Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

વિશ્વ કિડની દિને કિડનીની બિમારીઓ માટે જાગૃત થવું જરૂરી : ' કિડનીની બીમારી સાથે સારી રીતે જીવવું ' ધ્યેય સાથે આ બીમારીથી બચવાના સોનેરી સૂચનો : ડો.પ્રદિપ કણસાગરાની કલમે

 દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : વિજ્ઞાનની પ્રગતિથી આપણું જીવન આરામદાયક અને સુખ સગવડતાઓવાળું જરૂર થયું છે.પરંતુ આપણા કમનસીબે લાઈફ સ્ટાઇલ બદલવાથી અમુક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ ,હાઈ બ્લડ પ્રેસર ,ઓબેસિટી ,વગેરેનું પ્રમાણ વધ્યું છે.આ બીમારીઓથી હ્રદયરોગ તથા કિડની ફેઇલ્યોર પણ વધી રહ્યા છે.

રાજકોટની આપણી સેવાકીય બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં  રાજકોટમાં 2004 માં 8000 ડાયાલીસીસ થયા હતા.અને વર્ષ 2020 માં 30000 થયા છે.તે બતાવે છે કે બીમારીનો વ્યાપ કેટલો વધી રહ્યો છે.ખુશીની વાત એ છે કે આ બીમારીને આપણે અટકાવી શકીએ છીએ.

દર વર્ષે વિશ્વ કિડની દિવસ જુદા જુદા ધ્યેય  સાથે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે.આ વર્ષે 11 માર્ચ 2021 ગુરુવારના રોજ ' કિડનીની બીમારી સાથે સારી રીતે જીવવું ' એ ધ્યેય નક્કી કરવામાં આવેલ છે.લોકોમાં જનજાગૃતિ લાવવા ,કિડની બચાવવા સમજણ આપવા ,અને દર્દીઓને વહેલા નિદાન માટે પ્રોત્સાહિત  કરવા જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે.

કિડની શરીરનું મહત્વનું અંગ છે.છેલ્લા થોડા વર્ષોથી કિડની રોગનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે.કિડની જયારે ફેઈલ થાય ત્યારે દર્દીઓને કાયમી ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યંત ખર્ચાળ સારવાર કરાવવી પડે છે.

 

એક અંદાજ મુજબ ભારતમાં એક કરોડ લોકો કિડનીની બીમારીથી પીડાતા હશે.જેની સારવાર લોકોની પહોંચ બહારની  હોય છે.તેથી કિડનીની બીમારીઓ અટકાવવી એજ સરળ ઉપાય છે.અને તે માટે જનજાગૃતિ જરૂરી છે.

કિડની રોગના દર્દીને સામાન્ય રીતે ખબર પડે ત્યારે 90 ટકા કિડની ખરાબ થઇ ગઈ  હોય છે.તેથી કિડની રોગના જોખમવાળા લોકોએ કિડનીની તપાસ નિયમિત કરાવવી જોઈએ.

કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો અને કારણો :
નબળાઈ લાગે ,પેશાબના પ્રમાણમાં વધારો ઘટાડો થાય ,આંખ અને મોઢા ઉપર સોજા આવે ,હાંફ ચડે ,ઉલ્ટી -ઉબકા થાય ,શ્વાસમાં ખરાબ વાસ આવે.

મુખ્ય કારણો :
લોહીનું ઊંચું દબાણ ,ડાયાબિટીસ ,તથા મેદસ્વીતા અને પથરીની બીમારી વગેરે છે.

કિડનીની બીમારીથી બચવાના સોનેરી સૂચનો :
(1)  પ્રવાહી વધારે પીવું .દરરોજ આશરે બે લીટર પેશાબ થાય તેટલું પ્રવાહી પીવું.જેમણે તડકામાં કે ગરમીમાં કામ કરવું પડે છે તેમણે વધારે પાણી પીવું.કિડનીની મેડિકલ બીમારી હોય તેવા દર્દીઓએ નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની સલાહ મુજબ પ્રવાહી પીવું.

( 2 ) દુખાવા કે એસીડીટી માટે બિનજરૂરી દવાઓ ડોક્ટરની સલાહ સિવાય ન લેવી .

( 3 ) ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસરની બીમારી ડોક્ટરની સલાહથી નિયંત્રણમાં રાખો.નિયમિત કસરત ,વિવેકબુદ્ધિ પૂર્વક પૌષ્ટિક આહાર ,જરૂરી ઊંઘ ,અને યોગથી ડાયાબિટીસ તેમજ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.

( 4 ) દિવસ દરમિયાન સતત સક્રિય રહી ખોરાકની પરેજીથી વજન નિયંત્રણમાં રાખવું જોઈએ.

 

( 5 ) કિડનીની પથરી કે બીજી બીમારીની સમયસર સારવાર કરાવવાથી જીવલેણ બીમારીથી બચી શકાય છે.

( 7 ) જો પેટમાં અવારનવાર દુખાવો થતો હોય તો એક્સ-રે કે સોનોગ્રાફી કરાવી નિદાન કરાવવું ,પરંતુ દુખાવાની દવાઓ વારંવાર ન લેવી .

( 8 ) જો કુટુંબમાં કોઈને કિડનીની બીમારી થઇ હોય તો કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સમયસર સલાહ લેવી.

( 9 )  ધુમ્રપાન કે બીજા વ્યસનો છોડવા જોઈએ.અને ખરેખર તો કસરત અને યોગનું વ્યસન કરવું હિતાવહ છે.

આપના પરિવારના સભ્યો કે મિત્રમંડળમાં કિડનીની બીમારીઓ વિષે સમજણ આપી તેમને સમયસર કિડનીની બીમારીથી બચવા માહિતગાર કરવા વિનંતી.

આપણે  સહુ સમયસર સાવચેત થઇ આપણી કીડનીઓ બચાવીએ અને સમાજમાં જનજાગૃતિ લાવીએ તેવી નમ્ર વિનંતી.આપને જરૂર જણાય તો ગુજરાતી સરળ ભાષામાં મારી બુક વિનામૂલ્યે મેળવી શકો છો.

ડો.પ્રદિપ કણસાગરા
યુરોલોજિસ્ટ ( યુ.એસ.એ. )
સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી
સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ
રાજકોટ.
પૂર્વ માનદ યુરોલોજિસ્ટ
સિવિલ હોસ્પિટલ ,રાજકોટ.

(12:11 pm IST)