Gujarati News

Gujarati News

News of Tuesday, 14th November 2017

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્‍યોએ અન્‍નકૂટ મહોત્‍સવ તથા દિવાળી પર્વની કરેલી શાનદાર ઉજવણીઃ વીલીંગ ટાઉનના સ્‍વામીનારાયણ મંદિરમાં અન્‍નકુટ મહોત્‍સવની કરેલી ઉજવણીઃ સંતો તથા સીનીયર સભ્‍યોએ મોટી સંખ્‍યામાં આપેલી હાજરી

 (કપિલા શાહ દ્વારા)શિકાગોઃ શિકાગો નજીક ડેસપ્‍લેઇન્‍સ ટાઉનમાં સીનીયરોના હિતાર્થે  એક સંગઠન છેલ્લા દસ વર્ષથી કાર્યવત છે અને તેના સંચાલકો દ્વારા વીલીંગ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ મંદિરમાં દિવાળી પર્વ તથા અન્‍નકૂટ મહોત્‍સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને તે પ્રસંગે આશરે ૩૦૦ જેટલા ભાઇ બહેનો તથા શુભેચ્‍છકોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે શરૂઆતમાં દિપ પ્રાગટય વિધિ કરવામાં આવી હતી અને તેમાં અરવિંદભાઇ તથા શારદાબેન તેમજ છીતુભાઇ પટેલ, હસમુખ સોની, રમેશ ચોકસીએ ભાગ લીધો હતો. જયારે શિકાગોના જાણીતા આચાર્ય રોહિતભાઇ જોશીએ મંત્રોચ્‍ચાર દ્વારા ધાર્મિક વિધીઓ કરી હતી.

આ સંસ્‍થાના મંત્રી રમેશ ચોકસીએ સૌને આવકાર આપી દિવાળી પર્વ તથા અન્‍નકૂટ મહોત્‍સવની ઉજવણી પ્રસંગે અભિનંદન અર્પી સૌ પ્રત્‍યે શુભકામના વ્‍યક્‍ત કરી હતી. આ વેળા સ્‍વામીનારાયણ મંદિરના સંતોએ પણ હાજરી આપી હતી અને તેમણે દિવાળી પર્વ તથા અન્‍નકુટ મહોત્‍સવ અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી અને સર્વે સીનીયર ભાઇ બહેનોને દિવાળી પર્વ નિમિતે શુભ કામના વ્‍યક્‍ત કરી હતી. તેમણે મંદિરના સંચાલકો દ્વારા નવો હોલ તૈયાર થનાર છે તેની માહિતી આપી હતી અને સૌ હરિભક્‍તો તથા સીનીયર સંસ્‍થાના સભ્‍યોને સારી એવી સુવિધા પ્રાપ્ત થશે એવું તેમણે વધારામાં જણાવ્‍યુ હતુ.

આ પર્વની ઉજવણી પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ટ્રાન્‍સીસન હોમ હેલ્‍થ કેરના માલિક ચિરાગ શાહ પધાર્યા હતા અને તેમણે આ પર્વની ઉજવણી પ્રસંગે સૌને અભિનંદન આપ્‍યા હતા. આ વેળા પ્રદુમન પાઠકે તમામ સભ્‍યોને ઇન્‍દ્‌રાજાની પૂંજા કરવાના બદલે ગોવર્ધન પર્વતની પૂંજા શા માટે કરવી જોઇએ તે અંગે શ્રીકૃષ્‍ણે ગોકુળવાસીઓને જે સલાહ આપી તેની વિસ્‍તૃત માહિતી તેમણે સર્વેને આપી હતી. શિકાગોના આચાર્ય પ્રીસ્‍ટ રોહિતભાઇ જોશીએ દિવાળીનું મહત્‍વ સમજાવ્‍યુ હતુ.

સંસ્‍થાના પ્રમુખ રમણભાઇ પટેલ ભારતના પ્રવાસે ગયેલા હોવાથી તેમણે ત્‍યાંથી આ પર્વની ઉજવણી નિમિતે જે શુભ સંદેશ મોકલેલ તેનું વાંચન છીતુભાઇ પટેલે કર્યુ હતું

આ વેળા અન્નકુટની આરતી પણ કરવામાં આવી હતી અને સર્વેએ તેમાં ભાગ લીધો હતો.

સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપી સૌ વિખુટા પડયા હતા.  

 

(9:47 pm IST)