Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

શિકાગોમાં ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપીના ઉપક્રમે ભારતના લોકલાડીલા ભુતપુર્વ વડાપ્રધાન સ્‍વ. અટલ બિહારી વાજપેયીજીને અર્પવામાં આવેલી શ્રધ્‍ધાંજલીઃ શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટ ટાઉનમાં આવેલા પુજય જલારામ બાપાના મંદિરમાં સભાનું કરવામાં આવેલું આયોજનઃ ભારતીય સમાજના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં હાજર રહીને અટલજીને અર્પવામાં આવેલી શ્રધ્‍ધાંજલીઃ ભુતપુર્વ વડાપ્રધાન સ્‍વ. અટલજીના વિવિધ પ્રકારના પ્રવચનોની વિડિયો કલીપો પ્રદર્શીત કરવામાં આવી. ભારતના સુપ્રસિધ્‍ધ ગાયક સ્‍વ. જગજીતસિંગના સુમધુર કંઠે ગવાયેલી અટલજીની કવિતાઓ રજુ કરતા સોૈ ભાવવિભોર બની ગયા

 (કપિલા શાહ દ્વારા) શિકાગો ભારતના ભુતપુર્વ વડાપ્રધાન સ્‍વ. અટલ બિહારી વાજપેયીજીનું ઓગષ્‍ટ માસની ૧૬ મી તારીખે અચાનક નિધન થતાં સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોમાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી અને તેની અસર શિકાંગો અને તેની આજુબાજુના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોમાં પણ પ્રસરી જવા પામી હતી અને સર્વત્ર જગ્‍યાએ શોકની લાગણીઓ જોવા મળતી હતી. સ્‍વર્ગસ્‍થના આત્‍માને શાંતિ મળે તથા તેમણે કરેલા કાર્યોની ઝાંખી મેળવવા માટે ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપી શિકાગો ચેપ્‍ટરના ઉપક્રમે એક શ્રધ્‍ધાંજલી સભાનું આયોજન ઓગષ્‍ટ માસની ૨૨ મી તારીખે બુધવારે સાંજના સાડા છ વાગ્‍યે શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટ ટાઉનમાં આવેલા કલાત્‍મક પૂજય જલારામ બાપાના મંદિરના ભવ્‍ય વિશાળ હોલમાં કરવામાં આવ્‍યું હતું. અને તે વેળા મોટી સંખ્‍યામાં ભારતીય સમાજના ભાઇ-બહેનોએ હાજરી આપી હતી.

શ્રધ્‍ધાંજલી સભાની શરૂઆતમાં ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપી શિકાંગો ચેપ્‍ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોષીએ સૌને આવકાર આપી આજના કાર્યક્રમની આછેરી રૂપરેખાઓ આપી હતી. તેમણે પોતાના પ્રવચનમાં ભુતપુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ભારત રાષ્‍ટ્રના નવ નિર્માણમાં જે ભગીરથ પ્રયાસ કર્યો હતો તેની જરૂરી માહિતીઓ આપી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી અમર ઉપાધ્‍યાયે પણ સ્‍વ. અટલજીને પ્રજાના હિતાર્થે જે-જે કાર્યો કર્યા હતા તેની માહિતી આપી હતી. પોતાના પ્રવચનમાં પોખરણમાં ભારતના હિતાર્થે જે અણુપરિક્ષણો કર્યાં હતા તેની વિગતો તેમણે રજુ કરી હતી અને તેમણે આવા કરેલા કાર્યોને બિરદાવ્‍યા હતા.

આ પ્રસંગે શિકાગો વિસ્‍તારમાં સીનીયરોના હિતાર્થે જે એસોસીએશનો કાર્યવંત છે જેમાં (૧) યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાંગોના પ્રમુખ રમણભાઇ પટેલ, (ર) સીનીયર સીટીઝન ઓફ શિકાંગોના પ્રમુખ નરસિંહભાઇ પટેલ તેમજ (૩) ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાંગોના પ્રમુખ હરિભાઇ પટેલે પણ હાજરી આપી હતી અને આ ત્રણે એસોસીએશન વતી હરિભાઇ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભુતપુર્વ વડા પ્રધાન સ્‍વ. અટલ બિહારી વાજપેયીજીની કાર્યશેૈલીનાં મુકત કંઠે વખાણ કર્યાં હતા.

