Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

" જલસો નંબર બસ્સો " : વિદેશની ધરતી પર છેલ્લાં ૧૯ વર્ષથી નિયમિત રીતે ચાલતી હ્યુસ્ટનની ' ગુજરાતી સાહિત્ય સરિતા' : ૨૫મી ઓગષ્ટના રોજ ૨૦૦મી બેઠકની શાનદાર રીતે જાનદાર ઉજવણી કરી

હ્યુસ્ટન :  શ્રાવણના તહેવારોના ઓચ્છવની જેમ બપોરે ૧ થી ૫ના સમય દરમ્યાન સુગરલેન્ડના કોમ્યુનીટી સેન્ટરમાં સાહિત્ય સરિતાના સૌ સભ્યો, સુશોભિત ગુજરાતી પરિધાનમાં સુસજ્જ બની મહાલતાં હતા. શ્રી હસમુખભાઈ દોશીના સૌજન્યથી ગોઠવાયેલ ભોજન-વિધિ બાદ  બરાબર ૨.૩૦ વાગે સરસ્વતીની પ્રાર્થનાથી શુભ આરંભ થયો. સંસ્થાના પ્રમુખ અને બેઠકના સૂત્રધાર શ્રી ફતેહ અલીભાઈએ, મહેમાન કવિ શ્રી સુરેશભાઈ ઝવેરીનું સ્વાગત કરી,  ગઝલિયતના કેફથી  શ્રોતાજનોને  ઉમળકાભેર આવકાર્યાં. ખીચોખીચ ભરાયેલા હોલમાં, ઘરના લગ્ન પ્રસંગ જેવો માહોલ વરતાતો હતો. પ્રોજેક્ટરના પડદા ઉપર  ૨૦૦ ફોટાઓનો સ્લાઈડ શો ચાલી રહ્યો હતો. બેઠકનો વિષય 'ગુજરાતી સાહિત્ય સરિતા'હતો અને સૌના ચહેરા પર ગર્વના પર્વ જેવી ગરિમા છલકાતી હતી. એક પછી એક  ૯-૧૦ વક્તાઓ સંસ્થા વિશેની પોતાની અભિવ્યક્તિ રજૂ કરતા જતા હતા.પ્રવીણાબહેન કડકિયાએ સંસ્થાના સદગત  સર્જકોને તેમની કામગીરી સાથે યાદ કરી  શબ્દાંજલિ અર્પી.  દેવિકાબહેન ધુવે, ૧૯ વર્ષની પ્રવૃત્તિઓને બિરદાવતા સંસ્થાની દરેક વ્યકિતઓને, તેમની જુદા જુદા ક્ષેત્રે  આપેલી સેવાઓને  મન મૂકીને વધાવી. શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ સંસ્થાની સ્થાપના અંગે પોતાની વર્ષો જૂની સ્મૃતિને ઢંઢૉળી ભાવવિભોર  રજૂઆત કરી. સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે સાહિત્ય સરિતાને  'પરબ 'સમી ગણાવી, પીનાર અને પીવડાવનાર બંનેની તરસ છીપાય છે એવી અર્થસભર વાત કરી.

બે વક્તાઓની વચ્ચે સૂત્રધાર પણ વિષયને ન્યાય આપતા, ભૂતપૂર્વ પ્રમુખ અને તેમની સમિતિને  યોગ્ય રીતે બિરદાવતા જતા હતા.શ્રી વિજયભાઈ શાહે સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધી થયેલો ટેક્નીકલી વિકાસ અને તેને કારણે સર્જનની પ્રવૃત્તિમાં થયેલા વેગ અંગે સુંદર છણાવટ કરી. એટલું જ નહિ, ગુજરાતી કીબોર્ડના  સંશોધક હ્યુસ્ટનસ્થિત વિશાલ મોનપરાને 'સ્પેલચેકર'ની સુવિધા અંગે પ્રેરણા આપી, વિનંતી કરી અને આશા પણ સેવી.વડિલ  શ્રી ધીરુભાઈ  શાહે વિષયાનુસાર બે નાનકડાં કાવ્યો રજૂ કર્યા. કિરીટભાઇ મોદીએ પણ પ્રસંગોચિત  જૂની સ્મૃતિ તાજી કરાવી.

 શ્રી નૂરુદ્દીન દરેડિયાએ વાતાવરણમાં રમૂજ રમતી મૂકી સૌને  ખડખડાટ હસાવ્યા.શ્રી મુકુંદભાઈ ગાંધીએ એકપાત્રીય અભિનય રજૂ કરી અનોખું દ્રષ્ય સર્જ્યુ.

બેઠકના  આ સપ્તરંગી મેઘધનુષને વધુ નિખારતા કુશળ સૂત્રધાર પણ મજેદાર શાયરીઓથી રંગ જમાવતા જતા હતા. રમૂજી રીતે  વિવિધ રંગના ફુવારા ઉડાડવાની તેમની અદાકારી શ્રોતાઓએ મનભરીને માણી.

 ત્યારપછી  ઉપપ્રમુખ શ્રીમતી શૈલાબહેને મહેમાન કવિ શ્રી સુરેશ ઝવેરીનો પરિચય આપ્યો અને ખજાનચી શ્રીમતી અવનીબહેન મહેતાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ. "બેફિકર'ના તખલ્લુસથી લખતા  કવિ શ્રી સુરેશભાઈ  ટૂંકી બહેરના એક પછી એક ચોટદાર શેર,મુક્તક અને ગઝલની રજૂઆત કરી શ્રોતાઓની દાદ પર દાદ મેળવતા ગયા.તેમના થોડા હળવા શેર આ રહ્યાઃ

     "પ્રેમ કરે છે હા,ના,કરતા.

