Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍ટેટના ચેસ્‍ટરફિલ્‍ડની સ્‍કૂલોમાં ‘‘દિવાળી'' તહેવારની રજા જાહેર કરાઇઃ CTSDના પગલાને આવકારતા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ શ્રી રાજન ઝેડઃ સ્‍ટેટની તમામ સ્‍કૂલો હિન્‍દુઓની લાગણીને માન આપી દિવાળી તહેવારની રજા કરે તેવી ગવર્નર સહિતના અધિકારીઓને વિનંતી કરી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્‍દુઝમના પ્રેસિડન્‍ટ નેવાડા સ્‍થિત શ્રી રાજન ઝેડએ તાજેતરમાં અમેરિકાા ન્‍યુજર્સીમાં આવેલી તમામ પબ્‍લીક સ્‍કૂલ ડીસ્‍ટ્રીકટસ તથા પ્રાઇવેટ ચાર્ટર ઇન્‍ડીપેન્‍ડન્‍ટ સકૂલને હિન્‍દુઓના લોકપ્રિય તહેવાર ‘‘દિવાળી''ની રજા રાખવા અનુરોધ કર્યો છે.

સાથોસાથ તેમણે ચેસ્‍ટરફિલ્‍ડ ટાઉનશીપ સ્‍કૂલ ડીસ્‍ટ્રીકટ (CTSD)એ સાત નવેમ્‍બરના રોજ દિવાળી તહેવાર નિમિતે રજા જાહેર કરવાના પગલાને આવકાર્યુ હતુ તેમણે ઉમેર્યુ હતું કે અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો હિન્‍દુઓનો પ્રાચીન તથા લોકપ્રિય તહેવાર દિવાળી છે જેની ઉજવણી તમામ હિન્‍દુઓ પોતાના બાળકો સાથે સપરિવાર કરી શકે તે માટે સ્‍કૂલોમાં આ દિવસે રજા હોવી જરૂરી છે.

જો સ્‍કૂલોમાં તમામ ધર્મોના તહેવારોની રજા રાખવામાં આવતી હોય તો દિવાળીની રજા શા માટે નહીં તેવો સવાલ તેમણે ઉઠાવ્‍યો હતો. આ માટે તેમણે ન્‍યુજર્સી ગવર્નર ફીલીપ ડી મુર્થી, ન્‍યુજર્સી એકટીંગ એજ્‍યુકેશન કમિશ્‍નર ડો. લેમોન્‍ટ રિપોલેટ, તથા ન્‍યુજર્સી સ્‍ટેટ બોર્ડ ઓફ એજ્‍યુકેશન પ્રેસિડન્‍ટ આર્સેલિયો અપોન્‍ટને આ અંગે ઘટતું કરવા તથા પ્રાઇવેટ ચાર્ટર્ડ ઇન્‍ડિપેન્‍ડ સ્‍કૂલો પણ આ બાબતને અનુસરે તે જોવા વિનંતી કરી છે. તેમણે CTSD બોર્ડ ઓફ એજ્‍યુકેશન તથા CTSD સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ સ્‍કોટ હેઇનોને હિન્‍દુઓની લાગણી સમજવા બદલ બિરદાવી તેઓનો આભાર માન્‍યો હતો તેવું શ્રી રાજન ઝેડની યાદી જણાવે છે.

(9:58 pm IST)