Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

‘નમસ્તે-2020’ : અમેરિકાના એટલાન્ટામાં ગોકુલધામ હવેલી ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ નમસ્તે-2020 ઉજવાયો : કૃષ્ણલીલા, ક્લાસિકલ ડાન્સ, બોલીવુડ ડાન્સ, ઝુમ્બા, ગુજરાતી ફોક, પેટ્રોટિક ક્લાસિકલ અને એવરગ્રીન બોલીવુડ ફિનાલે સહિતના કાર્યક્રમોથી વૈષ્ણવો આનંદ વિભોર

એટલાન્ટા : અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2020’ આનંદઉલ્લાસ સાથે યોજાયો હતો. નમસ્તે-2020 માં ગોકુલધામ સાથે સંકળાયેલા નાના-મોટા 75 થી વધુ સ્વયંસેવકોએ કલાકાર બની ઉત્કૃષ્ઠ પરફોર્મ કરી દર્શકોની વાહવાહી મેળવી હતી. કલાકારોના પરર્ફોમન્સને નિહાળવા ગોકુલધામના જગદગુરુ હોલમાં 300 થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.
અમેરિકામાં ભારતીય સમુદાય માટે એટલાન્ટાની ગોકુલધામ હવેલી આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. આ ગોકુલધામ હવેલીમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સમયાંતરે ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ગતિવિધિઓને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાતા રહે છે. જે અંતર્ગત વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2020’ નું આયોજન થયું હતું.
ગોકુલધામના જગદગુરુ હોલમાં આયોજિત ‘નમસ્તે-2020’ પ્રોગ્રામમાં ગોકુલધામ સાથે સંકળાયેલા 75 થી વધુ સ્વયંસેવકોએ એક મહિનાની અથાગ પ્રેકટિશ કરી એક નિપુણ કલાકાર તરીકે ભાગ લીધો હતો. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ સૌ કલાકારોની ધગશ અને મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગોકુલધામનો નમસ્તે પ્રોગ્રામ દર વર્ષે સફળ રહેવા ઉપરાંત લોકપ્રિય બની રહ્યો છે.

નમસ્તે-2020 માં ગોકુલધામ વિદ્યાલયના બાળકોએ ભગવાન કૃષ્ણની બાળલીલાનું સુંદર નિરૂપણ કર્યું હતું. જ્યારે યુથ ટીમે કૃષ્ણની કંસ વધથી લઇ મહાભારત સુધીની લીલાઓનું વર્ણન કરતી નાટિકા પ્રસ્તુત કરી હતી. નમસ્તે-2020 માં આ ઉપરાંત ક્લાસિકલ ડાન્સ, બોલીવુડ ડાન્સ, વોકલ એન્ડ ડાન્સ, ઝુમ્બા, ગુજરાતી ફોક, પેટ્રોટિક ક્લાસિકલ અને એવરગ્રીન બોલીવુડ ફિનાલે દ્વારા કલાકારોએ મનોરંજન પીરસ્યું હતું. ગોકુલધામની યુથ ટીમના ડૉ.દિપીકા પટેલ, યશ શાહ, હરિત પટવા, પલ્લવ શાહ, અાસ્થા દલાલ, વ્રજના પટેલ,મૌલી શાહ, દ્રષ્ટિ ડોડિયા, કાવ્યા શાહે વિવિધ પર્ફોમન્સ અગાઉ તેની થીમ અંગે સમજ અાપી સફળ સંચાલન કર્યું હતું તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)