Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

" લોકશાહી આમ તો જીવે છે " : અમેરિકામાં ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૨૦ના વર્ષની પ્રથમ બેઠક યોજાઈ : સરસ્વતી વંદના ,સ્વ.લલિતભાઈ વ્યાસને શ્રધ્ધાંજલી ,શબ્દોના પતંગ ,પ્રણય ગીત ,ગઝલ ,સાથે મીટીંગ સંપન્ન : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે 8 ફેબ્રુઆરીના રોજ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અપાશે

સુગરલેન્ડ હ્યુસ્ટન : ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, ૨૦૨૦ના વર્ષની પ્રથમ બેઠક  ( બેઠક નં ૨૦૪ ) જાન્યુઆરી ૧૯ને રવિવારે બપોરે  સુગરલેન્ડના ઈમ્પિરીયલ સેન્ટર ખાતે નવી સમિતિ દ્વારા યોજાઈ ગઈ.
 સમય બપોરે ૧.૩૦ વાગ્યાનો હતો પણ સભ્યો અને મહેમાનો એક વાગ્યાથી આવવાના શરૂ થયા હતાં. નવા વરસની પહેલી બેઠક એટલે સભ્યો અને સંચાલકોમાં વિશેષ ઉત્સાહ હતો. શિયાળાની સરસ મઝાની હૂંફાળી ઠંડીમાં  યજમાન શ્રીમતી  ભાવનાબેન અને શ્રી જ્યોતિભાઈ દેસાઈ તરફથી મળેલ પ્રેમસભર, ગરમ ગરમ ચા અને નાસ્તા સાથે સૌનું  સ્વાગત થયું.
નિર્ધારિત સમયે બેઠકનો પ્રારંભ થયો. નવા વરાયેલ પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ ટૂંકા સ્વાગત પ્રવચનથી શરૂઆત કરી. ત્યારબાદ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ સરસ્વતી વંદના ગાઈ.  
નવા વર્ષમાં કંઈક નવું કરવાની વાત કરતા  શૈલાબહેને બધાને પોતાનો અભિપ્રાય અને સૂચનો આપવા જણાવ્યું.  ૨૦૨૧માં સાહિત્ય સરિતાને  ૨૦ વર્ષ પૂરા થશે તેની ઉજવણી પણ ખૂબ સરસ રીતે કરવા માટેની ઈચ્છા દર્શાવી અને તે માટે સૌને સહકાર અને સૂચનો આપવા જણાવ્યું હતુ. ૩૦મી જાન્યુ.એ ગાંધી નિર્વાણ દિનને અનુલક્ષીને  ૮મી ફેબ્રુઆરીએ યોજાયેલ મહાત્મા ગાંધીજીને  શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની જાણ કરી. ત્યાર બાદ તેમણે હ્યુસ્ટનનાં સિનિયર સીટીઝન એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ  સ્વ.લલિતભાઈના અવસાન અંગે શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ૨ મિનિટ મૌન પાળવામાં આવ્યું.
કાર્યક્રમના પહેલા વિભાગનો  વિષય હતો  'પતંગ '. તે માટે કાવ્ય, વિચારો કે ગદ્ય રજૂ કરવામાટે સર્વે સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું.  શૈલાબહેને આ પતંગ મહેફિલનો દોર દેવિકાબહેનને સોંપ્યો અને તેમણે સભાને બે વિભાગમાં વહેંચી શરૂઆત કરાવી.
સૌ પ્રથમ મનસુખભાઈએ સુંદર કાવ્ય પંક્તિઓ રજૂ કરી. ત્યારબાદ શ્રીમતી ભાવનાબહેન દેસાઈ, જ્યોતિબહેન વ્યાસ, શ્રી નવીનભાઈ બેન્કર, ફતેહઅલીભાઈ ચતુર, ભારતીબહેન મજમુદાર,ચીમનભાઈ પટેલ, નીતિનભાઈ, વ્યાસ, હસમુખભાઈ દોશી વગેરેએ વારાફરતી રજૂઆત કરી. આશ્ચર્યજનક રીતે એક પછી એક પ્રસ્તૂતિ થતી રહી. સૌને શબ્દોના પતંગ ચડાવવાની મઝા આવતી ગઈ. પ્રફુલ્લભાઇ ગાંધીએ તો મારવાડી ભાષામાં મસ્ત પ્રણયગીત રજૂ કર્યું. શ્રી પ્રકાશભાઈ મજમુદારે પોતાના સુમધુર અવાજમાં પ્રસંગને અનુરૂપ ગીત ગાઈ સંભળાવ્યું. ઉત્સાહ,પ્રેરણા અને આનંદના ઉછાળા સાથે વધુ રજૂઆતો થતી રહી. શ્રીમતી નયનાબહેન, શ્રી પ્રશાંતભાઈ, શ્રીમતી ચારુબહેન વ્યાસ, દેવિકાબહેન, શૈલાબહેન અને મહેમાન શ્રીમતી રન્નાબહેન પારઘીએ પણ પતંગ દોરીની પંક્તિઓ ઉમેરી ભાગ લીધો હતો. શ્રી નૂરુદ્દીનભાઈએ ગઝલ સંભળાવી હતી.
