Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના લેબર ડીપાર્ટમેન્‍ટના અધિકારીઓએ એક નવો એસોશીએશન હેલ્‍થ પ્‍લાન નામનો કાયદો તૈયાર કરીને ગયા ગુરૂવારે જાહેર જનતા સમક્ષ રજુ કર્યો અને તે અંગે અમેરીકામાં વસવાટ કરતા મધ્‍યવર્ગ તથા ગરીબ પ્રજામાં પ્રસરી રહેલી ઉગ્ર અસંતોષની લાગણી : હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ અંગે જો આ નવા નિયમો કાયદાનું સ્‍વરૂપ ધારણ કરશે તો અદાલતમાં આ કાયદાને પડકારવામાં આવશે : કોંગ્રેસના નેતાઓ સિવાય ઓબામા કેરના હાલના કાયદામાં રતીભાર છેડછાડ કરવાનો કોઇને અધીકાર નથી : તથા હાલના કાયદાઓમાં જે દસ લાભો આપવામાં આવેલ છે તેમાં ફેરફાર કરવાનો લેબર ડીપાર્ટમેન્‍ટના અધીકારીઓને લેશ માત્ર અધીકાર નથી

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ,(શિકાગો) : અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહીવટી તંત્ર એક યા બીજા પ્રકારે એફોર્ડેબલ કેર એકટ કે જે સમગ્ર અમેરીકામાં ઓબામા કેર એકટના હૂલામણા નામથી ઓળખાય છે તેમા અનેક પ્રકારના નાના મોટા છિદ્રો પાડવાના  પ્રયાસો હાથ ધરેલ છે અને તેમાં રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા કોંગ્રેસના નેતાઓએ ગયા વર્ષના છેલ્લા ડીસેમ્‍બર માસ દરમ્‍યાન ટેક્ષ બીલ પસાર કરીને તેમાં ઓબામા કેર એકટમાં તમામ લોકોએ ફરજીયાત પણે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેવાનો રહેશે અને તેમ ન કરનારાઓએ વર્ષના અંતે જરૂરી દંડ ભરપાઇ કરવાનો રહેતો હતો. તેને ૨૦૧૯ના વર્ષથી રદ કરવામાં આવેલ છે. આથી હવે અમેરીકામાં વસવાટ કરતી કોઇપણ પ્રકારનો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ફરજીયાત પણે લેવાનો રહેતો નથી. અને દંડ ભરવાનો રહેશે નહી.

ઓબામા કેર અંગે વધારામાં જાણવા મળે છે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના લેબર ડીપાર્ટમેન્‍ટના અધીકારીઓએ ગયા બુધવારે જાન્‍યુઆરી માસની ૪ થી તારીખના રોજ એક નવીન અધિનીયમ બહાર પાડેલ છે અને તેમાં જો કાયદાકીય સ્‍વરૂપ પ્રાપ્ત થાય તો હાલના ઓબામા કેર એકટમાં અનેક પ્રકારના અવનવા ફેરફારો જોવાના મળશે. હાલમાં ઓબામાકેર અન્‍વયે દરેક રહીશોને જો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેવો હોયતો ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના સતાવાળાઓએ દસ પ્રકારના લાભો ફરજીયાત પણે વીમા લેનારને આપવાના રહે છે પરંતુ આ નવા સુચવવામાં આવેલ નવા નિયમોની દરખાસ્‍ત અન્‍વયે કેટલાક વ્‍યકિતગત રહીશો તેમજ નાના બીઝનેસમેનોને ઓબામા કેર અન્‍વયે જે ફરજીયાત પણે દસ પ્રકારના લાભો આપવાના રહે છે તેમાંથી કેટલાક લાભો રદ કરવામાં આવેલ છે. પરંતુ જો આ નવા નિયમો કાયદાનું સ્‍વરૂપ ધારણ કરે તો તેની કેટલા પ્રમાણમાં અસરો થશે તે અંગે હાલમાં કંઇ પણ કરી શકાય તેમ નથી.

હાલના કાયદામાં જો સુધારો કરતો હોય તેની ઔપચારિક રીવ્‍યુ પ્રક્રિયાનો આરંભ કરવો પડે અને ત્‍યારબાદ સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા કાયદેસરના રહીશોને તેની જાણ કરીને તે અંગે તેમના અભિપ્રાયો પ્રાપ્ત કરવાના રહે છે અને ત્‍યાર બાદ આ સમગ્ર નવા અધિનિયમન અંગે કોંગ્રેસમાં ચર્ચા થયા બાદ તેને પસાર કર્યા બાદ પ્રમુખની સહી કર્યા બાદ તે કાયદાનું સ્‍વરૂપ ધારણ કરે છે.

આ સમગ્ર નવા અધિનિયમન અંગે કાયદાના નિષ્‍ણાંતો પોતાનો એવો મત પ્રદર્શીત કરી રહયા છે કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહીવટી તંત્ર પોતાની મનસ્‍વી રીતે કાયદા ઘડવાનું કાર્ય કરી શકતું નથી કારણ કે આ પ્રકારનું કાર્ય કરવાનો હક કોઇ પણ ખાતું  ધરાવતું નથી આથી જો આ પ્રકારની સમગ્ર કાર્યવાહીને અદાલતના આંગણે લઇ જવામાં આવે તો સહેલાઇથી તેનો પરાજય થઇ શકે છે એવું આ લોકો માની રહયા છે અને કાયદાના નિષ્‍ણાંતો આ નવા અધિનીયમનને અદાલતમાં પડકારવાની તૈયારીઓ કરી રહયા હોવાનું જાણવા મળે છે.

રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓ આ નવા નિયમોને પસાર કરવામાં સફળતા મેળવે તો ઇન્‍સ્‍યોરન્‍સ ક્ષેત્રે હાલમાં જે નિયમો છે તેમાં થોડો ફેરફાર થશે અને એક નવીન અદ્યતન સીસ્‍ટમનો અમલ શરૂ થાયતો નવાઇની વાત નથી. આ નવા નિયમો થી જે લોકોની શારીરીક તંદુરસ્‍તી સારી હોયતો તેઓ સસ્‍તા દરનો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ખરીદ કરી શકશે પરંતુ અન્‍ય લોકો કે જેમની તંદુરસ્‍તી સારી ન હોય તેવા લોકોએ આ અંગે વધુ કિંમત ચુકવવી પડશે અને કેટલા કિસ્‍સાઓમાં તો ઉંચાદરે ઇન્‍સ્‍યોરન્‍સ ખરીદ કરવાનો રહેશે.

અમેરીકાના પ્રમુખના લેબર ડીપાર્ટમેન્‍ટના અધીકારીઓએ જે નવા નિયમો તૈયાર કરેલા છે તે દ્વારા એક નવો પ્‍લાન તૈયાર કરવાામાં આવેલ છે જેને એસોશીએશન હેલ્‍થ પ્‍લાન એવું નામ આપવામાં આવેલ છે અને આ પ્‍લાન ભીન્‍ન ભીન્‍ન  સંસ્‍થાઓ દ્વારા વ્‍યકિતગત ધોરણે અથવા નાના બીઝનેશોના માલીકોને વેચવામાં આવશે આ પ્‍લાન રીયાલ્‍ટરો પણ પોતાના ગ્રાહકોને આપી શકશે.

સને ૨૦૧૦ના વર્ષ દરમ્‍યાન જયારે ઓબામા કેરનો કાયદો પસાર કરવામાં આવ્‍યો અને ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ  જયારે તેના પર સહી કરી ત્‍યારે તેણે કાયદાનું સ્‍વરૂપ ધારણ કર્યુ હતું પરંતુ જયારે આ કાયદો તૈયાર કરવામાં આવ્‍યો ત્‍યારે ત્‍યારે ઇન્‍સ્‍યોરન્‍સ લેનાર વ્‍યકિતને દસ જેટલા લાભો અવશ્‍યપણે આપવા એવી શરતો સામેલ કરવામાં આવેલ છે અને તેની સાથે સાથે જયારે નવો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેવામાં આવે ત્‍યારે અગાઉની તમામ શરતોનો અમલ ચાલુ રહેશે એવું જણાવવામાં આવેલ છે. અને તેથી કોઇપણ વ્‍યકિત નવો એસોશીએન હેલ્‍થ પ્‍લાન નવા ગ્રાહકને વેચે તો તેણે આ તમામ લાભોનો સમાવેશ કરવાનો રહે છે. તે વખતના પ્રમુખ બરાક ઓબામાનો મુખ્‍ય ઉદેશ એ હતો કે તમામ રહીશોને મેડીકલ ક્ષેત્રે સારામાં સારી સેવાઓ પ્રાપ્ત થાય અને સર્વેને તેનો યોગ્‍ય લાભ મળે, તેમજ વ્‍યકિતગત તેમજ નાના બીઝનેશોને સંયુકત રીતે એકજ જગ્‍યાએ રાખતા જે લોકોને વધુ મેડીકલ ટ્રીટમેન્‍ટ આપવાની હોય તો જેઓની તંદુરસ્‍તી સારી હોય તેઓ જે પ્રિમીયમ ભરપાઇ કરે તેમાંથી આ ખર્ચો સરભર થઇ રહે એવી ગણત્રી હતી . અને  આજે પણ તેનો અમલ થઇ રહયો છે. જે નવો કાયદો તૈયાર કરવામાં આવેલ છે તેનાથી હાલનો જે ઓબામા કેરનો કાયદો છે તેમાં જે લાભો મળે છે તેને રદ કરવાના વ્‍યવસ્‍થિત પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

 વધારામાં જે નવો પ્‍લાન તૈયાર કરવામાં આવેલ છે અને જે લોકો આ પ્‍લાન દ્વારા નવો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેશે તેને ઓબામા કેર કાયદા દ્વારા જે લાભો મળે છે તે કદાચ ન પણ મળે કારણકે તેના નિયમો અને લાભો નવીન પ્રકારના હશે . આ નવો કાયદો તૈયાર થનાર છે તે અલગ રીતે કેન્‍દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો કાયદો રહેશે અને તેને એમ્‍પ્‍લોઇ રીટાયરમેન્‍ટ ઇન્‍કમ સીકયોરીટી એકટ એવું નામ આપવામાં આવેલ છે  જે લેબર ડીપાર્ટમેન્‍ટની હકુમત હેઠળ અલગ રીતે કાર્ય કરતું થઇ જશે.

(10:54 pm IST)