      રહેવા દેને એના કરતા!!

 એણે કીધું એની હા છે.

 આ તો એનો પહેલો ઘા છે!

સાહિત્ય સરિતાને  માટે આ પ્રસંગને અનુરૂપ,  મમળાવવી ગમે તેવી પંક્તિઓ ભેટ આપી ગયા.

 આવીને ખાસ્સો જોયો છે, બસ્સોનો ઠસ્સો જોયો છે.

 શબ્દે શબ્દે હોય સરિતા, એવો મેં જુસ્સો જોયો છે.

ત્યાર પછી  શ્રી કિરીટભાઈ મોદી અને ઈન્દીરાબહેને એક ગુજરાતી ગીત" આયો રે આયો રે સાહ્યબો શું શું લાયો રે..  પર  વેશભૂષા સાથે આકર્ષક આંગિક અભિનય નૃત્ય  કર્યું.  શ્રીમતી ચારુબહેન વ્યાસે  રવીન્દ્રનાથ ટાગોરના એક બંગાળી ગીત 'મમ ચિત્તે,નિત નૃત્યે તાતા થૈ થૈ... પર  સુંદર નૃત્ય રજૂ કર્યું.

તે પછી  શંખનાદ અને ઢોલ નગારા સાથે, ૧૦ પાત્રો દ્વારા એક નાટ્યાત્મક રજૂઆત કરવામાં આવી જેનું શિર્ષક હતું "જલસો નંબર બસ્સો."  પ્રથમ બેઠકથી માંડીને ૨૦૦મી બેઠક દરમ્યાન,સંસ્થાની મુલાકાતે આવી ચૂકેલા 'આદિલ મનસુરીથી અનિલ ચાવડા સુધીના મોટાં ભાગના સર્જકોને તેમની કવિતાઓની પંક્તિઓ/શેરને સંવાદોમાં  ટાંકી યાદ કર્યાં  હતા. તો સાથે સાથે ૧૯ વર્ષમાં કરેલી પ્રવૃત્તિઓ જેવી કે,કાવ્યોત્સવ,શબ્દસ્પર્ધા, નાટકો,શેરાક્ષરી,ઉજાણી,દશાબ્દિ મહોત્સવ વગેરેને  અને તેની સુખદ ઘટનાઓને નાટ્ય સ્વરૂપે વાગોળી. એટલું જ નહિ સરિતાનું વહેણ ચાલુ રાખવા માટેનો સંદેશ પણ પાઠવ્યો.. નાટકનો ઉદ્દેશ પ્રેરણાદાયી હતો. સૌનો અભિનય અને સંવાદોની અભિવ્યક્તિ પણ કાબિલેદાદ રહી.

ત્યારપછી  શ્રીમતી ભાવનાબહેન દેસાઇની આગેવાની હેઠળ ગરબા રાસની રમઝટ જામી. તેમની સાથે આવેલ મહેમાન મિત્રો અને શ્રી જ્યોતિભાઈ દેસાઇએ પણ યાદગાર સૂર પૂરાવ્યો. ભાવનાબહેન રચિત ગરબો"સૌને હૈયે આનંદ આનંદ રે,સાહિત્ય સરિતાની ખાસ બેઠક રે..આજની બસ્સોમી બેઠક રે...માં ઘૂંટાયેલો રણકાર, સૂરોની રમઝટ ,વાજીંત્રોની સૂરીલી ધૂન વચ્ચે -નવરાત્રિની જેમ સૌ  મસ્તીથી ગરબે ઘૂમી અને ઝૂમી રહ્યા હતા.

અંતે સમયને ધ્યાનમાં લઈ , આભારવિધિ અને સમૂહ તસ્વીર બાદ, નિર્ધારિત સમયે, ચિરસ્મરણીય  કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.  આમ, 'રીમઝીમ બરસતા સાવન' જેવો આ ઉત્સવ  શરુઆતથી માંડીને  છેક અંત સુધી સંપૂર્ણતયા આસ્વાદ્ય  બની રહ્યો.આ પ્રસંગે મળેલા શુભ સંદેશાઓમાઃ

 ભારતથી  કવિ શ્રી રઈશ  મનીઆર,અનિલ ચાવડા, કૃષ્ણ દવે, શ્રી જવાહર બક્ષી, વાર્તાકાર શ્રી વલીભાઈ મુસા,  યુકે.થી  શ્રી અદમ ટંકારવી, શિકાગોથી શ્રી અશરફ  ડબાવાલા, મધુમતીબહેન મહેતા અને  ફલોરીડાથી ડો. દિનેશભાઈ શાહ ની આનંદપૂર્વક નોંધ લેતા, સા.સ.ના સૌ સભ્યો  અત્રે ગૌરવ, આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.

સાહિત્યની રુચિને જગવતા,ખીલવતા અને પ્રતીતિ કરાવતા, આ શાનદાર કાર્યક્રમના દરેક ભાઈબહેનોને, આયોજકોને, તમામ  તસ્વીરકારોને  'સાઉન્ડ સિસ્ટમ'ના  નવા યુવાન ગ્રુપના શ્રી ભાર્ગવ વસાવડા અને ધાર્મિક નાણાવટીને  અને હ્યુસ્ટનના સ્નેહાળ  સહાયકોને, ખોબો ભરીને દરિયા જેટલાં અભિનંદન અને બસ્સો ( ! ) શુભેચ્છાઓ.અસ્તુ....તેવું સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવ ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:39 pm IST)