Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લેસ્‍ટર યુ.કે.સ્‍થિત ગુજરાતી મૂળના સૂરસાધક, કલાપ્રેમી, તથા સમાજશ્રેષ્‍ઠી શ્રી ચંદુભાઇ ગોરધનદાસ મટ્ટાણીની ચિર વિદાયઃ ૧૯૩૪ની સાલમાં માંડવી કચ્‍છ મુકામે જન્‍મેલા શ્રી ચંદુભાઇએ લેસ્‍ટરમાં બિઝનેસ સામ્રાજયની સાથોસાથ કલા તથા માનવતાની મહેક પ્રસરાવીઃ ૨૮ જુલાઇ ૨૦૧૮ના રોજ અંતિમ શ્વાસ લીધા

લંડનઃ લેસ્‍ટર અને યુકેના ઇતિહાસમાં ગુજરાતી શ્રેષ્‍ઠી તરીકે શ્રી ચંદુભાઇનું નામ કાયમ રહેશે. પોતે મિલનસાર સ્‍વભાવના, પરોપકાર અને દરેક પરિસ્‍થિતિમાં પોઝીટીવ રહેવાની તેની રીત આપણને ઉત્તમ માનવની પ્રતિતિ કરાવે છે.

તેમના જીવન કાળ દરમ્‍યાન પત્‍નિ કુમુદબેન તેમના કરોડરજ્જુ બનીને મટ્ટાણી પરિવારને ખિલવ્‍યું હતું. શ્રી ચંદુભાઇએ બ્રિટનની પ્રખ્‍યાત અને ભારતમાં દરેક સંગીતકારોની માનીતી સંસ્‍થા ‘શ્રુતિ આર્ટ્‍સ'ની સ્‍થાપના ૧૯૮૩માં કરી હતી. આજે આ સંસ્‍થા જેવી ભારતની બહારે વિશ્વભરમાં આવી એક-બે સંસ્‍થા જ છે. બ્રિટનના ગુજરાતીઓ એક પ્રતિભાશાળી માનવ ગુમાવ્‍યાનું ભારે દુઃખ અનુભવે છે. આ માનવને જીંદગીના છેલ્લા વર્ષનો અણસાર આવી ગયો હતો. ગત વર્ષે પોતાના મનગમતા ગીતો સાથે જીવન ફિલોસોફીના શબ્‍દો પ્રદર્શિત કરતો ‘‘જીવન ઉત્‍સવ'' સંગીત આલ્‍બમ બહાર પાડયુંને દિકરા હેમંતને પુત્ર વધુ પ્રિતીને કહ્યું કે આ મારૂં છેલ્લું આલ્‍બમ છે. છેલ્લા દિવસોમાં હસતા હસતા ‘જીવન ચલને કા નામ ચલતે રહોᅠસુબહ શામ'ની વાતો દીકરા દીકરીઓ સાથે કરી. જીવને આગળ વધારે ને સારી વસ્‍તુંઓને વિચારોને સંસ્‍કારને સાથે રાખો... દિકરા હેમંત ભીની આંખે ‘‘પિતાજીએ અનેક લોકો માટે પ્રાર્થના ગાઇ આજે તેની પ્રાર્થના કોણ ગાશે?'' પુત્રવધુ પ્રિતીબેને દિકરી તરીકે જીવન પર્યત સેવા કરી. બા-બાપુજીને કશી ખોટનો પડછાયો પડવા ન દીધો. પૌત્રી શેફાલીને નેહાલીમાં ભરપૂર મટ્ટાણી સંસ્‍કાર સિંચ્‍યા સંગીત વારસો અણીશુદ્ધ જાળવી રાખ્‍યો છે ને ત્રણ પેઢી સંગીત કલાને સંસ્‍કારમાં શ્રેષ્‍ઠ બની. અરે દીકરા હેમંતે ૧૫૦ થી વધારે વિશ્વના શ્રેષ્‍ઠ મ્‍યુઝીક આલ્‍બમ બહાર પાડયા. ‘ડીવીનીટી'સંગીત આલ્‍બમતો પાર્લામેન્‍ટથી વ્‍હાઇટ હાઉસ, મ્‍યુઝીક થેરેપીથી યુનાઇટેડ નેશનના સમારંભમાં ખીલ્‍યું જેમાં શ્રી ચંદુભાઇના સંગીત જ્ઞાનની સાક્ષાત અનુભૂતી થાય છે. ૧૯૫૫માં કચ્‍છથી ઝાંબિયા ગયા ત્‍યાં મોટા બિઝનેસ કર્યા. ૧૯૭૭માં લેસ્‍ટર આવી બ્રિટનનો અને યુરોપનો ભવ્‍ય ‘સોનલ'સાડી શો રૂમ બેલગ્રેવ રોડ, લેસ્‍ટરમાં શરૂ કર્યો. કાળક્રમે, ‘સોનારૂપા'સાડી તરીકે નામના મેળવી. પોતે તો સૂરના સાધક, કળાના મરમી તરીકે દેશમાં વિવિધ ક્ષેત્રની હસ્‍તીઓ સાથે ઘરોબો બનાવ્‍યો અને લોકોના દિલમાં ખૂબ ચાહના મેળવી. તેમનું નિધન થતાં સંગીતની સુરાવલિ અને માનવતાની મહેંક રાંક બની છે.