કાર્યક્રમના બીજા વિભાગમાં દેશપ્રેમ, ૨૬ જાન્યુ. અને  મનપસંદ વિષય રાખવામાં આવ્યો હતો. તેમાં પણ  બધાએ ઉત્સાહપૂર્વક  ભાગ લીધો હતો.  શ્રી ફતેહ અલીભાઈએ ગઝલો સંભળાવી હતી. શ્રી  દેવિકાબહેન ધ્રુવે સ્વ.શ્રી  સુરેશ દલાલની 'લોકશાહી આમ તો જીવે છે' એ શિર્ષક હેઠળ એક વ્યંગભરી એકોક્તિ રજૂ કરી હતી. શ્રીમતી ચારુબહેન વ્યાસે કવિ નર્મદની કાવ્ય પંક્તિઓ યાદ કરી દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. વાતાવરણને હળવું કરવા શ્રી પ્રકાશભાઈએ એક સુંદર ગીત ગાઈ સંભળાવ્યું   શ્રી ચીમનભાઈએ પોતાની આગવી રીતે અભિનય સાથે ગીત રજૂ કરી તેમના જૂના દિવસો યાદ કર્યા હતા. તેના અનુસંધાનમાં નૂરુદ્દીનભાઈએ હાસ્ય કાવ્ય રજૂઆત કરી. ભાવનાબહેન દેસાઈએ 'પતંગ મારો ગુરુ' ( ડો. વિરલ શાહ લિખિત) નો કેટલોક ભાગ વાંચી સંભળાવ્યો હતો કે," આપણી દ્રષ્ટી/ નજર સદાય ઉપર જ રહે એ શીખવાડે છે પતંગ. આપણો લક્ષ્યાંક પણ હંમેશા ઉંચો હોવો જોઈએ. ગુજરાતીમાં પણ એક કહેવત છે ને કે," નિશાન ચૂક માફ, પણ નહિ માફ નીચું નિશાન."
ત્યારબાદ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સ્વરચિત છંદોબધ્ધ તાજી ગઝલ રજૂ કરી.
"સંબંધ વર્ષોના બધા ક્ષણમાં વિલાઈ જાય કેવા,
ને પળ મહીં ઋણાનુબંધોથી કદી બંધાય કેવા!"
આમ, બેઠકનો બીજો દોર પૂરો થયો. અત્રે એક નોંધ લેવી ઘટે કે,આ બેઠકમાં સંસ્થાના સક્રિય સેવાભાવી સભ્ય અને તસ્વીરકાર શ્રી જયંતભાઈ પટેલને, ભૂતપૂર્વ પ્રમુખના હસ્તે એક પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો.
સન્માનપૂર્વક તેમની  નિઃશુલ્કભાવે થતી ફોટોગ્રાફીની સેવાઓને બિરદાવવામાં આવી.
બેઠકના અંતિમ ભાગમાં ઉપપ્રમુખ શ્રીમતી ચારુબહેન વ્યાસે સૌની આભારવિધિ કરી હતી. સાથે હસમુખભાઈએ સંસ્થાને અનુદાન કર્યું હતું તે માટે તેમનો ખાસ આભાર માન્યો હતો.
 શ્રી જયંતભાઈએ સામૂહિક ફોટો લીધા બાદ 'પતંગ'ની મસ્તી માણતા સૌ આનંદથી છૂટા પડ્યાં. તેવું શ્રીમતી ચારુબહેન વ્યાસના અહેવાલ તથા  ,શ્રી જયંતીભાઈ પટેલના તસ્વીર સૌજન્ય દ્વારા સુશ્રી દેવિકા ધ્રુવની યાદી દ્વારા જાણવા મળે છે.

(6:40 pm IST)
  • જામનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિક પારેકની નવસારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી: તેમના સ્થાને નવસારી જિલ્લા વિકાસ અધીકારી વિપીન ગર્ગની નિમણૂક access_time 8:08 pm IST

  • પાટણ જીલ્લામાં કોંગ્રેસમાં મોટો ભૂકંપ : પાટણ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ બરતરફ :પાટણઃ કોંગ્રેસમાં વિખવાદ સપાટી પર નગરપાલીકાના ઉપપ્રમુખને પણ સસપેન્ડ કરાયાઃ પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ કરવા બદલ સસપેન્ડઃ પ્રમુખની સુચના મુજબ ૬ વર્ષ માટે સસપેન્ડ access_time 3:42 pm IST

  • મુંદરાના બારોઈમાંથી ૧.૮૦ લાખની ચોરી: ગામના ઉપસરપંચનું મકાન બન્યુ નિશાન: ઘરધણી લગ્ન પ્રસંગે ગયા બાદ તસ્કરી access_time 10:00 pm IST