Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણાંમાં 23 ટકાનો ઘટાડો : કોરોનાને કારણે વિદેશોમાં વસતા અનેક ભારતીયો બેકાર બન્યા

ન્યુદિલ્હી : વર્લ્ડ બેંકના એક અહેવાલ મુજબ, આ વર્ષે, કોરોનાને કારણે, ગ્લોબલ રેમિટન્સ 20%નો ઘટાડો થયો છે.જે અંતર્ગત વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણાંમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે માટે  વિદેશોમાં વસતા અનેક ભારતીયો બેકાર બન્યા હોવાનું કારણ જવાબદાર  છે.

 રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં વિશ્વમાં લગભગ 40 લાખ કરોડ રૂપિયા એક દેશથી બીજા દેશમાં મોકલવામાં આવ્યા હતા. કોરોનાને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેની સીધી અસર પૈસા મોકલવા પર પડે છે. આ વર્ષે, રેમિટન્સ 20 ટકા ઘટીને લગભગ 33 લાખ કરોડ થવાની ધારણા છે. એટલે કે આશરે 7 લાખ કરોડની ઘટ.

ભારતમાં પણ નાણાં મોકલવા પર કોરોનાની ખરાબ અસર પડી છે. વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં લોકોએ અન્ય દેશોમાંથી લગભગ 6 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા. આ વર્ષે આ આંકડો ઘટીને 4.8 લાખ કરોડ થવાની ધારણા છે. ભારતની જેમ કોરોનાની પણ અસર વિશ્વના અન્ય દેશોમાં નાણાં મોકલવા પર પડી છે. દક્ષિણ એશિયામાં 27.5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. બીજી બાજુ, પાકિસ્તાનમાં 23%, નેપાળમાં 19%, શ્રીલંકામાં 14% અને બાંગ્લાદેશમાં 22% જેટલો ઘટાડો થવાનો અંદાજ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)