Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

''સુનેહરી યાદે'': યુ.એસ.ના ન્યુજર્સીમાં સૌપ્રથમવાર ત્રિસ્ટેટના કલાકારો તથા સંગીતકારો એકછત્ર હેઠળ ભેગા થયાઃ બોલીવુડના છેલ્લા ૬ દાયકાના સુમધુર ગીતોની સફર કરાવીઃ ટીમ ઓમકારા/OHM ચેરીટીઝના આયોજનને મળેલો જબ્બર પ્રતિસાદ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં OHM ચેરીટીઝ/ટીમ ઓમકારાના ઉપક્રમે ૨૭ એપ્રિલ ૨૦૧૯ના રોજ ''સુનહેરી યાદે'' પ્રોગ્રામ યોજાઇ ગયો.

બાલાજી ટેમ્પલ ઓડીટોરીયમ, ૧ બાલાજી ટેમ્પલ ડ્રાઇવ, બ્રિજવોટર, ન્યુજર્સી મુકામે બપોરે ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી યોજાયેલા પ્રોગ્રામમાં સૌપ્રથમવાર ત્રિસ્ટેટના ગાયકો તથા સંગીતકારોને એક છત્ર હેઠળ એકત્રિત કરાયા હતા.

જેઓએ છેલ્લા ૬ દાયકાના બોલીવુડના લોકપ્રિય ગીતોની મ્યુઝીક સાથે રમઝટ બોલાવી દર્શકોને ખુશ કરી દીધા હતા. ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦ વર્ષનું યોગદાન પૂર્ણ કરનાર દિગ્ગજ કલાકાર અમિતાભ બચનને શુભેચ્છા પાઠવી હતી.

સુમધુર કંઠ અને સંગીત સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેનાર ગાયકોમાં સુશ્રી અનિથા ક્રિશ્ના, શ્રી રાકેશ રાજ, શ્રી ચિરાગ ત્રિવેદી, સુશ્રી તન્મપા મોહાયીત્રા, સુશ્રી નીતિ ગુપ્તા, શ્રી અભિજીત પચેગાંવકાર, સુશ્રી ઉષા ચંગા, તથા ડો.તુષાર પટેલ, ઉપરાંત બોલીવુડ મ્યુઝીશીઅન શ્રી સન્ની, શ્રી ડોમિનીક, શ્રી દિપક, શ્રી પર્સી, તથા શ્રી પાંચેઝનો સમાવેશ થતો હતો. 

તદન નવા જ પ્રકારના આ સૌપ્રથમ પ્રોગ્રામને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

RJ સુશ્રી ઉષા ચાંગાએ બોલીવુડ સ્ટોરી સાથે ગીત વિષે માહિતી આપી દર્શકોના દિલ જીતી લીધા હતા. ટીમ ઓમકારા વતી શ્રી નિશિલ પરીખએ સહુનું સ્વાગત કર્યુ હતું. તથા ઓમકારા અને OHM ચેરીટીઝ વિષે માહિતી આપી હતી. તેવું શ્રી તુષાર પટેલ દ્વારા જાણવા મળે છે.

(9:32 pm IST)