાં પણ આ પ્રસ્‍તાવ રજુ કર્યા બાદ તેના પર પણ મજુરીની જાહેર મારવામાં આવી હતી અને ત્‍યાર બાદ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેના પર હસ્‍તાક્ષર કરતા સરકારી તંત્ર કાર્ય કરતુ થઇ ગયુ હતુ.

સેનેટમાં આ સમગ્ર પ્રશ્ન અંગે જયારે ચર્ચાઓ હાથ ધરવામાં આવેલ ત્‍યારે ચીલ્‍ડ્રન હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પ્રોગ્રામનો અમલ આગામી છ વર્ષ સુધી રહેશે અને તે અંગે જરૂરી નાણા પણ ફાળવવામાં આવશે એવા કરવામાં આવેલ નિર્ણયને સૌએ આવકાર્યો હતો.

સરકારી વહીવટી તંત્ર જે ઠપ પડી ગયેલ છે તે ફેબ્રુઆરી માસની ૮મી તારીખ સુધીજ કાર્યવંત બને તે શરતે તેને અનુમતી આપવામાં આવેલ છે અને હવે તેને કાર્યવંત રાખવાની સમગ્ર જવાબદારી રીપબ્‍લીકન પાર્ટીના શીરે આવી પડેલી હોય તેમ પ્રજા માની રહી છે.

જે ડેમોક્રેટીક સેનેટરોએ આ અંગેના મતદાનમાં ભાગ લઇને તેની તરફેણમાં એટલા માટે મત આપ્‍યો હતો કે સેનેટમાં ઇમીગ્રેશન અંગેની ચર્ચાઓ હાથ ધરી શકાય. હવે આગામી દિવસોમાં આ અંગે કેવા આગળના પગલા ભરવામાં આવે તે તરફ સૌનુ ધ્‍યાન કેન્‍દ્રિત થયેલુ જોવા મળે છે.

આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્‍યારે અમોને છેલ્લા સમાચારો એવા પ્રાપ્ત થયા છે કે મોટા ભાગના રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરો ઇમીગ્રેશનના અને તેમાં પણ ખાસ કરીને ડાકા પ્રોગ્રામના સળગતા પ્રશ્નો તેમજ અન્‍ય પ્રશ્નો અંગે ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરો સાથે કાર્ય કરવા સંમત થયેલા છે અને તે ભૂમિકાને ધ્‍યાનમાં રાખી આવા પ્રકારના નિર્ણયો લેવામાં આવેલ છે હવે આ સેનેટરોએ જે ખાત્રી આપેલ છે તેનું તેઓ પાલન કરે છે કે કેમ તે જોવાનુ રહે છે આ અંગેના સમાચારો અમો અત્રે અવર નવર પ્રગટ કરતા રહીશુ તેની સૌ વાંચક વાર્ગ ખાત્રી રાખે.

(10:55 pm IST)