Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

યુ.એસ.સ્થિત શ્રી મનુભાઈ દુલ્લભભાઈ પટેલના પત્ની શ્રીમતી તારાબેન મનુભાઈ પટેલનું દુઃખદ અવસાન : 65 વર્ષની ઉંમરે ન્યુજર્સી મુકામે 3 ડિસેમ્બર 2020 ના રોજ અંતિમ શ્વાસ લીધા : સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળની શ્રદ્ધાંજલિ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં જર્સી સીટી ,ન્યુજર્સી મુકામે સ્થાયી થયેલા તથા સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળના આજીવન સભ્ય શ્રી મનુભાઈ દુલ્લભભાઈ પટેલ  ( એંધલ ગામ ) ના પત્ની શ્રીમતી તારાબેન મનુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે.તેમણે 65 વર્ષની ઉંમરે ન્યુજર્સી મુકામે 3 ડિસેમ્બર 2020 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

સ્વ.શ્રીમતી તારાબેનનો ઉછેર નોગામા ગામે  તેમના બે ભાઈઓ શ્રી લાલુભાઇ તથા શ્રી ઠાકોરભાઈ અને બે બહેનો શ્રીમતી કમળાબેન તથા શ્રીમતી મીનાબેન સાથે થયો હતો.તેઓ પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા હતા.અને નવસારી હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક  ( શ્રી એમ.ડી.પટેલ ) શ્રી મનુભાઈ દુલ્લભભાઈ પટેલ ( એંધલ ગામ ) સાથે તેમના લગ્ન થયા હતા.તેઓ 1988 ની સાલમાં શ્રીમતી મીનાબેન મારફત યુ.એસ.એ.માં સ્થાયી થયા હતા.જ્યાં તેમણે તેમના બે બાળકો પુત્ર પ્રણવ તથા પુત્રી અરૂંધતીનો ઉછેર કર્યો હતો.તેમજ તેમના 4 ગ્રાન્ડ ચિલ્ડ્રન અવી ,વીર ,રોહીન તથા જીયાનો ઉછેર કરવામાં પણ તેઓ મદદરૂપ થયા હતા.

સદ્દગતની  અંતિમ યાત્રા 5 ડિસેમ્બર 2020 ના રોજ હડસન ક્રિમેટરી નોર્થ બર્ગન ન્યુજર્સી મુકામે યોજાઈ હતી.કોવિદ -19 સંજોગોને કારણે નજીકના પરિવારના સગા જ હાજર રહી શક્યા હતા.

સદગતના પરમ પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી શ્રધ્ધાંજલી સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ વતી ફાઉન્ડર પ્રેસિડન્ટ શ્રી વીરુ પટેલે આપી હતી.તેવું સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

વિશેષ માહિતી માટે શ્રી પ્રણવ એમ.પટેલનો કોન્ટેક નં 201-988-2217 દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.

ઓમ શાંતિ.

(12:53 pm IST)