અને સર્વે સીનીયર ભાઇ -બહેનો વતી તેમણે સ્‍વ. અટલજીને શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

આ વેળા ભારતીય જનતા પાર્ટીના યુવા પાંખના અગ્રણી નિરવ પટેલ, ટી.વી. એશીયાના મીડવેસ્‍ટ રીજીયનના મુખ્‍ય સંવાદદાતા વંદના જીંગનજી નેચરવીલ વિસ્‍તારના સામાજીક કાર્યકર કૃષ્‍ણ બંસલ, એફઆઇએના અગ્રણી સુનીલ શાહ, શિકાંગોના સામાજીક કાર્યકરો સોહન જોશી, શૈલેશભાઇ રાજપુત તેમજ જલારામ મંદિરના ચેરમેન ચિરાયુ પરીખે પોતાની સંવેદનશીલ વાણીમાં સ્‍વ. અટલ બિહારી વાજપેયીજીને શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

શ્રધ્‍ધાંજલીનાં કાર્યક્રમ દરમ્‍યાન ભુતપુર્વ વડાપ્રધાન સ્‍વ. અટલજીના કેટલાક અગત્‍યના પ્રવચનોની વિડિયો કલીપો બતાવવામાં આવી હતી અને તમામ ઉપસ્‍થિત રહેલા શ્રોતાઓએ તે સાંભળી હતી.

શ્રધ્‍ધાંજલી સભાના અંતમાં શિકાગો ચેપ્‍ટરના પ્રમુખ રોહિત ભાઇ જોશીએ આભાર વિધિ કરી હતી અને તેમાં જલારામ બાપાના મંદિરના સંચાલકોએ જે સુંદર વ્‍યવસ્‍થા કરી તે બદલ તેમનો ખાસ આભર માન્‍યો હતો. તેમજ સ્‍વ. અટલ બિહારી વાજપેયીજીએ પોતે જે સુંદર કવિતાઓની રચના કરેલ તે કવિતાઓ ભારતના સુપ્રસિધ્‍ધ ગાયક સ્‍વ. જગજીત સીંગે પોતાના સમધુર કંઠે ગાયેલ તે રજુ કરવામાં આવતા સર્વે લોકો સાંભળીને ભાવ વિભોર બની ગયા હતા અને એક કતારમાં શિસ્‍તબધ્‍ધ રીતે ઉભા રહી પોતાનો ક્રમ આવે તે મુજબ અટલજીને પુષ્‍પાંજલી વડે શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા હતા. અને વિધિપુર્ણ થયા બાદ આ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

વધારામાં યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના પ્રમુખ રમણભાઇ પટેલ તથા સીનીયર સીટીઝન ઓફ શિકાગોના પ્રમુખ નરસિંહભાઇ પટેલ કે જેઓ શિકાંગોમાં સીનીયર સંસ્‍થા ચલાવે છે. તેમણે અમારી એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે ભારતના  ભુતપુર્વ વડાપ્રધાન સ્‍વ. અટલજી એક બહાદુર અને દિર્ધ દ્રષ્‍ટિવાળા રાજકીય નેતા હતા અને તેમણે રાષ્‍ટ્રના હિતાર્થે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરેલ છે જે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. રાષ્‍ટ્રનું હિત ધ્‍યાનમાં રાખીને અને તેના રક્ષણ માટે તેમણે રાજસ્‍થાન રાજયમાં પોખરણ વિસ્‍તારમાં જે અણુ પરિક્ષણ કરીને વિશ્વને સ્‍તબ્‍ધ કરી દીધુ હતુ અને તેમની આ હિંમત તથા દિર્ધ દ્રષ્‍ટિને આ સીનીયર પ્રમુખોએ બિરદાવી હતી. સ્‍વ. અટલજી જેવા વડાપ્રધાન ભારતને મળવા મુશ્‍કેલ છે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

(11:18 pm IST)