 લોકપ્રિય,ભજનીક અને સેવાભાવી શ્રી ચંદુભાઇ ગોરધનદાસ મટ્ટાણીનું જૈફ વયે લેસ્‍ટર, યુકે ખાતે નિધન થયુ. અંતિમ શ્વાસ સુધી સુગમ સંગીતમાં નામી પ્રદાન આપનારા સ્‍વ.ચંદુભાઇને સ્‍વ.સુરેશ દલાલે ‘‘કવિતા જીવતો માણસ''તરીકે મૂલવ્‍યા હતા. સ્‍વ.કલ્‍યાણજી આણંદજીએ ડોલી ઉઠીને જય જય જય શ્રીનાથજી કેસેટમાં ભક્‍તિ અને સંગીતનો વૈભવી ખજાનો હોવાની લાગણી પ્રદર્શિત કરી હતી. શેઠ ગોકલદાસ ખીમજી એન્‍ડ મથરાદાસ ખીમજી મસ્‍કતવાલા ચેરિટેબલ ટ્રસ્‍ટના મેનેજર ભરતભાઇ વેદના મામ ચંદુભાઇ મટ્ટાણી અનુપ જલોટાને પરદેશમાં પારખનારા પહેલા હતા. સુરસમ્રાજ્ઞી લતા મંગેશકર સાથે તેઓને ઘરોબો હતો. અનેક ક્રિકેટરોના તેઓ મેજબાન બન્‍યા. ક્રિકેટ જગતના માંધાતા સુનીલ ગાવસ્‍કરે જેમનો ઋણ સ્‍વીકાર કરતાં જે તે વેળાએ લાગણી પ્રદર્શિત કરી તે પ્રમાણે ૧૯૭૯માં ઇગ્‍લાંડ સામેની ક્રિકેટ સિરિઝ દરમ્‍યાન ભારતીય ક્રિકેટ ટીમ જે સ્‍થળે મેદાનમાં ઊતરતી, ઠહેરતી ત્‍યાં ચંદુભાઇ-કુમુદબેન દંપતી ખેલાડીઓને ભાવતા ભોજનનો પ્રબંધ કરાવતા. આ ઉપરાંત ટેસ્‍ટ મેચોનું સંપૂર્ણ વીડિયો રેકોડિંગ ચંદુભાઇએ કરાવીને ગાવસ્‍કરને સોંપતા રમતમાં ભાવિ સુધાર માટે આશીર્વાદરૂપ નીવડયું હતું.

