Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ઓગસ્ટા વેસ્ટલેન્ડ : ઇટાલીમાં રાજ ખુલી ગયા હોવાનો ધડાકો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કોંગ્રેસ ઉપર પ્રહારો : ઓગસ્ટા મામલામાં માફી માંગવા સોનિયા ગાંધીને સૂચન

લખનૌ, તા. ૩૧ : ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ દ્વારા મિસેજ ગાંધીનું નામ લેવામાં આવ્યા બાદ દેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં ભાજપના તમામ મુખ્યમંત્રીઓએ પત્રકાર પરિષદ કરવાની શરૂઆત કરી દીધી છે. આના ભાગરુપે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, ક્રિશ્ચિયન મિશેલે જ મિસેજ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો નથી. ઇટાલીમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કેસમાં મિસેસ ગાંધીનું નામ ૨૦૧૬માં જ સપાટી ઉપર આવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં જ્યારે ઇટાલીની કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ સાથે સંબંધિત મામલામાં અધિકારીઓને સજા ફટકારી હતી ત્યારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, કેટલાક લોકો ઇટાલીની બહારના છે. કોર્ટ તેમને સજા કરી શકે નહીં. યોગીએ દાવો કર્યો હતો કે, આજ આદેશમાં મિસેસ ગાંધીના નામનો ઉલ્લેખ હતો. યોગીએ દાવો કર્યો હતો કે, મિશેલની ધરપકડ બાદ કોંગ્રેસે પોતાના વકીલ મોકલ્યા હતા. કોંગ્રેસને ભય હતો કે, મિસેસ ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવશે તો મુશ્કેલ થશે. યોગીએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચોર મચાયે શોર જેવી સ્થિતિ રહેલી છે. ચોર કી દાઢી મેં તિનકા જેવી બાબત હવે દેખાઈ રહી છે. કોંગ્રેસ દેશની સૌથી જુની પાર્ટી છે પરંતુ દેશના સામાન્ય લોકો અને દેશની સુરક્ષા સાથે રમત રમી રહી છે. ૨૦૦૪થી લઇને ૨૦૧૪ સુધી એવા કોઇ ક્ષેત્ર ન હતા જેમાં કોંગ્રેસ પાર્ટીએ ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ આચરી ન હતી. યોગીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કારણે દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. મિશેલની ધરપકડથી ૩૭૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની બાબત સપાટી ઉપર આવી છે. શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારમાં ડુબેલી રહી છે. કોંગ્રેસનું કામ ચોર મચાયે શોર જેવું છે. પાછલા બારણેથી ચોરી અને આગળ આવીને ઇમાનદારીની વાત કોંગ્રેસી નેતાઓ કરી રહ્યા છે. કોંગ્રેસની પોલ હવે ખુલ ગઈ છે. કોંગ્રેસના અધ્યક્ષ અને મિસેસ ગાંધીએ જાહેરમાં આવીને માફી માંગવી જોઇએ. કોંગ્રેસ પાર્ટી વેસ્ટલેન્ડ કૌભાંડના કારણે ખુલ્લી પડી ગઈ છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ઓગસ્ટાવેસ્ટલેન્ડ મામલામાં કોંગ્રેસ પાર્ટીની ગતિવિધિનો ખુલાસો કરનાર છે. આના ભાગરુપે જ યોગીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી.

(8:09 pm IST)