Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

" કાશ્મીર એકતા દિન " : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દૂતાવાસ આયોજિત ભારત વિરોધી કાર્યક્રમ યોજવા માટે હોટલ ભાડે આપવા કાબુલના હોટલ માલિકનો સ્પષ્ટ ઇન્કાર

કાબુલ :  અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દૂતાવાસ આયોજિત કાશ્મીર એકતા દિનની ઉજવણી માટે પોતાની હોટલ ભાડે આપવાનો કાબુલના હોટલ માલિકે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો તથા તમે અહીં ભારત વિરોધી કાર્યક્રમ નહીં યોજી શકો તેમ સ્પષ્ટપણે જણાવી દીધું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પાકિસ્તાને બુધવારે પોતાને ત્યાં કશ્મીર એકતા દિનની ઊજવણી કરી હતી. એ ઊજવણીના એક ભાગ રૂપે કાબુલની એક આલીશાન ફાઇવ સ્ટાર હૉટલમાં પાકિસ્તાની રાજદૂતાવાસે એક કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી પરંતુ સંબંધિત હૉટલના સંચાલકોએ આવો કોઇ કાર્યક્રમ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

પાકિસ્તાની મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ મુજબ પાકિસ્તાની રાજદૂતાવાસે એેવો આક્ષેપ કર્યો હતો કે અફઘાનિસ્તાનની સરકારે આ હૉટલ પર પરવાનગી નહીં આપવા રાજકીય દબાણ કર્યું હતું. પાકિસ્તાની રાજદૂતાવાસે અફઘાનિસ્તાનના વિદેશ ખાતાને પત્ર લખીને પોતાને પરવાનગી નહીં આપવાના હૉટલના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો.

પાકિસ્તાની રાજદૂતાવાસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમે એક અઠવાડિયા પહેલાં બુકિંગ કરાવ્યું ત્યારે હૉટલના સંચાલકોએ કોઇ વાંધો વિરોધ કર્યો નહોતો. છેક મંગળવારે સાંજે અમને કહેવામાં આવ્યું કે સુરક્ષાના કારણોસર તમારું બુકિંગ રદ કરવામાં આવે છે. તમે અહીં તમારો કશ્મીર એકતા દિનનો પ્રોગ્રામ નહીં કરી શકો.

 

(1:37 pm IST)