સુરેશ દલાલ રચિત અને આસિત દેસાઇ દ્વારા સ્‍વરબદ્ધ એવી શ્રીનાથજીના આઠ પદોવાળી કેસેટ ચંદુભાઇ મટ્ટાણી દ્વાર કલાજગતને નસીબ થયેલું એક શ્રેષ્‍ઠ સંગીત સર્જન મનાયું છે. આ એક જ કેસેટમાં લતા મંગેશકર, જગજિતસિંહ, અનુપ જલોટા, હરિહરન, આસિત હેમા દેસાઇ, પુરૂષોત્તમ ઉપાધ્‍યાય જેવી હસ્‍તીઓની કંઠ રેલાયો છે.

આ અમદાવાદ શહેરના ટાગોર રંગ ભવન લોકાર્પણ વેળાએ સ્‍વ.મટ્ટાણીએ સુગમ સંગીતના સૂરો રેલાવીને રેસિકોને મોજ કરાવી હતી. સુરેશ દલાલે તેમને આગવી રીતે મૂલવતાં કહ્યું હતું. એમની કારમાં સંગીત રેલાયા કરે, હિન્‍દી, ગુજરાતી ગીત-ગઝલ-ભજન-વાદ્ય સંગીતના સૂર તરંગોગૂંજ્‍યા કરે. ભારતીય સંસ્‍કાર અને બ્રિટિશ ટેકનોલોજીના અદ્‌ભુત સંગમ સમા સ્‍વ.મટ્ટાણી અર્ધાગિનીના અવસાન બાદ એક પુત્ર હેમંત અને બે પુત્રીઓ સાધના અને દિના સહિત પરિવારને વિલાપ કરતા વિરમી ગયા છે.

કચ્‍છ તેના હૃદયમાં વસતું હતું ને લેસ્‍ટર તેની કર્મ ભૂમિ રહી હતી. સાહિત્‍યકારોનું સાહિત્‍યનું ઉચ્‍ચ વિશ્‍લેષણ અદ્‌ભુત રીતે કરતા. ફોટોગ્રાફીનો ભારતથી ખૂબ શોખ એટલે અનેક સંગીતકારો, ફિલ્‍મી કલાકારો અને સાહિત્‍યકારોના બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ફોટાનો ખજાનો તેઓને સદીઓ સુધી જીવંત રાખશે.

‘ગુજરાતી મેટ્રો'ના તંત્રીશ્રી દિપક જોશીને ૧૯૮૮ થી માર્ગ દેખાડયો. બન્‍નેએ ભેગા મળીને જન્‍મભૂમિ ઇમેજ પલ્‍બિકેશન માટે ‘‘મારૂ શહેર લેસ્‍ટર''નો ઐતિહાસિક માહિતી સભર લેખ લખ્‍યો હતો. જેના ઉપર શોર્ટ ફિલ્‍મ તૈયાર થશે.

‘ગાંધી'ફિલ્‍મના ડાયરેકટર લોર્ડ રીચાર્ડ એટનબરોને ભાઇ ડેવીડ એટનબરોને નાઇટહુડની શાનદાર પાર્ટી સમયે ચંદુભાઇએ ગ્રુપ સાથે વૈષ્‍ણવજનતો તેને કહીએ રે જે પીડ પરાઇ જાણે રે...'' બન્‍ને ભાઇઓએ ગ્રુપ ઓફ પાડાવ્‍યોને મટ્ટાણી પરિવાર સાથે ઘરોબો કેળવ્‍યો. તેમને મૃત્‍યુ સમયે લોકો અદબ રાખીને દિવ્‍ય શાંતિ મળે તે માટે સૂર અને સંગીતનું આલ્‍બમ ‘‘શાંતાકારમ...''  આજે શ્રી ચંદુભાઇની પ્રાર્થના માટે ઉપયોગ કરતાં પરિવાર મિત્રો સગા સંબંધીઓ ચોધાર આંસુમાં ડુબ્‍યા છે. પ્રભુ આ માનવીય આત્‍માને પોતાની બાજીમાં રાખી ધન્‍યતા અનુભવતા હશે... અલવિદા શ્રી ચંદુભાઇ ગોરધનદાસ મટ્ટાણીને....

સાહેબ માનવું પડે શ્રી ચંદુભાઇ તેની પ્રવૃતિ, કર્મને પરોપકારથી અમર રહેશે. તેવું સ્‍થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)