Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વચનામૃત દ્વિશતાબ્દી જયંતીની નાઈરોબી - કેન્યામાં અનોખી ઉજવણી: "વચનામૃત દ્વિશતાબ્દી જયંતીની ભવ્ય પોથીયાત્રા–શોભાયાત્રા નીકળી": "વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, નાઈરોબીએ કર્ણપ્રિય સૂરો રેલાવ્યા": "સમગ્ર પથ પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગૂંજતી રહી"...

"વચનામૃત ગ્રંથ" સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી છે અને તેઓના માર્ગદર્શન હેઠળ જ આ ગ્રંથનું નિર્માણ થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાન શિરમોર ગ્રંથ એટલે વચનામૃત. શ્રી સ્વામિનારાયણ ભગવાને આ મહાન

 ગ્રંથમાં ગીતા, ભારત, ઉપનિષદ, ધર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ - આમ તમામ પ્રકારના સાધનો તત્વજ્ઞાન - વિજ્ઞાનની સચોટ સમજૂતી સંકલિત કરેલ છે. વચનામૃત એટલે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાસરિતાનું સ્થિર થયેલું વાંગમય સ્વરૂપ.

વચનામૃત એટલે સાધ્ય અને સાધકોની અનુપમ ગોષ્ઠિ.

વચનામૃત એટલે ગુજરાતી ભાષાનો પ્રથમ ગદ્ય ગ્રંથ‌.

વચનામૃત એટલે જટિલ સાધનાના માર્ગમાં સરળ સચોટ દર્શાવતો માર્ગદર્શક ગ્રંથ.

વચનામૃત ગ્રંથ જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે... વિશ્વનો ઐતિહાસિક વિરલ ગ્રંથ વચનામૃત. આ વિશ્વમાં પ્રચલિત મુખ્ય ધર્મોના ધર્મગ્રંથો, જેવા કે ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલ, ઇસ્લામ ધર્મગ્રંથ કુરાનેશરીફ, જૈન ધર્મગ્રંથ જૈન શ્રુત, બૌદ્ધ ધર્મગ્રંથ ત્રિપિટીક... તે તે ધર્મના સ્થાપકો પછી તૈયાર થયા છે, જયારે  શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જ તૈયાર થયેલો છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં  ઘરે ઘરે વંચાતો અને પૂજાતો મહાન ગ્રંથ એટલે વચનામૃત. આર્ટ ઓફ લીવીંગ – જીવન જીવવાની કળા શીખવતો  આ મહાન ગ્રંથ છે. જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા, અમદાવાદ, વરતાલ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, અસલાલી, જેતલપુર વગેરે સ્થળોએ સભામાં સંતો ભકતો વચ્ચે કરેલ કથાવાર્તા સત્સંગના શબ્દોને ગ્રંથસ્થ કરાયેલ છે. આજથી ૨૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં હજુ ગુજરાતી સ્કૂલોનો પ્રારંભ થયો હતો ત્યારે સંપ્રદાયના સંતો પોતપોતાની રીતે ભગવાનની અલૌકિક વાણી - વાતોને લખી લેતા એ શબ્દોથી વીંંધાઇ ગયેલાને શબ્દોને વીંધીને  આરપાર નિકળી ગયેલા નંદસંતો શ્રી મુકતાનંદસ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી, શ્રી શુકાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના  વચનોને ગ્રંથસ્થરૂપે કરેલ તે વચનામૃતની આજે દ્વિશતાબ્દિ જયંતી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત ૧૮૭૬ માગશર સુદ ૪ ને શનિવારના શુભ દિવસે પ્રબોધેલા પ્રથમ વચનામૃતને આજે ર૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ વચનામૃતની ર૦૦મી જયંતી એટલે વચનામૃત દ્વિશતાબ્દી પ્રાગટ્ય જયંતી.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના  આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં કેન્યા રાષ્ટ્રની રાજધાની નાઈરોબીમાં આ પરમ પર્વ  અનેરા ઉલ્લાસભેર ઉજવાઈ હતી. તેમજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો, હરિભકતો,નાના મોટા મંદિરોમાં દેશ અને વિદેશમાં પાઠ પૂજન, વાંચન, શ્રવણ કર્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં નાઈરોબીમાં શોભાયાત્રા - પોથીયાત્રા, ગ્રંથપૂજન, શાસ્ત્રોક્ત વિધિસર  સૂકામેવાથી અભિષેક, આશીર્વાદ, બાળકોના પ્રવચન વગેરે કરવામાં આવ્યું હતું. અનેરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

 

(12:10 pm IST)